Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 14 પાણી Important Questions and Answers.
GSEB Class 6 Science Important Questions Chapter 14 પાણી
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
નીચેના પૈકી કયો પાણીનો સ્ત્રોત નથી?
A. નદી
B. સરોવર
C. કૂવો
D. જમીન
ઉત્તર:
D. જમીન
પ્રશ્ન 2.
પાણીનો સૌથી વધુ સંગ્રહ ક્યાં થાય છે?
A. નદી
B. સરોવર
C. કૂવો
D. સમુદ્ર
ઉત્તર:
D. સમુદ્ર
પ્રશ્ન 3.
વરાળ બીજા કયા નામે ઓળખાય છે?
A. વાયુ
B. બાષ્પ
C. જળ
D. વાદળ
ઉત્તર:
B. બાષ્પ
પ્રશ્ન 4.
પૃથ્વીની સપાટીના કેટલામા ભાગ પર પાણી છે?
A. \(\frac{1}{2}\)
B. \(\frac{1}{3}\)
C. \(\frac{1}{4}\)
D. \(\frac{2}{3}\)
ઉત્તર:
D. \(\frac{2}{3}\)
પ્રશ્ન 5.
દરિયાના ખારા પાણીનું બાષ્પીભવન થવાથી બનતી બાષ્પમાં શું હોય છે?
A. મીઠું
B. ક્ષારો
C. મીઠું અને પાણીની વરાળ
D. શુદ્ધ પાણીની વરાળ
ઉત્તર:
D. શુદ્ધ પાણીની વરાળ
પ્રશ્ન 6.
પાણીની વરાળમાંથી વાદળ બંધાવા શાની જરૂર છે?
A. મેઘગર્જનાની
B ધૂળનાં રજકણોની
C. સૂર્યની ગરમીની
D. વીજળીના ચમકારાની
ઉત્તર:
B ધૂળનાં રજકણોની
પ્રશ્ન 7.
પૃથ્વી પરના પાણીનું બાષ્પમાં રૂપાંતર થઈ આકાશમાં ચાલ્યું જાય છે તેને પૃથ્વી પર પાછું લાવવામાં કઈ ક્રિયાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે?
A. બાષ્પોત્સર્જન
B. બાષ્પીભવન
C. ઘનીભવન
D. નિક્ષેપન
ઉત્તર:
C. ઘનીભવન
2. ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
પાણીનો મુખ્ય સ્ત્રોત ………………………….. છે.
ઉત્તર:
વરસાદ
પ્રશ્ન 2.
પાણીના વાયુ સ્વરૂપને ………………………. કહે છે.
ઉત્તર:
વરાળ
પ્રશ્ન 3.
જમીનમાં શોષાયેલું પાણી પૃથ્વીના નીચેના પડમાં એકત્રિત થાય છે તેને ………………………. કહે છે.
ઉત્તર:
ભૂગર્ભ જળ
પ્રશ્ન 4.
ભૂગર્ભજળને …………………… અને …………………….. દ્વારા બહાર કાઢી ઉપયોગમાં લેવાય છે.
ઉત્તર:
હેન્ડ-પંપ, બોરકૂવા
પ્રશ્ન 5.
વનસ્પતિ …………………….. ક્રિયા દ્વારા વધારાનું પાણી વરાળ સ્વરૂપે દૂર કરે છે.
ઉત્તર:
બાષ્પોત્સર્જન (ઉસ્વેદન)
3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો?
પ્રશ્ન 1.
પાણીમાંથી વરાળ બનવાની ક્રિયાને શું કહે છે?
ઉત્તર:
બાષ્પીભવન
પ્રશ્ન 2.
પાણીની વરાળ ઠંડી પડી પાણીનાં ટીપાંમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
ઉત્તર:
ઘનીભવન
પ્રશ્ન 3.
વરસાદના પાણીનો કેટલોક ભાગ જમીનમાં શોષાય છે. આ રીતે જમીનમાં એકત્રિત થયેલા પાણીને શું કહે છે?
ઉત્તર:
ભૂગર્ભજળ
પ્રશ્ન 4.
સરોવરમાં પાણી ક્યાંથી આવે છે?
ઉત્તર:
વરસાદ મારફતે
પ્રશ્ન 5.
