Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 19 સાંઢ નાથ્યો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 8 Gujarati Textbook Solutions Chapter 19 સાંઢ નાથ્યો
Class 8 Gujarati Textbook Solutions Chapter 19 સાંઢ નાથ્યો Textbook Questions and Answers
સાંઢ નાથ્યો અભ્યાસ
1. નીચે આપેલ પ્રશ્નો વિશે વિચારો :
પ્રશ્ન 1.
તમારા ગામમાં આવો સાંઢ હોય, તો તેને નાથવા તમે શું કરો?
ઉત્તર:
મારા ગામમાં આવો સાંઢ હોય તો મારી શૂરવીર બહેનપણીઓને હાથમાં તીર – કામઠાં લઈને સાંઢ ન દેખે તેમ ખૂણામાં ઊભી રાખું, જેથી જરૂર પડ્યે તેમની મદદ લઈ શકાય. પછી સાંઢને નાથવા હું છાને પગલે તેની પાસે જાઉં.
ચંદાની જેમ જ તેની આંખોમાં આંખ પરોવી તેના પર ત્રાટક કર્યું. તેના શરીર પર હેતથી હાથ ફેરવું. પછી હળવેકથી તેના ચારેય પગ વારાફરતી ઊંચા કરે અને તેના બંને પગમાં ડહકલાનો ગાળો ભેરવી દઉં.
પ્રશ્ન 2.
ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે, તો તમે શું કરશો?
ઉત્તરઃ
મારા ઘરમાં હું એકલી સૂતી હોઉં અને ધીરેથી એક ચોર ઘરમાં ઘૂસી આવે તો હું ઘસઘસાટ ઊંઘી રહી છું એવો ડોળ કરીશ. પછી ચોર ચોરી કરવામાં મશગૂલ હશે ત્યારે હળવેકથી હું રસોડામાં જઈશ, ખાયણી ઉપાડી ચોર પગલે પાછી આવીશ અને પાછળથી તેના માથા પર જોરથી ખાયણી ફટકારીશ. ત્યાર પછી દોડીને બહાર આવી જઈશ અને ‘ચોર ચોર’ની બૂમ પાડીશ.
સાંઢ નાથ્યો સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ગામમાં શી આફત આવી પડી?
ઉત્તરઃ
એક તોફાની, મદમસ્ત સાંઢ રખડતો – રખડતો ગામમાં આવી ચડ્યો હતો. એને જોઈને સીમાડામાં જતાં ઢોર જીવ લઈને નાસતાં. દિવસે – દિવસે સાંઢનો કેર વધવા માંડ્યો હતો. સાંઢ સીમનો પાક બગાડી નાખતો, પણ કોઈ ચૂં કે ચાં કરી શકતું નહિ. ગામમાં આ આફત આવી પડી હતી.
પ્રશ્ન 2.
ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા?
ઉત્તર :
જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી એમ ગામના લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને ‘વગર પૂંછડાના ઉંદર’ કહ્યા.
પ્રશ્ન 3.
રયજી કેમ નિરાશ થયો?
ઉત્તરઃ
ચંદા સાંઢને નાથવા જવાની છે એ જાણીને રયજીએ ચંદાને ઘણી સમજાવી, પણ ચંદા એકની બે ન થઈ. ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર ફેરવ્યો. આથી રયજી નિરાશ થયો.
પ્રશ્ન 4.
આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો?
ઉત્તરઃ
ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય એમ આખલો પડ્યો – પડ્યો ચંદાને તાકી રહ્યો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આખલો તેની પાછળ પડતો, પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો.
ગુમાની આખલાને એ સ્ત્રી ક્ષુલ્લક લાગી હતી કે પછી એનાં સ્ત્રીશક્તિ અને સૌંદર્યથી એ અંજાઈ ગયો હતો. ગમે તે કારણ હોય, પણ આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો.
પ્રશ્ન 5.
‘વધતો વિજય ઊગતી દયાને ગળી ગયો.’ આપેલ વિધાન પાઠને આધારે સમજાવો.
ઉત્તરઃ
તોફાની, મદમસ્ત આખલો આડફેટે આવતાં લોકો પર કેર વર્તાવતો. એ સીમનો પાક બગાડતો. એને જોઈને સૌ જીવ લઈને નાસતા. આ આખલાને કોઈ નાથી શક્યું નહોતું, પણ ગામના રયજીની બહાદુર દીકરીએ એ આખલાને નાથવાનું બીડું ઝડપ્યું.
ચંદા નવો ચણિયો, ઓઢણી ને કાપડું પહેરી, કમરે છરો ખોસી અને હાથમાં ડહકલો લઈને નીકળી. આખલાની પાસે જઈ તેણે આખલાની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. આખલો એનાથી અંજાઈ ગયો હોય એમ એની સામે તાકી રહ્યો.
પછી હિંમત કરીને ચંદા એની નજીક ગઈ અને તેનાં કપાળ પર અને આંખો ઉપર પોતાનો હાથ ફેરવીને તેની સાથે ગેલ કરવા લાગી. તેના કુમળા હાથનો સ્પર્શ પોતાના શરીરને સતત થતો રહે એ માટે આખલો ડોક જમીન ઉપર નાખી નિરાંતે સૂઈ રહ્યો.
આથી ચંદાનો રહ્યો – સહ્યો ભય પણ જતો રહ્યો. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ચંદાએ તેના માથે અને પગે હાથ ફેરવતાં તેના ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા. એ વખતે ચંદાને આટલા ગરીબડા થઈ ગયેલા આખલાને જોઈને દયા આવી, પણ એને નાથવાની એ વિજયી ક્ષણ પાસે તેના હૃદયમાં જાગેલી દયા ઓગળી ગઈ. ધીમે રહીને એના બંને પગે વારાફરતી ડહકલાનો ગાળો ભેરવવામાં એ સફળ થઈ.
આમ, ચંદાનો વિજય થયો, પણ આખલા પ્રત્યે જાગેલી એની દયાને દબાવી દીધી.
