Gujarat Board GSEB Textbook Solutions Class 9 Social Science Chapter 11 ભારતનું ન્યાયતંત્ર Textbook Exercise and Answers.
ભારતનું ન્યાયતંત્ર Class 9 GSEB Solutions Social Science Chapter 11
GSEB Class 9 Social Science ભારતનું ન્યાયતંત્ર Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
પ્રશ્ન 1.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂકની લાયકાતો જણાવો.
અથવા
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે કઈ લાયકાતો જરૂરી છે?
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો તરીકેની નિમણૂક માટે જરૂરી લાયકાતોઃ
- તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
- તેની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- તેણે કોઈ પણ રાજ્યની વડી અદાલત(હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછાં 5 વર્ષ સળંગ સેવા બજાવી હોવી જોઈએ. અથવા
- તેણે કોઈ પણ રાજ્યની વડી અદાલત(હાઈકોટ)માં ઓછામાં ઓછાં 10 વર્ષ સુધી સળંગ વકીલાત કરી હોવી જોઈએ. અથવા
(5) રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવો જોઈએ.
પ્રશ્ન 2.
સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો.
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલત મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળ નીચે પ્રમાણે સત્તાઓ ભોગવે છે:
- તે સંઘસરકાર કે સંઘના એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે મતભેદોનો નિકાલ લાવે છે.
- એક તરફ સંઘસરકાર તથા એકથી વધારે રાજ્યો અને બીજી તરફ સંઘનાં એકથી વધુ રાજ્યો હોય, તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચેના મતભેદોનો નિકાલ કરે છે.
- તે સંઘનાં બેથી વધુ રાજ્યો વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે.
- તે સંઘસરકારની કોઈ પણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપે છે.
- તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકારભંગ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા ધરાવે છે.
- સર્વોચ્ચ અદાલતના ચુકાદા આખરી હોય છે, તેને અન્યત્ર પડકારી શકાતા નથી. તે બધા માટે શિરોમાન્ય હોય છે.
પ્રશ્ન 3.
સર્વોચ્ચ અદાલતના અધિકારક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો.
ઉત્તરઃ
રાજ્ય-રાજ્ય વચ્ચેના કે રાજ્યો-રાજ્ય કે રાજ્ય-રાજ્યો કે રાજ્યો-રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી તેમજ તેના ઉપયોગ બાબતો અંગેના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતના હકૂમત બહાર છે. (તે માટે અલગ ‘પાણી ન્યાયપંચ’ (ટ્રિબ્યુનલો) ચુકાદા આપે છે.)
પ્રશ્ન 4.
મહાભિયોગની કાર્યવાહી સમજાવો.
ઉત્તરઃ
રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગની કાર્યવાહીથી હોદા પરથી દૂર કરી શકાય છે.
સંસદનાં બંને ગૃહોમાં તેના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની \(\frac {2}{3}\) બહુમતીથી પસાર કરેલા ઠરાવને આધારે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદા પરથી દૂર કરી શકાય છે. આ વિધિને ‘મહાભિયોગની કાર્યવાહી’ કહે છે.
મહાભિયોગની કાર્યવાહી દરમિયાન સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં નિવેદન કરવાની તક આપવામાં આવે છે.
પ્રશ્ન 5.
ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવો.
ઉત્તર:
ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ આ મુજબ છે:
- ફોજદારી દાવાના ચુકાદામાં રાજ્યની વડી અદાલતે આરોપીને ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનર્વિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય તો એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.
- કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ચાલતા મુકદ્દમાને સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં તબદીલ (Transfer) કરી શકે છે.
પ્રશ્ન 6.
વડી અદાલતોના ન્યાયાધીશોની લાયકાતનાં ધોરણો વર્ણવો.
અથવા
વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે જરૂરી લાયકાતો વર્ણવો.
ઉત્તર:
વડી અદાલતના ન્યાયાધીશની લાયકાતનાં ધોરણો આ મુજબ છેઃ
- તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
- તેની વય 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- તેણે નીચલી અદાલતોમાં ઓછામાં ઓછાં 10 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ અથવા
- કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછાં 10 વર્ષ સુધી વકીલાત કરી હોવી જોઈએ.
- રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવો જોઈએ.
પ્રશ્ન 7.
તાબા હેઠળની વિવિધ અદાલતો જણાવો.
ઉત્તરઃ
રાજ્યની વડી અદાલત (હાઈકોટ)ની હકૂમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે. દરેક જિલ્લામાં ફોજદારી અને દીવાની અદાલતો હોય છે. ફોજદારી અદાલતોમાં તેની હકૂમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશની અદાલતો, મામલતદાર અને ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. આ ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મૉલ કૉઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ ટ્રિબ્યુનલો (ખાસ અદાલતો) પણ હોય છે.
