Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 9 ભૂમિ Important Questions and Answers.
GSEB Class 7 Science Important Questions Chapter 9 ભૂમિ
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો:
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
ભૂમિના કયા સ્તરને મધ્યસ્તર કહે છે?
A. A સ્તર
B. B સ્તર
C. C સ્તર
D. આધાર ખડક
ઉત્તરઃ
B સ્તર
પ્રશ્ન 2.
ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં અને ખનીજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે?
A. C સ્તર
B. A સ્તર
C. B સ્તર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
B સ્તર
પ્રશ્ન 3.
કયા પ્રકારની ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય છે?
A. ચીકણી ભૂમિ
B. રેતાળ ભૂમિ
C. ગોરાડુ ભૂમિ
D. આપેલ તમામ
ઉત્તરઃ
ગોરાડુ ભૂમિ
પ્રશ્ન 4.
ક્યા પ્રકારની ભૂમિના કણો વચ્ચેથી પાણી સરળતાથી નીચે આવે છે? .
A. ચીકણી ભૂમિ
B. ગોરાડુ ભૂમિ
C. રેતાળ ભૂમિ
D. ફળદ્રુપ ભૂમિ
ઉત્તરઃ
રેતાળ ભૂમિ
પ્રશ્ન 5.
કયા પ્રકારની ભૂમિનો અનુસવણ દર સૌથી ઓછો છે?
A. રેતાળ ભૂમિ
B. ચીકણી ભૂમિ
C. ગોરાડુ ભૂમિ
D આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
ચીકણી ભૂમિ
પ્રશ્ન 6.
કયા પ્રકારની ભૂમિ માટલાં, રમકડાં વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે?
A. રેતાળ ભૂમિ
B. ચીકણી ભૂમિ
C. ગોરાડુ ભૂમિ
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
ચીકણી ભૂમિ
પ્રશ્ન 7.
એક ભૂમિના નમૂના માટે 250 મિલિ પાણીના અનુસ્ત્રવણ માટે 50 મિનિટનો સમય લે છે, તો તેનો અનુસવણ દર કેટલો?
A. 125 મિલિ / મિનિટ
B. 5 મિલિ / મિનિટ
C. 10 મિલિ / મિનિટ
D. 25 મિલિ / મિનિટ
ઉત્તરઃ
5 મિલિ / મિનિટ
પ્રશ્ન 8.
કયા પ્રકારની ભૂમિ ઘઉં અને ચણાના પાક માટે યોગ્ય છે?
A. માત્ર રેતાળ
B. માત્ર ગોરાડુ
C. રેતાળ અને ગોરાડુ
D. ચીકણી અને ગોરાડુ
ઉત્તરઃ
ચીકણી અને ગોરાડુ
પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરો:
પ્રશ્ન 1.
ભૂમિ એ ખૂબ જ અગત્યનો …… સ્ત્રોત છે.
ઉત્તરઃ
કુદરતી
પ્રશ્ન 2.
ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને …….. પદાર્થો કહે છે.
ઉત્તરઃ
સેન્દ્રિય
પ્રશ્ન 3.
……… પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે.
ઉત્તરઃ
સેન્દ્રિય
પ્રશ્ન 4.
………. ભૂમિની ભેજધારણ ક્ષમતા સૌથી ઓછી છે.
ઉત્તરઃ
રેતાળ
પ્રશ્ન 5.
ગોરાડુ ભૂમિ એ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે, જેને ………. કહે છે.
ઉત્તરઃ
કાંપ
પ્રશ્ન 6.
……….. ભૂમિ વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે.
ઉત્તરઃ
રેતાળ
પ્રશ્ન 7.
………… ભૂમિ પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દે છે.
ઉત્તરઃ
રેતાળ
પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ખડકોના તૂટવા માટે કઈ ક્રિયા જવાબદાર છે?
ઉત્તરઃ
અપક્ષય
પ્રશ્ન 2.
ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધારે હોય છે?
ઉત્તરઃ
A સ્તર
પ્રશ્ન 3.
ભૂમિના કયા સ્તરને A સ્તર કહે છે?
ઉત્તરઃ
સૌથી ઉપરના સ્તરને
પ્રશ્ન 4.
વનસ્પતિની વૃદ્ધિ માટે કઈ ભૂમિ સૌથી શ્રેષ્ઠ છે?
ઉત્તરઃ
ગોરાડુ ભૂમિ
પ્રશ્ન 5.