2. નીચેનાં જોડકાં જોડો :
(અ) | (બ) |
(1) ટોળે વળેલા લોકો | (1) પલાણેલો અશ્વ |
(2) ચંદાની ચાલવાની છટા | (2) અર્જુનને દેખાતું લક્ષ્યપક્ષીનું માથું |
(3) આખલા પાસે ચંદાનું બેસવું | (3) પાણી જતાં રહેલી ભીનાશ |
(4) રયજીને દેખાતા ચંદા અને આખલો | (4) પાળેલા પશુ આગળ માલિકનું બેસવું |
(5) ચંદાનાં પગલાં | (5) પાણીનો રેલો |
(6) આખલા પાસેથી ચંદાનું ઊભા થવું | (6) વગર પૂંછડાના ઉંદરો |
(7) હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર | (7) ઋષિના તપનો ભંગ કરાવી જતી અપ્સરા |
ઉત્તરઃ
(અ) | (બ) |
(1) ટોળે વળેલા લોકો | (6) આખલા પાસેથી ચંદાનું ઊભા થવું, |
(2) ચંદાની ચાલવાની છટા | (5) ચંદાનાં પગલાં |
(3) આખલા પાસે ચંદાનું બેસવું | (4) રયજીને દેખાતા ચંદા અને આખલો |
(4) રયજીને દેખાતા ચંદા અને આખલો | (2) ચંદાની ચાલવાની છટા |
(5) ચંદાનાં પગલાં | (3) આખલા પાસે ચંદાનું બેસવું |
(6) આખલા પાસેથી ચંદાનું ઊભા થવું | (7) હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર, |
(7) હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર | (1) ટોળે વળેલા લોકો |
3. નીચેના ત્રણેય રૂઢિપ્રયોગોનો ઉપયોગ થતો હોય તેવું એક વાક્ય બનાવો :
1. હાંજા ગગડી જવા
2. જીવ પડીકે બંધાવો
3. ચૂં કે ચાં ન થવું
ઉત્તરઃ
અચાનક વાઘને આવતો જોઈ સૌનાં હાંજા ગગડી ગયા અને સૌના જીવ પડીકે બંધાયા, કોઈથી ચૂં કે ચાં થયું નહિ.
4. ભાષાસજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા અને બે અક્ષરવાળા શબ્દોની યાદી બનાવો.
ઉત્તર :
ભાષાસજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા શબ્દોની યાદીઃ
- શ્રી, પી, બી, બૂ, રૂ, શી વગેરે.
ભાષાસજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી બે અક્ષરવાળા શબ્દોની યાદી:
- કીર, ખીર, ખુંટ, ગૂટી, ગૂઢ, ચીડ, ચૂડી, છીંક, છૂટ, તીડ, દૂર, ધૂમ, નીડ, પીડ, પુત્ર, વીણા વગેરે.
5. નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે કહો :
પ્રશ્ન 1.
‘ત્યારે તો બકરી બની જાય.’
ઉત્તરઃ
આ વાક્ય ગામનો એક માણસ બોલે છે અને ગામના લોકોને કહે છે.
પ્રશ્ન 2.
‘પણ ડહકલો નાખવા કોણ જશે?”
ઉત્તરઃ
આ વાક્ય ચંદા બોલે છે અને ગામના લોકોને પૂછે છે.
પ્રશ્ન 3.
“બેટા ! પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું.’
ઉત્તરઃ
આ વાક્ય રયજી બોલે છે અને દીકરી ચંદાને કહે છે.
પ્રશ્ન 4.
‘તમે પુરુષ દેખતા હો તો – હું તો કોઈને પુરુષ દેખતી નથી.
ઉત્તરઃ
આ વાક્ય ચંદા બોલે છે અને તેના પિતા રયજીને કહે છે.
સાંઢ નાથ્યો પ્રવૃત્તિ
(1) આ પાઠમાંથી એવા શબ્દો શોધો કે જેના સમાનાર્થી શબ્દો તમે જાણતા હો. નોટબુકમાં તેની નોંધ કરો.
– કોને કેટલા શબ્દો મળ્યા?
– કયા – કયા?
– કોને સૌથી વધુ શબ્દો મળ્યા? શા માટે? – ચર્ચા કરો.
(2) ઉપરની પ્રવૃત્તિ વિરુદ્ધાર્થી શબ્દો માટે પણ કરો.
આ પ્રવૃત્તિ દ્વારા શું શીખ્યાં તેની ચર્ચા કરો.
(3) ઇન્ટરનેટ કે પુસ્તકાલયનો ઉપયોગ કરી મહિલાઓએ કરેલ સાહસની ઘટનાઓ એકત્ર કરી તેને શાળા – પ્રાર્થનાસભામાં રજૂ કરો.
(4) જુદાં – જુદાં ક્ષેત્રોમાં નામના મેળવનાર મહિલાઓની યાદી તૈયાર કરો.
ઉત્તર :
પી. ટી. ઉષા
પાયોલી જેવા નાનકડા ગામમાં જન્મેલી પી. ટી. ઉષાએ એથલેટ્સમાં અસાધારણ સિદ્ધિ મેળવી છે. એ શાળામાં હતી ત્યારે એણે નૅશનલ સ્કૂલ ગેમ્સમાં ભાગ લીધો હતો. ઈ. સ.
1982માં ન્યૂ દિલ્લી એશિયાડમાં 100 મીટર અને 200 મીટર દોડમાં એણે રજત મેડલ જીત્યો હતો; એશિયન ટ્રેક અને ફિલ્ડ ચૅમ્પિયનશીપ, કુવેતમાં 400 મીટરનો એક નવો એશિયન રેકૉર્ડ કરીને એણે સુવર્ણ પદક મેળવ્યો હતો.
1983 થી 1989 દરમિયાન ઉષાએ 13 સુવર્ણ પદક જીત્યા હતા. 1986માં સેલમાં યોજાયેલી દસમી એશિયન ગેમ્સમાં ઉષાએ 4 સુવર્ણ પદક અને 1 રજત પદક મેળવ્યા હતા.
