This GSEB Class 10 Social Science Notes Chapter 15 આર્થિક વિકાસ covers all the important topics and concepts as mentioned in the chapter.
આર્થિક વિકાસ Class 10 GSEB Notes
→ આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે; જેના પરિણામે લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે.
→ આર્થિક વિકાસનો ખ્યાલ દેશના લોકોની માથાદીઠ આવક તેમજ લોકોના જીવનધોરણ સાથે સંકળાયેલો છે.
→ વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે સરેરાશ આવક ગણાય છે. એ સરેરાશ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે.
→ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત
- આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે.
- દેશના ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે.
- વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય; જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વિકાસ કહેવાય.
→ વિશ્વ બેન્કના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે વાર્ષિક 735 ડૉલરથી ઓછી આવક ધરાવતા દેશો વિકાસશીલ અર્થતંત્ર કહેવાય.
→ વિકાસશીલ અર્થતંત્રનાં મુખ્ય લક્ષણો :
- નીચી માથાદીઠ આવક,
- વસ્તીવૃદ્ધિ,
- કૃષિક્ષેત્ર પર અવલંબન,
- આવકની વહેંચણીની અસમાનતા,
- બેરોજગારી,
- ગરીબી,
- દ્વિમુખી અર્થતંત્ર,
- પાયાની અપર્યાપ્ત સેવાઓ અને
- આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ.
→ વિકાસશીલ અર્થતંત્રમાં વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર 9% કે તેથી વધારે હોય છે.
→ વિકાસશીલ અર્થતંત્રમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. વિકાસશીલ દેશોમાં મોસમી બેરોજગારી, છૂપી (પ્રચ્છન્ન) બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે પ્રકારની બેરોજગારી હોય છે.
→ ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય એવા લોકો ગરીબ કહેવાય. વિકાસશીલ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું હોય છે.
→ ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. દા. ત., ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડૉક્ટર, વકીલ, ઇજનેર વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
→ જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી, તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. દા. ત., માતા પોતાના બાળકને ઉછેરે, ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરે, વ્યક્તિ સમાજસેવાનાં કાર્યો કરે વગેરેની પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય.
→ ભારતીય અર્થતંત્રનાં ત્રણ ક્ષેત્રો છે:
- પ્રાથમિક ક્ષેત્ર,
- માધ્યમિક ક્ષેત્ર અને
- સેવાક્ષેત્ર.
→ પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા-બતકાં ઉછેર, વનસંવર્ધન, વન્ય પાર્થોનું એકત્રીકરણ, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
→ માધ્યમિક ક્ષેત્રમાં નાના-મોટા ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગૅસ ‘ અને પાણી-પુરવઠો, યંત્રસામગ્રી વગેરેની આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે.
→ સેવાક્ષેત્રમાં વ્યાપાર, માર્ગ-પરિવહન અને સંચાર-માધ્યમો, હવાઈ અને દરિયાઈ માગ, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ તથા વીમાકંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે.
→ સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.
→ ઉત્પાદનનાં સાધનો ચાર છે :
- જમીન
- મૂડી
- શ્રમ અને
- નિયોજક (નિયોજન).
→ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતાં યંત્રો, ઓજારો, મકાનો વગેરે માનવસર્જિત સાધનોનો મૂડીમાં સમાવેશ થાય છે.
→ ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક અને માનસિક કાર્યને “શ્રમ’ કહે છે. ખેતમજૂરો, કામદારો, કારીગરો, શિક્ષકો, ડૉક્ટરો વગેરેના કાર્યને શ્રમ કહે છે.
→ જમીન, મૂડી અને શ્રમ એ ઉત્પાદનનાં સાધનોનું, કુશળતાપૂર્વક સંયોજન કરીને ઉત્પાદન-પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને “નિયોજક કહેવામાં આવે છે.
→ ઉત્પાદનનાં સાધનોની ફાળવણીઃ
- માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે.
- ઉત્પાદનનાં સાધનો મર્યાદિત છે,
- ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોને અગત્યનુક્રમ નક્કી કરવો પડે છે.
- ઉત્પાદનનાં સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે.
→ ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની બે મુખ્ય પદ્ધતિઓ છે :
- બજાર પદ્ધતિ અથવા મૂડીવાદી પદ્ધતિ અને
- સમાજવાદી પદ્ધતિ,
→ બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિતરીકે પણ ઑળખવામાં આવે છે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. બજાર પદ્ધતિમાં ઉદ્યોગોમાં થતા નફાના આધારે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયોનું સ્વાતંત્ર્ય હોય છે. તેમાં રાજ્ય કોઈ હસ્તક્ષેપ કરતું નથી, તેથી બજાર પદ્ધતિને “મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ સમાજવાદી પદ્ધતિનો ઉદ્દભવ બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને નિષ્ફળતામાંથી થયો છે. સમાજવાદી પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કેન્દ્રીય સત્તા એટલે કે રાજ્યતંત્ર લે છે. સમાજવાદી પદ્ધતિમાં રાજ્ય નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય-સંચાલિત કારખાનાઓની હોય છે.
→ સમાજવાદી પદ્ધતિનું એક લક્ષણ આ છે: સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી રાજ્યની હોય છે.
→ સમાજવાદી પદ્ધતિનો એક લાભ આ છે : આ પદ્ધતિમાં સમાજની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થતું હોવાથી કુદરતી સંપત્તિનો દુર્થય થતો નથી.
→ સમાજવાદી પદ્ધતિની એક મર્યાદા આ છે : આ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા પ્રોત્સાહન મળતું નથી.
→ મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય તથા આ બંને ક્ષેત્રો એકબીજાનાં હરીફ નહિ, પરંતુ પૂરક બનીને કામ કરતાં હોય. મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય.
→ મિશ્ર અર્થતંત્રમાં સરકાર બજાર પર જુદી જુદી રીતે અંકુશો મૂકે છે. જેમ કે, સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા રાજ્ય એ વસ્તુઓ પર ઊંચા અને આકરા કરવેરા નાખે છે. આ ઉપરાંત, પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે. તેથી એમ કહી શકાય કે મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર (મુક્ત) હોતાં નથી. મિશ્ર અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર રાજ્યની માલિકીનું હોય છે તેમજ ખાનગી ક્ષેત્ર પર રાજ્યનું નિયંત્રણ હોય છે, તેથી મિશ્ર અર્થતંત્રમાં આયોજન શક્ય અને જરૂરી હોય છે. ભારત, ફ્રાન્સ, ગ્રેટબ્રિટન વગેરે દેશોએ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક વિકાસનો નીચો દર, આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ વગેરે મર્યાદાઓ જોવા મળી છે.