કયા પ્રકારની ભૂમિની જલધારણ ક્ષમતા સૌથી વધુ છે?
ઉત્તરઃ
ચીકણી ભૂમિ
પ્રશ્ન 6.
કયા પ્રકારની ભૂમિનો અનુસવણ દર સૌથી વધુ છે?
ઉત્તરઃ
રેતાળ ભૂમિ
પ્રશ્ન 7.
ક્યા પ્રકારની ભૂમિમાં ખૂબ જ ઓછી હવા હોય છે?
ઉત્તરઃ
ચીકણી ભૂમિ
પ્રશ્ન 8.
કઈ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે?
ઉત્તરઃ
રેતાળ ભૂમિ
પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
વર્ષાઋતુમાં અળસિયાં ભૂમિમાંથી બહાર નીકળતાં જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
ભૂમિના A સ્તરમાં ખનીજ દ્રવ્યો વધુ અને સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 3.
વરસાદ પડતાં રેતાળ ભૂમિમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
ગોરાડુ ભૂમિ પાક ઉગાડવા માટે ઉત્તમ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
ગોરાડુ ભૂમિ રેતી, માટી અને કાંપની બનેલી છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
રેતાળ ભૂમિમાં કળણ જોવા મળે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
રેતાળ ભૂમિ ઘઉંના પાક માટે ઉત્તમ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો?
પ્રશ્ન 1.
સેન્દ્રિય પદાર્થો એટલે શું?
ઉત્તરઃ
ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાથોં કહે છે.
પ્રશ્ન 2.
અપક્ષય (Weathering) એટલે શું?
ઉત્તરઃ
ભૂમિ એ પાણી, પવન અને આબોહવા જેવા પરિબળો દ્વારા મોટા ખડકોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય (Weathering) કહે છે.
પ્રશ્ન ૩.
‘ભૂમિની રૂપરેખા’ એટલે શું?
ઉત્તરઃ
ભૂમિનો લંબરૂપ છેદ જોતાં તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે. આને ભૂમિની રૂપરેખા કહે છે.
પ્રશ્ન 4.
ભૂમિનું દરેક સ્તર કઈ રીતે ભિન્નતા દર્શાવે છે?
ઉત્તરઃ
ભૂમિનું દરેક સ્તર તેના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે.
પ્રશ્ન 5.
ભૂમિના બંધારણના ઘટકો જણાવો.
ઉત્તરઃ
ભૂમિના બંધારણના ઘટકો કાંકરી, રેતી, માટી અને સેન્દ્રિય પદાર્થો છે.
પ્રશ્ન 6.
પથ્થરો (ખડકો) તૂટવાની ક્રિયામાં કયાં પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે?
ઉત્તરઃ
પથ્થરો (ખડકો) તૂટવાની ક્રિયામાં પાણી, પવન અને વાતાવરણ જેવાં પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે.
પ્રશ્ન 7.
ભૂમિના મુખ્ય પ્રકારો કયા કયા છે?
ઉત્તરઃ
ભૂમિના મુખ્ય ત્રણ પ્રકારો છે:
- રેતાળ ભૂમિ
- ચીકણી ભૂમિ
- ગોરાડુ ભૂમિ
પ્રશ્ન 8.
ભૂમિનું ઉપરનું સ્તર કેવું હોય છે?
ઉત્તરઃ
ભૂમિનું ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનીજ દ્રવ્યોથી ભરપૂર હોય છે.
પ્રશ્ન 9.
ભૂમિનું કયું સ્તર ફાંટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે?
ઉત્તરઃ
ભૂમિનું C સ્તર (ત્રીજું સ્તર) ફાંટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે.
પ્રશ્ન 10.
આધાર ખડક એટલે શું?
ઉત્તરઃ
ભૂમિના ત્રીજા સ્તર C સ્તરની નીચે કોદાળી વડે ખોદવું અઘરું પડે તેવું ખૂબ જ સખત સ્તર આવેલું છે, તેને આધાર ખડક કહે છે.
પ્રશ્ન 11.
રેતાળ ભૂમિ કોને કહે છે?
ઉત્તરઃ
જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય, તેને રેતાળ ભૂમિ કહે છે.
પ્રશ્ન 12.
ચીકણી ભૂમિ કોને કહે છે?
ઉત્તરઃ
જે ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય, તેને ચીકણી ભૂમિ કહે છે.