કલ્પના ચાવલા
કર્નલ, હરિયાણામાં જન્મેલી કલ્પના ચાવલા અમેરિકાની નાસા સંસ્થામાં એક ભારતીય – અમેરિકન અંતરિક્ષયાત્રી હતી. ઈ. સ. 1997ના 19 નવેમ્બરે કલ્પના ચાવલાએ સ્પેસ શટલ કોલંબિયા ફ્લાઈટમાં છ અવકાશયાત્રીઓ સાથે અવકાશમાં પોતાની પ્રથમ ઉડાન ભરી હતી.
ચાવલા અવકાશમાં જનારી પ્રથમ ભારતીય મહિલા હતી. પ્રથમ મિશનમાં ધરતીની 252 ભ્રમણકક્ષામાં તેણે આશરે 10.4 લાખ માઇલોનો પ્રવાસ કર્યો હતો. STS – 87 પોસ્ટ ફ્લાઇટ પૂરી કર્યા પછી ચાવલાને ભ્રમણકક્ષાની ઑફિસમાં ટેનિકલ પદ સોંપવામાં આવ્યું. 2000માં STS – 107ની સેકન્ડ ફ્લાઇટના એક ભાગરૂપે તેને પસંદ કરવામાં આવી, પણ જાન્યુઆરી 16, 2003, ચાવલા કૉલંબિયા થઈને આખરે પાછી આવી.
ચાવલાને એના કામની કદર તરીકે આ મેડલ મળ્યા હતા કોંગ્રેસનલ સ્પેસ મૅડલ ઑફ ઑનર, નાસા સ્પેસ ફ્લાઇટ મેડલ અને નાસા ડિસ્ટિગ્યશ સર્વિસ મેડલ.
કિરણ બેદી
અમૃતસર, પંજાબમાં જન્મેલાં કિરણ બેદી ભારતનાં પ્રથમ મહિલા IPS (Indian Police Service) હતાં. કિરણ બેદી દિલ્લી ટ્રાફિક પોસ્ટિંગ પર હતાં ત્યારે તેમણે નાર્કોટિક્સ કંટ્રોલ વિસ્તારમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે કેટલાય સખત નિયમો બનાવ્યા હતા.
તેમણે મિઝોરમમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ, ચંદીગઢમાં લેફ્ટન્ટ ગર્વનરના સલાહકાર તરીકે, યુનાઈટેડ નૅશનના પ્રતિનિધિ જેવા અનેક પદે સેવા આપી હતી. 1993 – 1995 દરમિયાન તેઓ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝનર્સના પદે હતાં ત્યારે તેમણે જેલની સુધારણામાં અનેક મહત્ત્વનાં કાર્યો કર્યા હતા.
ડિટોક્સિફિકેશન પ્રોગ્રામ, આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન પ્રિઝન કૉર્સ, વિપશ્યના ધ્યાનશિબિર, કેદીઓની ફરિયાદો દૂર કરવા માટે લીધેલાં પગલાં તેમજ પ્રશિક્ષિત કાર્યક્રમો જેવાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો તેમના નામે નોંધાયેલાં છે.
તેમનાં આ સર્જનાત્મક અને માનવીય કાર્યોની કદરરૂપે તેમને 1994માં મન મેગ્સાસાય અવૉર્ડ આપવામાં આવ્યો હતો. તિહાર જેલના અનુભવો અને તેમણે કરેલાં કાર્યો પર પુસ્તક લખવા માટે તેમને “જવાહરલાલ નેહરુ સ્કૉલરશીપ’ પણ મળી હતી.
Std 8 Gujarati Textbook Solutions Chapter 19 સાંઢ નાથ્યો Additional Important Questions and Answers
સાંઢ નાથ્યો પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ચંદાએ ગામના લોકોને ઉંદર – બિલાડીની કઈ વાર્તા કહી? એ વાર્તા કહેવાનું કારણ શું હતું?
ઉત્તરઃ
ચંદા નિશાળમાં ભણતી હતી ત્યારે તેના માસ્તરે કહેલી ઉંદર – બિલાડીની વાર્તા તેણે ગામના લોકોને કહી ગામના લોકો જેવા ઉંદરો એક વખત બિલાડીના દુઃખનો ઉપાય કરવા ભેગા થયા હતા. એક ડાહ્યા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના ગળે ઘંટ બાંધ્યો હોય તો તેના આવવાની ખબર પડતાં જ બધા ઉંદરો દરમાં સંતાઈ જાય.
એ વાત બધા ઉંદરોએ વધાવી લીધી. તેઓ એકસાથે બોલી ઊઠ્યા: “હા હા, એ સારો ઉપાય છે! પણ બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જાય? તેમ અહીં આ સાંઢને ડહકલો નાખવાય કોણ જાય? “એ પૂંછડાવાળા ઉંદર અને તમે વગર પૂંછડાના !’ આમ કટાક્ષ કરી ચંદાએ સૌની હાંસી ઉડાડી.
પ્રશ્ન 2.
ચંદાનું પાત્રાલેખન કરો.
ઉત્તરઃ
ચંદા એ રયજીનાં સંતાનોમાં સૌથી છેલ્લું સંતાન હતી. તેનામાં તેના પિતાની જુવાનીનો જુસ્સો અને જોમ ઊતર્યા હતા. ભમ્મર ચઢાવેલો એનો ગુમાની ચહેરો, અભિમાનથી ફૂલેલું નાક, રૂઆબમાં પીસેલા હોઠ, ઊંચી ટટ્ટાર ડોક, ખડકની જેમ અણનમ રહેતા તેના ખભા, ફલાંગ ભરીને ચાલે ત્યારે છટાક – છટાક થતો તેનો ચણિયો અને એમાંય રાતા રંગની ઓઢણીમાં શોભતો તેનો દેહ – આવું વર્ણન લેખકે ચંદાનું કર્યું છે.
