This GSEB Class 9 Social Science Notes Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ covers all the important topics and concepts as mentioned in the chapter.
ભારત : આઝાદી તરફ પ્રયાણ Class 9 GSEB Notes
→ હિંદના વહીવટી તંત્રમાં નવા સુધારાની ભલામણ કરવા ઈ. સ. 1927માં ઇંગ્લેન્ડથી સાયમન કમિશન ભારત આવ્યું. સાત સભ્યોના બનેલા આ કમિશનમાં એકેય હિંદી સભ્ય ન હોવાથી
સમગ્ર ભારતે તેનો સખત વિરોધ કર્યો.
→ હિંદી વજીર બર્કનખેડે ફેંકેલા પડકારને ઉપાડી લઈને મોતીલાલ નેહરુ કમિટીએ એક વિશિષ્ટ પ્રકારના ભારતના બંધારણની રૂપરેખા તૈયાર કરી, જે “નેહરુ અહેવાલ’ તરીકે પ્રસિદ્ધ બન્યો.
→ (31 ડિસેમ્બર, 1929ની મધ્યરાત્રિએ) લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલા કોંગ્રેસ અધિવેશને “પૂર્ણ સ્વરાજ્ય’નો ઠરાવ પસાર કર્યો. પ્રતિ વર્ષે દેશમાં 26 જાન્યુઆરીના દિવસને ‘પ્રજાસત્તાકદિન’
તરીકે મનાવવાનું નક્કી કર્યું.
→ પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિનું ધ્યેય હાંસલ કરવા કોંગ્રેસે ગાંધીજીના નેતૃત્વ હેઠળ સવિનય કાનૂનભંગનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનના એક ભાગરૂપે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12મી માર્ચ, 1930ના રોજ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ(ગાંધી આશ્રમ)થી નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયાકિનારા સુધી દાંડીકૂચ કરી.
→ 6 એપ્રિલ, 1930ના દિવસે સૂર્યોદય સમયે દાંડીના મીઠાના અગરમાંથી ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ ગગનભેદી અવાજે લોકમેદનીને કહ્યું, “મૈને નમક કા કાનૂન તોડ દિયા!” એ સમયે ધરાસણા અને વડાલામાં પણ મીઠાના સત્યાગ્રહો થયા.
→ ના-કર, વિદેશી કાપડનો બહિષ્કાર, સરકારી નોકરીઓ અને શાળાઓનો ત્યાગ, સરકારી કાયદાનો ભંગ, ખિતાબોનો ત્યાગ વગેરે કાર્યક્રમો પર આધારિત સવિનય કાનૂન ભંગનું આંદોલન ખૂબ વ્યાપક અને ઉગ્ર બન્યું.
→ ઈ. સ. 1930માં લંડનમાં પ્રથમ ગોળમેજી પરિષદ યોજાઈ. તેમાં – કોંગ્રેસે ભાગ ન લીધો. તેથી તે નિષ્ફળ ગઈ. માર્ચ, 1931માં ગાંધી-ઇરવિન કરાર થયા. ઈ. સ. 1931માં યોજાયેલી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ હાજરી આપી. પરંતુ તેમાં બ્રિટિશ પક્ષે ભારતની અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવ્યો. તેથી પરિષદ નિષ્ફળ ગઈ. ગાંધીજી નિરાશ હૃદયે ભારત પાછા આવ્યા.
→ ક્રિપ્સ મિશનની દરખાસ્તોથી સાબિત થઈ ગયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા ઇચ્છતા નથી. તેમજ હિંદુસ્તાનને સ્વરાજ્ય આપવાનો ઇરાદો ધરાવતી નથી. તેથી ગાંધીજીએ લોકોને નિરાશા ખંખેરી એક નવી અને અંતિમ લડત માટે તૈયાર રહેવા જણાવ્યું.
→ મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વ નીચે 8 ઑગસ્ટ, 1942ની રાત્રે ‘હિંદ છોડો’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ અંગ્રેજ સરકારને ‘હિંદ છોડો’નું એલાન આપ્યું. ગાંધીજીએ કહ્યું, “આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.” ગાંધીજીએ પ્રજાને આ સૂત્ર આપ્યું: ‘કરેંગે યા મરેંગે’ (Do or Die).
→ 10 ઑગસ્ટના રોજ વહેલી સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી સહિત દેશના બધા અગ્રણી નેતાઓની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા. પૂરજોશમાં શરૂ થયેલા આંદોલનને કચડી નાખવા બ્રિટિશ સરકારે તમામ દમનકારી પગલાં ભર્યા. દેશની પ્રજાએ એ પગલાંનો પ્રખર વિરોધ કર્યો. પ્રજાએ હિંસા અને ભાંગફોડનો આશરો લીધો.