2. નીચેના વિધાનો સમજાવો:
પ્રશ્ન 1.
ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે.
ઉત્તર:
ભારતીય સમવાયતંત્રી લોકશાહીમાં બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા રાજ્ય-રાજ્ય વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્ર અંગે કોઈ ઘર્ષણો ઊભાં થાય તો તેનો બંધારણીય ઉકેલ લાવવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. આ ન્યાયતંત્ર કાયદાની કોઈ કલમ કે જોગવાઈની બંધારણીય સુસંગતતા તપાસે છે અને તેનું અર્થઘટન કરે છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેનું ન્યાયતંત્ર ધ્યાન રાખે છે. આમ, ભારતનું ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે.
પ્રશ્ન 2.
સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષક – વાલી છે.
ઉત્તરઃ
દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે કે નહિ તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહિ તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. તેથી તે બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષક – વાલી ગણાય છે.
પ્રશ્ન 3.
વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે.
ઉત્તર:
ભારતની સંઘીય શાસનપદ્ધતિમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, એકસૂત્રી અને સ્વતંત્ર પિરામિડ સ્વરૂપનું ન્યાયતંત્ર છે. કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે, મધ્યમાં વડી અદાલત છે અને પાયામાં જિલ્લા અદાલતો તથા તાબાની અદાલતો છે.
વડી અદાલત જિલ્લા અદાલતોની અપીલો સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે, જ્યારે વડી અદાલતોની અપીલો સર્વોચ્ચ અદાલત સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે. આમ, ભારતના ન્યાયતંત્રમાં વડી અદાલત કડીરૂપ છે.
પ્રશ્ન 4.
લોકઅદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે.
ઉત્તર:
સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે, ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકઅદાલતોમાં સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવે છે. અહીં બંને પક્ષોનું હિત અને માન જળવાય છે. બંને પક્ષોમાંથી કોઈની જીત કે હાર હોતી નથી. વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી અને બિનખર્ચાળ નિકાલ થાય છે. વળી, લોકઅદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. આ બધાં કારણોસર લોકઅદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે.
પ્રશ્ન 5.
ધારાસભા અને કારોબારી બેજવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદરૂપ બને છે.
ઉત્તરઃ
કેટલીક વાર ધારાસભા બહુમતી સંખ્યાના જોરે આપખુદ બનીને જનકલ્યાણને અવરોધે એવો કાયદો બનાવે અને કારોબારી તેનો અમલ કરે ત્યારે ન્યાયતંત્રમાં તેને પડકારવામાં આવે છે. એ સમયે ન્યાયતંત્ર કાયદાની બંધારણીય સુસંગતતા તપાસે છે. જો તે ગેરબંધારણીય હોય, તો તે તેને રદબાતલ કરે છે. આમ, ન્યાયતંત્ર નિષ્પક્ષ અને નિર્ભય રીતે ન્યાય આપી પોતાની સક્રિયતા દાખવે છે. આથી એમ કહી શકાય કે, ધારાસભા અને કારોબારી બેજવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદરૂપ બને છે.
પ્રશ્ન 6.
સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત ગણાય છે.
ઉત્તરઃ
- સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે.
- એ ચુકાદાઓ અને નિર્ણયો દેશના તમામ નાગરિકો અને દેશની બધી અદાલતોને માટે બંધનકર્તા હોય છે તેમજ તેમને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે ચુકાદાઓ આપે છે.
- સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયોનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે.
- સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના મુકદ્મામાં આપેલ ચુકાદાની નોંધ (Record) રાખે છે અને તેને ગૅઝેટમાં પ્રકાશિત કરે છે.
ઉપર દર્શાવેલાં કારણોસર સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત (Court of Records) ગણાય છે.
પ્રશ્ન 7.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિવૃત્તિ બાદ પણ કોઈ પણ કોર્ટમાં વકીલાત કરી શકતા નથી.
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનો મોભો અને પ્રતિષ્ઠા ઘણા ઊંચા દરજ્જાનાં બનાવવામાં આવ્યાં છે. એક વખત જે વ્યક્તિએ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોય અને ત્યારપછી તે કોઈ પણ અદાલતમાં વકીલ તરીકે કામ કરે, તો તે અદાલતના ન્યાયાધીશો અજાણતાં પણ તેની શેહ-શરમમાં આવી જાય અને કદાચ તેની તરફેણમાં પક્ષપાતભર્યું વલણ દાખવી બેસે. આથી બંધારણમાં કરેલ જોગવાઈ પ્રમાણે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિવૃત્તિ બાદ પણ કોઈ પણ કોર્ટમાં વકીલાત કરી શકતા નથી.