ચંદા ગુમાની, આત્મવિશ્વાસ ધરાવતી, નિર્ભય તેમજ ગામના ભલભલા પુરુષોને પોતાના પરાક્રમથી શરમાવી દે એવી છે. એણે આખલાની આંખમાં આંખ પરોવી કરેલું ત્રાટક, આખલાને આંજી દેતું એનું સૌંદર્ય, તેનો કોમળ સ્પર્શ અને તેના બુદ્ધિચાતુર્યથી પરાસ્ત થયેલા સાંઢને નાથવામાં એને સફળતા મળે છે. આ પાત્ર દ્વારા લેખકે એક સબળા સ્ત્રીના અદ્ભુત પરાક્રમ પાસે પુરુષો ઝાંખા પડે એવી નારીશક્તિનો પરિચય કરાવ્યો છે.
ઝવેરચંદ મેઘાણીની વાર્તા “દીકરો’નું હીરબાઈ પાત્ર અને “જનમટીપ’ નવલકથાનું “ચંદાનું પાત્ર નારીશક્તિનાં ઉત્તમ ઉદાહરણરૂપ છે.
પ્રશ્ન 2.
ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી જતાં લોકોના ટોળામાં શો ગણગણાટ થવા માંડ્યો? અથવા રયજીનો જીવ પડીકે શા માટે બંધાયો?
ઉત્તરઃ
ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી જતાં લોકોના ટોળામાં ગણગણાટ થવા માંડ્યો. કોઈને થયું, “આખરે બી ગઈ!’ કોઈ હળવેથી બોલ્યું, એ તો મોંએ બોલે એટલું જ. બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ!’
ત્રીજું બોલ્યું, “આખલાની વિકરાળ આંખો જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજું?” આ ગણગણાટ સાંભળીને રયજીનો જીવ પડીકે બંધાયો.
પ્રશ્ન 3.
આખલો ઊંચી ડોક જમીન ઉપર નાખી નિરાંતે શા માટે સૂતો હતો?
ઉત્તરઃ
ચંદા આખલાની પાસે બેસી હિંમતથી તેના કપાળ પર અને આંખો ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી. તેના કુમળા હાથનો સ્પર્શ આખલાને ગમતો હતો. ચંદાના હાથનો સ્પર્શ તેના શરીરને સતત થતો રહે, એ માટે આખલો ઊંચી ડોક જમીન ઉપર નાખી નિરાંતે સૂતો હતો.
પ્રશ્ન 4.
ચંદાએ આખલાના બંને પગે ડહકલાનો ગાળો ક્યારે ભેરવી દીધો?
ઉત્તર :
આખલો નિરાંતે બેસી રહ્યો એટલે ચંદાનો રહ્યો – સહ્યો ભય પણ જતો રહ્યો. તેણે તેના માથે અને પગે હાથ ફેરવતાં ફેરવતાં ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા. ચંદાને ખાતરી થઈ ગઈ કે આખલો અત્યારે સાવ ગરીબડો થઈ ગયો છે. આ પરિસ્થિતિનો લાભ લઈ ચંદાએ ધીમે રહીને બંને પગે વારાફરતી ડહકલાનો ગાળો ભેરવી દીધો.
3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
એક ડાહ્યા ઉંદરે બિલાડીના દુઃખનો કયો ઉપાય બતાવ્યો?
ઉત્તરઃ
એક ડાહ્યા ઉંદરે બિલાડીના દુઃખનો ઉપાય બતાવતાં કહ્યું કે બિલાડીના ગળે ઘંટ બાંધ્યો હોય તો તે આવે એની આપણને ખબર પડે. એટલે બિલાડી આવે તે પહેલાં બધા ઉંદર દરમાં સંતાઈ જાય.
પ્રશ્ન 2.
સાંઢને નાથવા અંગે લોકોના મનમાં શો ભય હતો?
ઉત્તરઃ
સાંઢને નાથવા અંગે લોકોના મનમાં ભય હતો કે સાંઢને નાથવા જનારને તોફાની સાંઢ મારી નાખશે. જાનવરની જાતનો શો ભરોસો?
પ્રશ્ન 3.
પોતાના પગ બંધાઈ ગયા છે એ જાણીને આખલાએ છૂટવા શું કર્યું?
ઉત્તરઃ
પોતાના પગ બંધાઈ ગયા છે એ જાણીને પાંજરામાં સિંહ તાડૂકે તેમ આખલો બરાડ્યો અને ઉધામા મારી એ બેઠો થયો. એણે દોડવાનો પ્રયત્ન કર્યો, પણ એના પગ સામસામી ખેંચાયા એટલે એણે બીજો બરાડો પાડ્યો.
4. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ગામના એક માણસે સાંઢથી બચવા શું સૂચવ્યું?
ઉત્તરઃ
ગામના એક માણસે સાંઢથી બચવા સાંઢના પગે ડહકલો નાખવા સૂચવ્યું.
પ્રશ્ન 2.
ચંદાએ ગામના લોકોને કઈ વાર્તા કહી?
ઉત્તરઃ
ચંદાએ તેના નિશાળમાં માસ્તરે કહેલી ઉંદર – બિલાડીની વાર્તા ગામના લોકોને કહી.
પ્રશ્ન 3.
બધા ઉંદરોના મનમાં શી દ્વિધા હતી?
ઉત્તર:
બધા ઉંદરોના મનમાં બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જાય એ દ્વિધા હતી.
પ્રશ્ન 4.
ઉંદર – બિલાડીની વાર્તા કહીને ચંદાએ ગામના લોકો પર શો કટાક્ષ કર્યો?
ઉત્તરઃ
ઉંદર – બિલાડીની વાર્તા કહીને ચંદાએ ગામના લોકો પર કટાક્ષ કર્યો કે એ પૂંછડીવાળા ઉંદર ને તમે વગર પૂંછડીના!
પ્રશ્ન 5.
ચંદા કઈ શરતે સાંઢને નાથવા તૈયાર થઈ?
ઉત્તરઃ
ગામના લોકો મૂછો મૂંડાવે એ શરતે ચંદા સાંઢને નાથવાનું કામ કરવા તૈયાર થઈ.
પ્રશ્ન 6.