પ્રશ્ન 13.
ગોરાડુ ભૂમિ કોને કહે છે?
ઉત્તરઃ
જે ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય તેને ગોરાડુ ભૂમિ કહે છે.
પ્રશ્ન 14.
ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિની સપાટી પરની હવા શા માટે ચળકતી લાગે છે?
ઉત્તરઃ
ઉનાળાના ગરમ દિવસોમાં, ભૂમિમાંથી નીકળતી પાણીની બાષ્પ એ – સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે. તેથી ભૂમિની સપાટી પરની હવા ચળકતી લાગે છે.
પ્રશ્ન 15.
ભૂમિનું ધોવાણ એટલે શું?
ઉત્તરઃ
પવન અને વરસાદના પાણીના પ્રવાહથી ભૂમિના ઉપરના સ્તરના કણો છૂટા પડી દૂર ઘસાડાઈ જવાની ક્રિયાને ભૂમિનું ધોવાણ કહે છે.
પ્રશ્ન 16.
કયાં પર્યાવરણીય પરિબળો ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફારો લાવે છે?
ઉત્તર:
પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ અને ભેજ જેવાં પર્યાવરણીય પરિબળો ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફારો લાવે છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નોઃ
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ભૂમિની અગત્ય જણાવો.
ઉત્તરઃ
ભૂમિની અગત્ય નીચે મુજબ છે :
- તે વનસ્પતિના મૂળને જકડી રાખે છે અને તેને આધાર આપે છે.
- તે વનસ્પતિને પાણી અને પોષક દ્રવ્યો પૂરા પાડે છે.
- તે સજીવોનું આશ્રયસ્થાન છે.
- તે ખેતી માટે ખૂબ જ અગત્યની છે. ખેતી આપણને ખોરાક, કપડાં અને રહેઠાણ માટેની ચીજો પૂરી પાડે છે.
પ્રશ્ન 2.
ભૂમિનાં વિવિધ સ્તરો આપણને ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
ભૂમિનાં વિવિધ સ્તરો આપણને નીચેની જગ્યાએ જોવા મળે છે :
- તાજેતરમાં ભૂમિમાં ખોદેલો ખાડો જોતાં તેમાં ભૂમિનાં વિવિધ સ્તરો જોવા મળે છે.
- કૂવાના ખોદકામ વખતે અથવા બહુમાળી મકાન બનાવતી વખતે પાયાના ખોદકામમાં ભૂમિનાં સ્તરો જોવા મળે છે.
- આપણે પહાડી રસ્તાઓ પર પ્રવાસ કરેલ હોય ત્યારે તથા ઢાળવાળા નદીકિનારે કે નદીનાં કોતરોમાં ભૂમિનાં વિવિધ સ્તરો જોવા મળે છે.
પ્રશ્ન ૩.
ભૂમિનું ઉપલું સ્તર કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તરઃ
ભૂમિનું ઉપલું સ્તર સેન્દ્રિય પદાર્થો અને ખનીજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે. આથી તેમાં ખેતી દ્વારા સારો પાક મેળવી શકાય છે, જે આપણા ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે. વળી તે ઊગતી વનસ્પતિને પોષક તત્ત્વો પૂરાં પાડે છે. આથી વૃક્ષોની સંખ્યા વધે છે અને પર્યાવરણને ફાયદો થાય છે. ભૂમિના ઉપલા સ્તરમાં કેટલાક સજીવો જેવા કે, કીડીઓ, સાપે, ઉંદર, અળસિયાં, બૅક્ટરિયા તથા સૂક્ષ્મ જીવો વસે છે. આમ, ભૂમિનું ઉપલું પડ અનેક રીતે ઉપયોગી છે.
પ્રશ્ન 4.
રેતાળ ભૂમિની વિશિષ્ટતાઓ જણાવો.
ઉત્તરઃ
રેતાળ ભૂમિની વિશિષ્ટતાઓ નીચે મુજબ છે :
- તેમાં રેતીના કણોનું પ્રમાણ વધારે છે અને સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઓછું છે. આમ તે ઓછી ફળદ્રુપ ભૂમિ છે.
- રેતીના કણો ખૂબ જ મોટા હોય છે. તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. આથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે. આ અવકાશમાં હવા ભરાય છે.
- રેતાળ ભૂમિમાં પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. આમ, રેતાળ ભૂમિમાં વરસાદ પડ્યા બાદ તેમાં પાણી ભરેલું રહેતું નથી. ભૂમિ જલદી સૂકી થઈ જાય છે.