→ મહાન ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. તેમણે ઇંગ્લેન્ડ જઈ I.C.S.(ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની પરીક્ષા પાસ કરી હતી.
→ સુભાષચંદ્ર બોઝ ઈ. સ. 1921થી ભારતની આઝાદીની ચળવળમાં જોડાયા હતા. તે યુવાન વયે જ બે વખત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા હતા. ગાંધીજી સાથે ઉગ્ર મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી અને ફૉરવર્ડ બ્લૉક’ નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો.
→ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકીને છુપા વેશે જર્મનીના બર્લિન શહેરમાં પહોંચ્યા. ઈ. સ. 1943માં તેઓ સિફતપૂર્વક જાપાન પહોંચ્યા.
→ 2 જુલાઈ, 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. ત્યાં તેઓ ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ના પ્રમુખ તથા “આઝાદ હિંદ ફોજ’ના વડા બન્યા. અહીં તેમને “નેતાજી’નું હુલામણું નામ આપવામાં આવ્યું.
→ સિંગાપુરમાં સુભાષચંદ્ર ભારતની કામચલાઉ સરકાર’ સ્થાપી. એ સરકારનું પ્રધાનમંડળ રચીને તેઓ તેના વડા પ્રધાન બન્યા.
→ ‘આઝાદ હિંદ ફોજ’નું વડું મથક સિંગાપુરથી રંગુન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિંદ ફોજની ટુકડીઓએ હિંદની સરહદમાં પ્રવેશ કરી મોડોક, પ્રોમ, કોહિમા (હાલમાં ભારતના નાગાલેન્ડની રાજધાની), ઇમ્ફાલ (હાલમાં ભારતના મણિપુરની રાજધાની) વગેરે કબજે કર્યા.
→ એ અરસામાં અમેરિકાએ જાપાનનાં નાગાસાકી અને હિરોશિમા શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા. દેશમાં ભયંકર વિનાશ સર્જાતાં જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે જાપાન તરફથી આઝાદ હિંદ ફોજને મળતી મદદ બંધ થઈ ગઈ. આઝાદ હિંદ ફોજના સૈનિકોને પીછેહઠ કરવી પડી. છેવટે આઝાદ હિંદ ફોજને વિખરાઈ જવાની ફરજ પડી. 18 ઑગસ્ટ, 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું, એમ માનવામાં આવે છે.
→ શાહ બ્રિટનના વડા પ્રધાન એટલીએ 20 ફેબ્રુઆરી, 1947ના રોજ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કૅબિનેટ મિશન અનુસાર રચાનાર હિંદની સરકારને તમામ સત્તાઓ સોંપીને જૂન, 1948 સુધીમાં હિંદમાંથી વિદાય લેશે.
→ પાકિસ્તાન મેળવવા માટે અંગ્રેજ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે મુસ્લિમોને 16 ઑગસ્ટ, 1946નો દિવસ “સીધા પગલાંદિન’ તરીકે મનાવવાનો આદેશ આપ્યો. આથી દેશભરમાં ભયંકર હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યાં. કોંગ્રેસના બધા નેતાઓને લાગ્યું કે, મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જવાહરલાલ નેહરુએ ગાંધીજી સાથે વાટાઘાટો કરી. ગાંધીજીએ નાછૂટકે હિંદના ભાગલાની વ્યવસ્થા ભારે હૈયે સ્વીકારી.
→ જુલાઈ, 1947ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટ ‘હિંદ સ્વાતંત્ર્યધારો – 1947′ પસાર કર્યો. એ ધારા મુજબ 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં.
→ 14 ઑગસ્ટ, 1947ની મધ્યરાત્રિએ નવી દિલ્લીમાં સ્તંભ પરથી ઇંગ્લેન્ડનો ‘યુનિયન ઝેક નીચે ઊતારવામાં આવ્યો અને ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.
→ વાઇસરૉય માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો પ્રથમ હિંદી ગવર્નર જનરલ ચક્રવર્તી સી. રાજગોપાલાચારીને સોંપ્યા. સમગ્ર ભારતના અબાલવૃદ્ધ સૌએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ
સ્વાતંત્ર્યપર્વ ઊજવ્યું.
→ ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતનાં 562 જેટલાં દેશી રાજ્યોમાં ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવ્યું.