ચંદાએ તેના પિતા રયજી આગળ પોતાનો વિચાર શા માટે ન ફેરવ્યો?
ઉત્તરઃ
ચંદાએ તેના પિતા રયજી આગળ પોતાનો વિચાર ન ફેરવ્યો; કારણ કે એ જીવથી જશે તોય પિતાનો વંશ જવાનો નહોતો.
પ્રશ્ન 7.
સૂર્યનારાયણે આંખ ખોલતાં પૂર્વ દિશામાં શું છંટાયું?
ઉત્તરઃ
સૂર્યનારાયણે આંખ ખોલતાં પૂર્વ દિશામાં તેજપૂંજ છંટાયું.
પ્રશ્ન 8.
ચંદાના રક્ષણ માટે રયજીએ શું કર્યું?
ઉત્તરઃ
રયજી પોતાની દીકરી ચંદાના રક્ષણ માટે ભાલોડા લઈને નીકળ્યા.
પ્રશ્ન 9.
ચંદાનો જીવ ન જાય એ માટે ગામના લોકોએ શું કર્યું?
ઉત્તરઃ
ચંદાનો જીવ ન જાય એ માટે ગામના કેટલાક લોકોએ હાથમાં કામઠાં ઉપર તીર તૈયાર રાખ્યાં હતાં.
પ્રશ્ન 10.
રયજીની નજર ચંદા અને આખલા ઉપર કઈ રીતે મંડાઈ હતી?
ઉત્તર :
જેમ અર્જુન લક્ષ્યપક્ષીનું માથું જ દેખતો હતો તેમ રયજીની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી.
પ્રશ્ન 11.
ચંદા સાંઢ આગળ કેવી રીતે બેઠી?
ઉત્તર :
જેમ પાળેલા પશુ આગળ માલિક બેસે એમ ચંદા સાંઢ આગળ બેઠી.
પ્રશ્ન 12.
ચંદા સાંઢની નજીક બેસીને શું કરવા લાગી?
ઉત્તરઃ
ચંદા સાંઢની નજીક બેસીને તેના કપાળ અને આંખ ઉપર હાથ ફેરવી, તેની સાથે ગેલ કરવા લાગી.
પ્રશ્ન 13.
આખલાને ઉધામા કરતો જોઈ ચંદાએ શું કર્યું?
ઉત્તર :
આખલાને ઉધામા કરતો જોઈ ચંદાએ તેના તરફ દષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું.
પ્રશ્ન 14.
આખલો શા માટે નીચું જોઈ રહ્યો?
ઉત્તરઃ
પોતે છેતરાયો છે એ જાણીને આખલો શરમથી નીચું જોઈ રહ્યો.
પ્રશ્ન 15.
લોકોને નજીક આવતાં જોઈ ચંદાએ સત્તાવાહી સ્વરે શો હુકમ કર્યો?
ઉત્તરઃ
લોકોને નજીક આવતાં જોઈ ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો કે કોઈએ એને મારવાનો નથી.
પ્રશ્ન 16.
રયજીએ દીકરી ચંદાને ભેટીને શું કહ્યું?
ઉત્તરઃ
રયજીએ દીકરી ચંદાને ભેટીને કહ્યું, “બેટા! પુરુષથી ન થાય તે કામ આજે તેં કર્યું છે.”
પ્રશ્ન 17.
સાંઢને નાચ્યા પછી ચંદાએ તેના પિતાને શું કહ્યું?
ઉત્તરઃ
સાંઢને નાચ્યા પછી ચંદાએ ગામના લોકો પર કટાક્ષ કરતાં તેના પિતાને કહ્યું, “હું તો અહીં કોઈને પુરુષ દેખતી નથી.”
પ્રશ્ન 18.
ચંદાનો કટાક્ષ સાંભળી ગામના લોકોની શી હાલત થઈ?
ઉત્તરઃ
ચંદાનો કટાક્ષ સાંભળી ગામના લોકોને ભોંયમાં પેસી જવાનું મન થયું.
પ્રશ્ન 19.
ચંદાના પરાક્રમની વાતની તેની નાતમાં શી અસર થઈ?
ઉત્તરઃ
ચંદાના પરાક્રમની વાત તેની નાતમાં રામાયણ – મહાભારતની કથા બની ગઈ.
5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ
પ્રશ્ન 1.
રયજીનાં સંતાનોમાં છેલ્લી દીકરીનું નામ શું છે?
A. રૂપા
B. સોનલ
C. ચંદા
D. સવિતા
ઉત્તરઃ
C. ચંદા
પ્રશ્ન 2.
ગામમાં કયું તોફાની પ્રાણી આવ્યું હતું?
A. સાંઢ
B. ગધેડો
C. હાથી
D. સિંહ
ઉત્તરઃ
A. સાંઢ
પ્રશ્ન 3.
તોફાની સાંઢના પગે ડહકલો નાખવાથી તે શું બની જાય?
A. શાંત
B. બકરી
C. દયામણો
D. નાદાર
ઉત્તરઃ
B. બકરી
પ્રશ્ન 4.
ચંદાએ પોતાનું પરાક્રમ જોવા જુવાનિયાઓને ક્યારે આવવાનું કહ્યું?
A. અંધારી રાતે
B. ભર બપોરે
C. આથમતી સાંજે
D. ઊગતા સૂરજે
ઉત્તરઃ
D. ઊગતા સૂરજે
પ્રશ્ન 5.
ચંદાનું પરાક્રમ નિહાળવા કોણ ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો?
A. જુવાનિયાઓ
B. સૂર્ય
C. ગામના લોકો
D. ચંદાના પિતા રયજી
ઉત્તરઃ
B. સૂર્ય
પ્રશ્ન 6.
આખલાને શેનું ગુમાન હતું?
A. એના ભરાવદાર શરીરનું
B. એની શૂરવીરતાનું
C. એના બળનું
D. એની લડાયકવૃત્તિનું
ઉત્તરઃ
C. એના બળનું
પ્રશ્ન 7.
ચંદાને શેનું ગુમાન હતું?