- તેનો અનુસ્ત્રવણ દર સૌથી વધારે અને જલધારણ ક્ષમતા સૌથી ઓછી છે.
પ્રશ્ન 5.
ચીકણી ભૂમિની વિશિષ્ટતાઓ જણાવો.
ઉત્તરઃ
ચીકણી ભૂમિની વિશિષ્ટતાઓ નીચે મુજબ છે :
- તેમાં માટીના કણોનું પ્રમાણ વધારે છે. માટીના કણો ખૂબ જ ઝીણા કણો છે.
- તેમાં માટીના નાના કણો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. આથી તેમાં હવા માટે ખૂબ જ ઓછો અવકાશ રહે છે.
- ચીકણી ભૂમિમાં માટીના કણોની વચ્ચેની નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે. આથી તે વજનમાં ભારે હોય છે.
- તેની જલધારણ ક્ષમતા વધારે છે. પરંતુ અનુસ્ત્રવણ દર ઓછો છે.
- આ ભૂમિ પર વરસાદ પડતાં પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. સેન્દ્રિય પદાર્થોને લીધે તે લપસણી બને છે. આ ભૂમિ ઉનાળામાં સૂકાતાં કઠણ બને છે અને તિરાડો પડે છે. તેથી તેને ખેડવી કઠિન છે.
પ્રશ્ન 6.
ગોરાડુ ભૂમિની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તરઃ
ગોરાડુ ભૂમિની લાક્ષણિકતાઓ આ મુજબ છે:
- આ પ્રકારની ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા છે. તેમાં કાંપના કણો પણ હોય છે. કાંપના કણોનું કદ રેતી અને માટીના કણોના કદની વચ્ચેનું હોય છે.
- આ ભૂમિમાં કાંપ હોવાથી ચોમાસામાં આ ભૂમિ ચીકણી અને લપસણી બને છે. તેમાં કળણ જોવા મળે છે.
- આ ભૂમિની જલધારણ ક્ષમતા અને અનુસ્ત્રવણ દર મધ્યમસરના હોય છે. આથી આ ભૂમિમાં જરૂરી હવા અને માફકસરનો ભેજ હોવાથી વનસ્પતિની વૃદ્ધિ માટે તથા ખેતરમાં ઉગાડાતા પાક માટે ઉત્તમ છે.
પ્રશ્ન 7.
ભૂમિનો પ્રકાર અને તેમાં થતા પાક વિશે માહિતી આપો.
ઉત્તરઃ
કપાસના પાક માટે રેતાળ અથવા ગોરાડુ ભૂમિ, જે સરળતાથી અંતઃસવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તે વધુ યોગ્ય છે. ઘઉં અને ચણાના પાક માટે ચીકણી અને ગોરાડુ એમ બંને પ્રકારની ભૂમિ યોગ્ય છે. ચોખા જીવ પાક માટે ચીકણી જમીન, જે કાર્બનિક પદાર્થો અને ઊંચી જલધારણ ક્ષમતા ધરાવે છે તે યોગ્ય છે. મસૂર અને કઠોળના પાક માટે ગોરાડુ ભૂમિ યોગ્ય છે.
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
જંગલવાળા વિસ્તારની ભૂમિનું ધોવાણ ઓછું થાય છે.
ઉત્તરઃ
- જંગલવાળા વિસ્તારમાં ઘટાદાર વૃક્ષો હોય છે. ઘટાદાર વૃક્ષોનું આચ્છાદન વરસાદના મારને ખમી લે છે.
- વૃક્ષોનાં મૂળ ભૂમિના કણોને એકબીજા સાથે બાંધી રાખે છે.
- વૃક્ષોને કારણે પવન અને પાણીનો પ્રવાહ ધીમો પડી જાય છે. આથી જંગલવાળા વિસ્તારની ભૂમિનું ધોવાણ પ્રમાણમાં ઘણું ઓછું થાય છે.
પ્રશ્ન 2.
ભૂમિના ઉપલા પડનું જતન કરવું જરૂરી છે. જે
ઉત્તર:
- ભૂમિના ઉપલા પડમાં સેન્દ્રિય પદાર્થો તથા ખનીજ દ્રવ્યો ભરપૂર હોય છે.
- સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે તથા વનસ્પતિને પોષક તત્ત્વો પૂરાં પાડે છે.