3. ટૂંક નોંધ લખોઃ
પ્રશ્ન 1.
ન્યાયતંત્રની સ્વતંત્રતા
ઉત્તર:
દેશના કારોબારી તંત્રની લાગવગ, શેહ-શરમ, લાલચ કે દબાણમાં આવ્યા વિના ન્યાયાધીશો નિષ્પક્ષ, તટસ્થ, પ્રામાણિકપણે અને નિર્ભય રીતે ન્યાય આપી શકે – પોતાની ફરજો બજાવી શકે તેમજ લોકોને સાચો, પારદર્શાય અને ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે.
- ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે.
- અલબત્ત, કારોબારી તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલાં લાયકાતનાં ધોરણોને આધારે તેમજ સુસ્થાપિત વિધિ મુજબ બંધારણીય જોગવાઈઓને આધીન રહીને ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ કારોબારી તંત્ર તેમને હોદ્દા પરથી દૂર કરી શકતું નથી.
- ન્યાયાધીશો 65 વર્ષની ઉંમર સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે. તેમના પગાર-ભથ્થાં, નોકરીની શરતો, બઢતી, બદલી, નિવૃત્તિના લાભો, પેન્શન ફંડ વગેરે બાબતોમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી.
- ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે સંઘની સંસદમાં કે રાજ્યની વિધાનસભામાં ચર્ચા કે ટીકાત્મક સમીક્ષા થઈ શકતી નથી.
પ્રશ્ન 2.
વડી અદાલતનું અપીલી ક્ષેત્રાધિકાર
ઉત્તર:
રાજ્યની વડી અદાલતના હકૂમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલો સાંભળવાના વડી અદાલતના અધિકારને ‘અપીલી ક્ષેત્રાધિકાર’ કહે છે.
- વડી અદાલત તેના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે.
- જિલ્લાની ફોજદારી અદાલત(સેશન્સ કોર્ટના ન્યાયાધીશે આરોપીને તેના ગુના માટે ચાર વર્ષ કરતાં વધારે વર્ષની સજા કરી હોય, એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી શકે છે.
- ફોજદારી અદાલતે (સેશન્સ કોર્ટે કોઈ આરોપીને તેની નીચેની ; ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય, તેવા કેસમાં વડી અદાલતમાં અપીલ કરી શકાય છે.
- ટ્રિબ્યુનલના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે છે.
- પોતાના તાબા હેઠળની કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટનસંબંધી પ્રશ્ન રહેલો છે, એમ વડી અદાલતને જણાય ત્યારે તે એ કેસને પોતાની અદાલતમાં તબદીલ (Transfer) કરીને તેનો નિકાલ કરી શકે છે.
પ્રશ્ન 3.
નઝીરી અદાલત
ઉત્તર:
જે અદાલતના ચુકાદાની નોંધ (Records) પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી, તેને નઝીરી અદાલત (Court of Records) કહેવામાં આવે છે.
- સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત તરીકે નીચે મુજબ અધિકારો ધરાવે છે:
- જુદી જુદી અદાલતોએ આપેલા ચુકાદાઓ, કાયદાનાં અર્થઘટનો, સ્વીકારવામાં આવેલી પ્રણાલિકાઓ વગેરેને સર્વોચ્ચ અદાલત દસ્તાવેજો સ્વરૂપે સાચવે છે.
- એ ચુકાદાઓને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે ચુકાદા આપે છે.
- સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદાઓ આખરી ગણાય છે. તેમની વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી.
- સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકોને અને દેશની બધી અદાલતોને માટે બંધનકર્તા હોય છે.
- સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો ઘડે છે. એ નિયમોનું પાલન કરવાનું બધી અદાલતો માટે અનિવાર્ય છે.
- તેના નિર્ણયો અને ચુકાદાઓનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના | તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે.
- સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના કેસમાં આપેલા પોતાના ચુકાદાની નોંધ (Record) રાખે છે અને પ્રકાશિત કરે છે.
પ્રશ્ન 4.
લોકઅદાલતો અને જાહેર હિતના દાવાઓ
ઉત્તરઃ
લોકઅદાલતો: સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે, ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે.
- લોકઅદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં ‘કાનૂની સેવા સત્તામંડળ’ નામની સંસ્થા મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કામ કરે છે.