A. આત્મવિશ્વાસનું
B. જુવાનીનું
C. શૂરવીરતાનું
D. વચનનું
ઉત્તરઃ
B. જુવાનીનું
પ્રશ્ન 8.
ચંદાનો જીવ ન જાય એટલા માટે કેટલાક લોકોએ હાથમાં શું રાખ્યું હતું?
A. તલવાર
B. ભાલા
C. શસ્ત્રો
D. તીર – કામઠાં
ઉત્તરઃ
D. તીર – કામઠાં
પ્રશ્ન 9.
ચંદાએ કમરમાં શું ખોલ્યું હતું?
A. છરો
B. સોટી
C. ચાબુક
D. ભાલો
ઉત્તરઃ
A. છરો
પ્રશ્ન 10.
આ પાઠમાં આખલો અને સાંઢ જેવો ત્રીજો કયો શબ્દ વાપર્યો છે?
A. ખૂંટિયો
B. ગોધો
C. વૃષભરાજ
D. ઋષભ
ઉત્તરઃ
C. વૃષભરાજ
પ્રશ્ન 11.
આખલો કોની જેમ બરાડ્યો?
A. હાથીની જેમ
B. સિંહની જેમ
C. વાઘની જેમ
D. કૂતરાની જેમ
ઉત્તરઃ
B. સિંહની જેમ
પ્રશ્ન 12.
સાંઢને નાચ્યા પછી ચંદાએ એની સામે કેવું હાસ્ય કર્યું?
A. કટાક્ષમય
B. ગર્વલું
C. વિકરાળ
D. વિજયી
ઉત્તરઃ
D. વિજયી
પ્રશ્ન 13.
ચંદાની નાતમાં તેની સ્ત્રીશક્તિની વાત કોની કથા જેવી થઈ પડી?
A. રામાયણ – મહાભારતની
B. પંચતંત્રની
C. અમરકથા
D. દલા તરવાડીની
ઉત્તરઃ
A. રામાયણ – મહાભારતની
6. કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરોઃ (સૂર્યનારાયણે, ચંદા, વૃષભરાજ, જાનવર, પૂંછડા)
(1) ……………………………. ની જાત, એનો શો ભરોસો?
(2) એ ……………………………. વાળા ઉંદર, ને તમે વગર ……………………………. ના!
(3) ……………………………. હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ.
(4) ……………………………. ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી.
(5) બળના અભિમાનમાં મસ્ત ……………………………. દષ્ટિ ઊંચી કરી.
ઉત્તરઃ
(1) જાનવર
(2) પૂંછડા, પૂંછડા
(3) ચંદા
(4) સૂર્યનારાયણે
(5) વૃષભરાજે
7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
(1) એક તોફાની, મદમસ્ત હાથી રખડતો – રખડતો ગામમાં આવી પહોંચ્યો.
(2) પણ બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે.
(3) પણ બંધનમાં પડ્યા પછી પણ તેનું વીરત્વ કામ લાગ્યું.
(4) રયજીનો જીવ પડીકે બંધાયો હતો.
(5) છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો.
ઉત્તરઃ
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું
(4) ખરું
(5) ખરું
સાંઢ નાથ્યો વ્યાકરણ Vyakaran
1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
- કોઢી = કુહાડી
- કોટે = ગળે
- છટા = અદા, ખુમારી
- પુંજ = ઢગલો
- ગુમાન = ઘમંડ, ગર્વ
- કામઠું = ધનુષ્ય
- વિકરાળ = બિહામણું, ભયાનક
- ગજુ = હિંમત
- ચેતન = ચેતના, પ્રાણ
- ઉધામા = ધમપછાડા
2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
- તોફાની ✗ શાંત
- આનંદ ✗ શોક
- પરાક્રમ ✗ કાયરતા
- શક્તિ ✗ અશક્તિ
- દશ્ય ✗ અદશ્ય
- કુમળું ✗ કઠોર
- વિજય ✗ પરાજય
- સ્વર્ગ ✗ નરક
3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો:
- બીલાડિ
- પુછડું
- વ્રસભા
- પ્રક્રતી
- સત્તાવહિ
ઉત્તરઃ
- બિલાડી
- પૂંછડું
- વૃષભ
- પ્રકૃતિ
- સત્તાવાહી
4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવોઃ
- સૂર્યનારાયણ – સૂર્ય એ જ નારાયણ – કર્મધારય
- વૃષભરાજ – વૃષભો(આખલાઓ)નો રાજા – તપુરુષ
- રામાયણ – મહાભારત – રામાયણ અને મહાભારત – ધન્દ્ર
5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
યમરાજા, અજિત, સાંઢ, વિકરાળ, ચંદા, મહાભારત, ભોંય
ઉત્તરઃ
અજિત, ચંદા, ભોંય, મહાભારત, યમરાજા, વિકરાળ, સાંઢ
6. નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો:
- ઘણાઘણાને
- પડ્યો – પડ્યો
- ગણગણાટ
- વારાફરતી
- પંપાળવું
- ધીમેધીમે
- સામસામા
- જોતજોતામાં
- ખંખેરવું
- ગગડવું
ઉત્તર :
દ્વિરુક્ત શબ્દોઃ
- ઘણાઘણાને
- પડ્યો – પડ્યો
- વારાફરતી
- પંપાળવું
- ધીમેધીમે
- સામસામા
- જોતજોતામાં
- ખંખેરવું
રવાનુકારી શબ્દોઃ
- ગણગણાટ
- ગગડવું
7. નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરોઃ
(1) હામ ભીડવી – હિંમત કરવી
વાક્ય : મૃગેશ બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે આવવાની હામ ભીડી.
(2) જીવ લઈને નાસવું – જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું
વાક્ય સ્ટેશન પાસે બૉમ્બ ફાટતાં લોકો જીવ લઈને નાસી ગયા.
(3) કેર વધવો – જુલમ કે ત્રાસ વધવો
વાક્યઃ હાલમાં ભ્રષ્ટાચારીઓનો કેર વધી ગયો છે.