- ભૂમિનું ઉપલું પડ વનસ્પતિ અને પાક માટે ઉપયોગી પડ છે.
- જમીનના ધોવાણને લીધે ઉપલા પડના કણો છૂટા પડી પાણીના પ્રવાહ સાથે દૂર જતા રહે છે.
- તે ભૂમિની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે. આથી ભૂમિના ઉપલા પડનું જતન કરવું જરૂરી છે.
પ્રશ્ન ૩.
ગોરાડુ ભૂમિ ખેતી માટે ઉત્તમ છે.
ઉત્તરઃ
- ગોરાડુ ભૂમિમાં માટી, કાંપ અને રેતી મિશ્ર પ્રમાણમાં હોય છે.
- ગોરાડુ જમીનમાં સેન્દ્રિય પદાર્થો જરૂરી પ્રમાણમાં હોય છે.
- વળી તેમાં પાણીનો અનુસ્ત્રવણ દર અને જલધારણ ક્ષમતા મધ્યમસરની છે.
- ભૂમિમાં હવાનું પ્રમાણ અને પાણીનું પ્રમાણ જરૂર જેટલું હોવાથી પાકના ઊગવા માટે વધુ અનુકૂળ છે.
- આવી ભૂમિમાં ખેતી સારી થાય છે. તેથી ગોરાડુ ભૂમિ ખેતી માટે ઉત્તમ છે.
પ્રશ્ન 4.
રેતાળ ભૂમિમાં પાકને વારંવાર પાણી આપવું પડે છે.
ઉત્તરઃ
- રેતાળ ભૂમિની જલધારણ ક્ષમતા ખૂબ ઓછી છે.
- આ ભૂમિના પાકને પાણી સિંચવાથી પાણી રેતીના કણો વચ્ચેથી નીચે ઊતરી જાય છે.
- આથી થોડી વારમાં ભૂમિ સુકાઈ જાય છે. તેથી રેતાળ ભૂમિમાં પાકને વારંવાર પાણી આપવું પડે છે.
પ્રશ્ન ૩.
તફાવત આપોઃ રેતાળ ભૂમિ અને ગોરાડુ ભૂમિ
ઉત્તરઃ
રેતાળ ભૂમિ |
ગોરાડુ ભૂમિ |
1. તેમાં વિશાળ માત્રામાં મોટા કણો રેતીના કણો હોય છે. | 1. તેમાં માટીના કણો, કાંપ અને થોડા રહેલા હોય છે. |
2. તેમાં પાણીનો અનુસવણ દર સૌથી વધુ હોય છે. | 2. તેમાં પાણીનો અનુસવણ દર મધ્યમસરનો હોય છે. |
3. તેની જલધારણ ક્ષમતા સૌથી ઓછી છે. | 3. તેની જલધારણ ક્ષમતા મધ્યમસરની છે. |
4. તે પાક ઉગાડવા માટે ઊતરતી કક્ષાની ભૂમિ છે. | 4. તે પાક ઉગાડવા માટે ઉત્તમ ભૂમિ છે. |
પ્રશ્ન 4.
જોડકાં જોડો :
વિભાગ “A’ | વિભાગ “B’ |
(1) રેતાળ ભૂમિ | (a) ભૂમિનાં વિવિધ સ્તરો |
(2) ચીકણી ભૂમિ | (b) પાણીનો અનુસ્ત્રવણ દર સૌથી વધુ |
(3) ગોરાડુ ભૂમિ | (c) ખોદવું અઘરું કામ |
(4) ભૂમિની રૂપરેખા | (d) ખેતી માટે ઉત્તમ |
(e) જલધારણ ક્ષમતા સૌથી વધુ |
ઉત્તરઃ
(1) → (b), (2) → (e), (3) → (d), (4) → (a).
(C) વિસ્તૃત પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ભૂમિનાં સ્તરો (ભૂમિની રૂપરેખા) વર્ણવો.
ઉત્તરઃ
ભૂમિનો લંબરૂપ છેદ જોતાં તેનાં વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે.
ભૂમિનાં આ સ્તરો ક્ષિતિજ તરીકે ઓળખાય છે. ભૂમિના દરેક સ્તર તેના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે.