- લોકઅદાલત રવિવાર કે રજાના દિવસે બંને પક્ષકારોની સંમતિથી જિલ્લામથકે અથવા તાલુકામથકે યોજવામાં આવે છે.
- લોકઅદાલતોની કામગીરી સ્વૈચ્છિક હોય છે.
- લોકઅદાલતોમાં મુખ્યત્વે મોટર-વાહન અકસ્માત અને વળતર, લગ્નવિચ્છેદ, ભરણપોષણ, સામાન્ય લેણાં, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે બાબતો અંગેના વિવાદો ઉકેલવામાં આવે છે.
- લોકઅદાલતોમાં વકીલોને સ્થાન હોતું નથી. પરંતુ સમાધાનની પ્રક્રિયામાં પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, નિવૃત્ત ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહે છે.
- લોકઅદાલતોમાં સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી કાયમી સમાધાન કરાવવામાં આવે છે.
- અહીં બંને પક્ષોનું હિત અને માન જળવાય છે. બંને પક્ષોમાંથી કોઈની જીત કે હાર હોતી નથી.
- વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી અને બિનખર્ચાળ નિકાલ જ થાય છે.
- વળી, લોકઅદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આથી જ લોકઅદાલતો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
જાહેર હિતના દાવાઓ: જાહેર હિતની અરજીઓ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે.
- બંને અદાલતો જાહેર હિતના દાવાને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને તે અંગે જરૂરી આદેશો આપે છે.
[નાગરિકોના અધિકારો કે જાહેર હિતના ભંગ અંગે વર્તમાનપત્રોમાં છપાયેલા સમાચારોનો આશરો લઈને વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત આપમેળે (સુમો મોટો) ફરિયાદ દાખલ કરી કાનૂની પગલાં લઈ શકે છે.]
પ્રશ્ન 5.
તાબાની અદાલતો
ઉત્તરઃ
રાજ્યની વડી અદાલત (હાઈકોટ)ની હકૂમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતો ‘તાબાની અદાલતો’ અથવા ‘નીચલી અદાલતો’ કહેવાય છે.
- તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે.
- રાજ્યની બધી તાબાની અદાલતો વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે.
- દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે.
- જિલ્લા અદાલતમાં દીવાની દાવા ચલાવનાર ન્યાયાધીશને જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદમા ચલાવનાર ન્યાયાધીશને સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી કરે છે.
- દરેક જિલ્લાની દીવાની અદાલતોમાં એક લાખ રૂપિયા સુધીના દાવાઓ તેમજ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે. આ કોર્ટોના સિવિલ જજ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ અને વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા ધરાવે છે.
- ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ અને તેની હકૂમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશની અદાલતો, મામલતદાર અને ઍક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. આ અદાલતોમાં 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને ₹ 5000 કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની કે જન્મટીપની આજીવન કારાવાસ જેવી સજાઓ કરવાની સત્તા ધરાવે છે.
- આ ઉપરાંત, તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મૉલ કૉઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ટ્રિબ્યુનલો (ખાસ અદાલતો) પણ હોય છે.
4. નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો:
પ્રશ્ન 1.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય છે.
A. 65 અને 58
B. 65 અને 60
C. 60 અને 65
D. 65 અને 62
ઉત્તર:
D. 65 અને 62
પ્રશ્ન 2.
જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે.
A. 3 વર્ષ
B. 7 વર્ષ
C. 10 વર્ષ
D. 5 વર્ષ
ઉત્તર:
B. 7 વર્ષ
પ્રશ્ન 3.
મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે?
A. મેઘાલયમાં
B. અરુણાચલ પ્રદેશમાં
C. અસમમાં
D. નાગાલૅન્ડમાં
ઉત્તર:
C. અસમમાં
પ્રશ્ન 4.
મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે?
A. વડોદરામાં
B. રાજકોટમાં
C. અમદાવાદમાં
D. ગાંધીનગરમાં
ઉત્તર:
C. અમદાવાદમાં
પ્રશ્ન 5.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
A. વડા પ્રધાન
B. રાષ્ટ્રપ્રમુખ
C. ઉપરાષ્ટ્રપ્રમુખ
D. કાયદાપ્રધાન
ઉત્તર:
B. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 6.
ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે?
A. મફત કાનૂની સલાહ કેન્દ્ર
B. દીવાની કોર્ટ
C. ગ્રાહક ફોરમ
D. સ્મૉલ કૉઝ કોર્ટ
ઉત્તરઃ
C. ગ્રાહક ફોરમ