(4) ચૂં કે ચાં ન થવું – કંઈ પણ ન બોલવું, સાવ ચૂપ થઈ જવું
વાક્ય : પોલીસને જોતાં જ ચોર ચૂં કે ચાં ન થયો.
(5) ટેકો આપવો – સમર્થન આપવું
વાક્ય વર્ગમાં પ્રતીકને મૉનિટર બનાવવાની વાતને બધા વિદ્યાર્થીઓએ ટેકો આપ્યો.
(6) રસ્તો કાઢવો – ઉપાય શોધવો
વાક્ય પર્યટનમાં જવા માટે માને મનાવવા નિલેષ રસ્તો કાઢ્યો.
(7) એકના બે ન થવું – પોતાની વાતમાં મક્કમ રહેવું
વાક્યઃ માએ સ્મિતાને ફિલ્મ જોવા જવાની ના પાડી, પણ એ એકની બે ન થઈ.
(8) જીવથી જવું – મૃત્યુ પામવું
વાક્યઃ આજકાલ કેટલાંય બાળકો અચાનક ખુલ્લા બોરવેલમાં પડી જતાં જીવથી જાય છે.
(9) ઊંઘ ખંખેરવી – આળસ મરડવી, જાગી જવું
વાક્યઃ વહેલી સવારનું વિમાન પકડવાનું હોવાથી મયૂર ઊંઘ ખંખેરીને જલદીથી ઊઠ્યો.
(10) આંખમાં આંખ પરોવવી – કોઈની સામે એકીટશે જોવું
વાક્ય માં પોતાના નવજાત શિશુને આંખમાં આંખ પરોવીને જોયા કરે છે.
(11) અંજાઈ જવું – વશ થઈ જવું, પ્રભાવિત થઈ જવું
વાક્ય શિક્ષક પ્રવીણની અદ્ભુત વાકછટાથી અંજાઈ ગયા.
(12) હાંજા ગગડી જવાં – બીકથી થથરી જવું
વાક્ય વસ્તીમાં અચાનક દીપડો ઘુસી જતાં સૌનાં હાંજા ગગડી ગયાં.
(13) જીવ પડીકે બંધાવો – ભારે ચિંતા થવી, ભયભીત થવું
વાક્ય : નાનો નીલય અગાશી પરથી પડી જતાં માનો જીવ પડીકે બંધાયો.
(14) દયાને ગળી જવી – નિર્દય થઈ જવું
વાક્ય : ખૂની પાસે એનો ગુનો કબૂલ કરાવવા માટે પોલીસ દયાને ગળી જાય છે.
(15) હુકમ માથે ચઢાવવો – આજ્ઞા સ્વીકારવી
વાક્યઃ પિતાનો હુકમ માથે ચઢાવી હિતેશ લગ્ન કરવા તૈયાર થયો.
(16) ભોંયમાં પેસી જવાનું મન થવું – ખૂબ શરમાવું, લાજવું
વાક્ય: રણજિતે ખૂન કર્યું છે એ જાણીને એના માબાપને ભોંયમાં પેસી જવાનું મન થયું.
8. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ
- તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું – ડહકલો
- સાપ, ઉંદર જેવાં પ્રાણીઓએ જમીન ખોતરીને બનાવેલું રહેઠાણ – દર
- વિવાદના મુદ્દાની રજૂઆત – દલીલ
- તીર કે તેનું પાનું, એક હથિયાર – ભાલોડું
- ગાડાના બળદોના દોરડાના જેટલું અંતર, (લગભગ સોળ હાથનું અંતર) – રાશવા
- એક જ સ્થાને તાકીને મનને એકાગ્ર કરવાની હઠયોગની એક ક્રિયા – ત્રાટક
- યમલોકનો અધિષ્ઠાતા દેવ – યમરાજ
9. નીચે આપેલાં વાક્યોમાંથી સાદાં, સંયુક્ત અને સંકુલ વાક્યો અલગ તારવોઃ
- તેને માસ્તરે કહેલી વાત સાંભરી આવી.
- રયજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય એ ચંદા શાની?
- સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા.
- એક વખતે જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે.
- એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો?
- આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહિ.
ઉત્તરઃ
- સાદું વાક્ય
- સંયુક્ત – સંકુલ વાક્ય
- સંયુક્ત વાક્ય
- સંકુલ – સંયુક્ત વાક્ય
- સંયુક્ત વાક્ય
- સાદું વાક્ય
સાંઢ નાથ્યો Summary in Gujarati
સાંઢ નાથ્યો પાઠપરિચય
ઈશ્વર પેટલીકર [જન્મઃ ઈ. સ. 1916, મૃત્યુઃ ઈ. સ. 1983].
સાંઢ નાથ્યો’ નવલકથા – ખંડમાં રયજીની યુવાન દીકરી ચંદાની નિર્ભયતા અને સ્ત્રીશક્તિનાં દર્શન થાય છે. માતેલા સાંઢને નાથવાની કોઈ પુરુષમાં હિંમત નહોતી ત્યારે આ યુવાનચંદાએ બીડું ઝડપ્યું.
એણે જુવાનિયાને પડકાર ફેંક્યો અને હાથમાં ડહકલો લઈને સાંઢને નાથવા હિંમતભેર નીકળી પડી. એણે કમરે છરો ખોસ્યો હતો. હાથમાં ડહકલો ઝુલાવતી ચંદા સાંઢની નજીક પહોંચી ગઈ. નીચી નમીને એણે સાંઢને હાથથી પંપાળ્યો. એના ચારેય પગ તરફ વારાફરતી જોયું.
પછી હળવેકથી એના બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો અને ધીમેધીમે પાછા પગે એ ત્યાંથી ખસી ગઈ. પોતે છેતરાયો છે એની સાંઢને જાણ થઈ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. એમાંથી છૂટવાના તેના ઉધામા ઠંડા પડી ગયા.