ભૂમિનું A સ્તર: તે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર છે. આ સ્તરને ઉપરીભૂમિ પણ કહે છે. તે ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનીજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઊગતી વનસ્પતિને પોષક તત્ત્વો પૂરાં પાડે છે. આ સ્તર સામાન્ય રીતે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આ સ્તર કીડીઓ, ઉંદર, છછુંદર, સાપ, ઢાલીયા જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે આ સ્તરમાં હોય છે.
B. સ્તર: તે A સ્તર પછીનું સ્તર છે. આ સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનીજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન છે. તેને મધ્યસ્તર પણ કહે છે.
C. સ્તર : તે ભૂમિનું ત્રીજું સ્તર છે. તે ફાંટા અને તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું છે.
આધાર ખડક: C સ્તરની નીચે આધાર ખડક હોય છે. તે ખૂબ જ સખત છે. તેને કોદાળી વડે પણ ખોદવું અઘરું છે.
પ્રશ્ન 2.
ભૂમિના જુદા જુદા પ્રકાર વર્ણવો.
ઉત્તરઃ
ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે. ભૂમિના મુખ્ય ત્રણ પ્રકાર છે :
- રેતાળ ભૂમિ
- ચીકણી ભૂમિ
- ગોરાડુ ભૂમિ
જુઓ વિશેષ પ્રશ્નોત્તરના વિભાગ (B) ટૂંકજવાબી પ્રશ્નોના પ્રશ્ન 1ના પેટા પ્રશ્નો (4), (5) અને (6)ના ઉત્તર.
પ્રશ્ન 2.
ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે, તે કેવી રીતે દર્શાવશો?
ઉત્તરઃ
સાધન-સામગ્રીઃ ઉત્કલન નળી, બન્સન બર્નર, સ્ટેન્ડ, માટીનો નમૂનો.
[આકૃતિઃ ભૂમિ(માટી)માં પાણીની બાષ્પ રહેલી છે.]
પદ્ધતિઃ
- એક ઉત્કલન નળી લો.
- તેમાં થોડો માટીનો નમૂનો નાખો.
- તેને જ્યોત પર ગરમ કરો.
- થોડી વાર પછી ઉત્કલન નળીની ઉપરની સપાટીનું અવલોકન કરો.
અવલોકન: ઉત્કલન નળીની ઉપરના ભાગમાં પાણીનાં ટીપાં બાઝેલાં માલૂમ પડે છે.
નિર્ણયઃ ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે.
HOTs પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
ભૂમિની ફળદ્રુપતા તેના કયા ઘટકને આભારી છે?
A. ખનીજ દ્રવ્યો
B. સેન્દ્રિય પદાર્થો
C. પિતૃપથ્થર
D. ભૂમિના કણોનું કદ
ઉત્તરઃ
B. સેન્દ્રિય પદાર્થો
પ્રશ્ન 2.
ચીકણી ભૂમિ સુકાઈ જતાં શું થાય છે?
A. પોચી પડે છે.
B. તડ પડે છે.
C. વજન વધે છે.
D. રેતાળ ભૂમિ બને છે.
ઉત્તરઃ
B. તડ પડે છે.
પ્રશ્ન 3.
કયા પ્રકારની માટી માટલાં બનાવવા માટે ઉપયોગી છે?
A. ચીકણી
B. ગોરાડુ
C. રેતાળ
D. ખનીજ દ્રવ્યોવાળી
ઉત્તરઃ
A. ચીકણી
પ્રશ્ન 4.
માટલી બનાવવાની માટીમાં ઘોડાની લાદ શા માટે ઉમેરવામાં આવે છે?
A. તે બળતાં માટીનાં છિદ્રો ખૂલવામાં મદદ કરે છે.
B. તે માટીને ચીકણી બનાવે છે.
C. તેનાથી માટલાં લાલ રંગનાં બને છે.
D. તે બળવાથી માટલાં પાકી સખત બને છે.
ઉત્તરઃ
A. તે બળતાં માટીનાં છિદ્રો ખૂલવામાં મદદ કરે છે.
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
A. ઢાળવાળી ભૂમિનું ધોવાણ વધારે થાય છે.
B. ઘાસ ઉગાડવાથી ભૂમિનું ધોવાણ ઓછું થાય છે.
C. ખેડીને સમતલ કરેલી ભૂમિનું ધોવાણ ઓછું થાય છે.
D. જંગલોવાળા વિસ્તારની જમીનનું ધોવાણ વધુ થાય છે.
ઉત્તરઃ
D. જંગલોવાળા વિસ્તારની જમીનનું ધોવાણ વધુ થાય છે.