આમ, ચંદાએ પોતાના બુદ્ધિચાતુર્યથી સાંઢને નાચ્યો અને પુરુષથી ન થાય તે કામ તેણે કરી બતાવ્યું. ચંદાની શૂરવીરતા ઝવેરચંદ મેઘાણીની દીકરો’ લોકવાર્તાની શૂરવીર હીરબાઈની યાદ અપાવે છે.
ભાષાસજજતા
સકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ
જે ક્રિયાનો કરનાર હોય તેને કર્તા કહે છે અને એ ક્રિયા જેને અનુલક્ષીને થઈ હોય તેને કર્મ કહે છે. દા. ત.,
- હું પાણી ઉકાળું છું.
- માળણ ફૂલ વીણે છે.
- તમે પુસ્તક વાંચો છો.
આ ત્રણે વાક્યોમાં ઉકાળવું. વણવું અને વાંચવું – આ ત્રણ ક્રિયા દર્શાવી છે. એ દરેક ક્રિયાનો કરનાર કર્તા અનુક્રમે હું, માલણ અને તમે છે. ક્રિયાની અસર પામનાર પાણી, ફૂલ અને પુસ્તક કર્મ છે. આમ આ ત્રણેય ક્રિયાપદ સકર્મક છે.
પરંતુ જે વાક્યમાં કર્મ ન હોય છતાં ક્રિયા થતી હોય તો એ ક્રિયા અકર્મક કહેવાય છે. દા. ત.,
- પ્રિયા જીતી.
- વિરોધ પક્ષ હાર્યો.
- કામ્યા સૂતી.
આ ત્રણે વાક્યોમાં જીતી, હાર્યો અને સૂતી – આ ત્રણ ક્રિયાઓ છે. અહીં ક્રિયાનો કરનાર કર્યા છે, પણ કર્મ નથી, છતાં વાક્યનો અર્થ સમજાય છે. એટલે આ ક્રિયાપદ અકર્મક છે.
સાંઢ નાથ્ય શબ્દાર્થ
- ફલંગ – ફાળ, કૂદકો.
- મદમસ્ત – મદથી છકેલો, મદોન્મત્ત.
- સાંઢ – આખલો, પોઠિયો.
- સીમાડો – સીમ.
- આડફેટે – ગલી કૂંચીવાળો માર્ગ,
- ભેલાડવું – બગાડવું (ખેતરમાં ભેલાણ કરવું).
- ડહકલો – તોફાની ઢોરને ગળે બાંધવાનું બે પગો વચ્ચે ઢસડાતું લાકડું.
- કોઢી – કુહાડી.
- સાંભરવું – યાદ આવવું.
- કોટે – ગળે.
- દર – સાપ, ઉંદર જેવાં પ્રાણીઓએ જમીન ખોતરીને બનાવેલું રહેઠાણ.
- ઘાટ – (અહીં) ઉપાય.
- ઊગતા સૂરજે – વહેલી સવારે, પ્રાતઃકાળે.
- છટાથી – અદાથી, ખુમારીથી.
- દલીલ – વિવાદનો મુદ્દો.
- પુંજ – ઢગલો.
- છંટાવું – (અહીં) પથરાવું.
- કાપડું – કાંચળી, બ્લાઉઝ.
- કુતૂહલવૃત્તિ – નવું નવું જાણવાની ઇચ્છા.
- ભાલોડા – નાનું ભાલું, એક હથિયાર.
- અજિત – ન જિતાય એવો, અજેય.
- આખલો – સાંઢ.
- હરાયો – નધણિયાતો.
- ગુમાન – અભિમાન, ઘમંડ.
- કામઠું – ધનુષ્ય.
- પલાણેલું – ઘોડા ઉપર સવાર થયેલો.
- વૃષભરાજ – મોટો આખલો.
- અંજાવું – મોહિત કરવું.
- ભણી – તરફ.
- ક્ષુલ્લક – તુચ્છ.
- પ્રકૃતિ – સ્વભાવ.
- પરિવર્તન – ફેરફાર.
- રાશવા છેટું – સોળ હાથ જેટલા અંતરે.
- થમે તેમ – ઊભી રહે તેમ.
- વિકરાળ – ભયાનક, બિહામણી.
- ગજુ – તાકાત, હિંમત.
- ચેતન – ચેતના. વાંછવું ઇચ્છવું.
- ઘડીભર – થોડી વાર.
- વીરત્વ – શૂરવીરપણું.
- તાડૂકવું – ઘાંટો પાડવો, ગર્જના કરવી.
- ઉધામા – ધમપછાડા.
- સત્તાવાહી – અધિકાર દર્શાવતી.
- સમુદાય – સમૂહ.
- રૂઢિપ્રયોગ હામ ભીડવી – હિંમત કરવી.
- જીવ લઈને નાસવું – જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું.
- કેર વધવો – જુલમ કે ત્રાસ વધવો.
- ચૂં કે ચાં ન થવું – કંઈ પણ ન બોલવું, સાવ ચૂપ થઈ જવું.
- ટેકો આપવો – સમર્થન આપવું.
- રસ્તો કાઢવો – ઉપાય શોધવો.
- એકના બે ન થવું – પોતાની વાતમાં મક્કમ રહેવું.
- જીવથી જવું – મૃત્યુ પામવું.
- ઊંઘ ખંખેરવી – જાગી જવું.
- આંખમાં આંખ પરોવવી – કોઈની આંખમાં એકીટશે જોવું.
- અંજાઈ જવું – વશ થઈ જવું, પ્રભાવિત થઈ જવું.
- હાંજા ગગડી જવાં – બીકથી થથરી જવું.
- જીવ પડીકે બંધાવો – ભારે ચિંતા થવી, ચટપટી થવી.
- હૈયું થંભી જવું – ખૂબ જ નવાઈ પામી જડ જેવું થઈ જવું.
- ગજું ન હોવું – શક્તિ બહારની વાત હોવી.
- ગેલ કરવું – (અહીં) લાડ કે વહાલ કરવું.
- દયાને ગળી જવી – નિર્દય થઈ જવું.
- ભયમાં પેસી જવાનું મન થવું – ખૂબ શરમાવું, લાજવું.