ઝરણાં અને નદીનું પાણી છેવટે ક્યાં એકત્રિત થાય છે?
ઉત્તર:
સમુદ્રમાં
પ્રશ્ન 6.
કૂવાના પાણીનું સ્તર ઊંચું લાવવા હાલમાં કઈ પદ્ધતિ પ્રચલિત છે?
ઉત્તર:
ફૂવા રીચાર્જ પદ્ધતિ
પ્રશ્ન 7.
કુદરતમાં પાણી કયા કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે?
ઉત્તર:
ઘન, પ્રવાહી, વાયુ
4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
કૂવો પાણીનો સ્ત્રોત ન ગણાય.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 2.
સમુદ્રના પાણીની વરાળ થાય ત્યારે તે પોતાની સાથે પાણીમાં રહેલા ક્ષારનું વહન કરતી નથી.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 3.
પાણીની વરાળને પાણીમાં રૂપાંતર કરવા તેને ગરમ કરવું આવશ્યક છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 4.
છાંયડામાં રહેલા પાણીનું બાષ્પીભવન થતું નથી.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 5.
સૂર્યના તડકામાં પાણીનું બાષ્પીભવન ઝડપથી થાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 6.
વરસાદના પાણીનો કેટલોક ભાગ ભૂમિ દ્વારા શોષાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 7.
કૂવાઓનું ભરણ ભૂગર્ભજળ દ્વારા થાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 8.
જે જગ્યાએ વધારે બોર-કૂવા હોય છે, તેવી જગ્યાએ ભૂગર્ભજળ ઓછી ઊંડાઈએ હોય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 9.
જે જમીન કોંક્રિટથી ઢંકાયેલી હોય છે તે જમીનમાં પાણીનું ઊતરણ ઘણું વધારે હોય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 10.
વરસાદનું બધું જ પાણી સમુદ્રમાં ચાલ્યું જાય છે.
ઉત્તર:
ખોટું
5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પાણીના સ્ત્રોત કોને કહેવાય?
ઉત્તરઃ
પાણી જ્યાંથી પ્રાપ્ત થાય, તેને પાણીના સ્ત્રોત કહેવાય.
પ્રશ્ન 2.
પાણીના સ્ત્રોતો કયા કયા છે?
ઉત્તરઃ
વરસાદ, કૂવા, બોર, નદી અને તળાવ એ પાણીના સ્ત્રોતો છે.
પ્રશ્ન 3.
કયા સ્ત્રોતો દ્વારા આપણે જમીનમાં સંગ્રહાયેલું પાણી મેળવી શકીએ છીએ?
ઉત્તરઃ
કૂવા અને બોર દ્વારા આપણે જમીનમાં સંગ્રહાયેલું પાણી મેળવી શકીએ છીએ.
પ્રશ્ન 4.
ડેમ(બંધ)માં પાણી ક્યાંથી આવતું હશે?
ઉત્તરઃ
ડેમમાં નદીનું અને વરસાદનું પાણી આવે છે.
પ્રશ્ન 5.
તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે?
ઉત્તર:
અમારા ઘરે પીવાનું પાણી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટાંકીમાંથી પાઇપલાઇન દ્વારા ઘરના નળમાં આવે છે.
પ્રશ્ન 6.
સંઘનન બીજા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
સંઘનન ઘનીભવનના નામે ઓળખાય છે.
પ્રશ્ન 7.
વાદળ એટલે શું?
ઉત્તરઃ
આકાશમાં ઊંચે ગયેલી પાણીની વરાળ ઠંડી પડી ધૂળના રજકણો પર એકઠી થઈ બનેલા પાણીનાં નાનાં નાનાં બિંદુઓનાં સમૂહને વાદળ કહે છે.
પ્રશ્ન 8.
વાદળાંમાંથી વરસાદ ક્યારે પડે?
ઉત્તરઃ
વાદળાં ઠંડા પડતાં પાણીનાં ટીપાં મોટા બને ત્યારે તે વરસાદરૂપે પડે છે.
પ્રશ્ન 9.
કરા એટલે શું?
ઉત્તરઃ
વરસાદનું પડતું પાણી અતિશય ઠંડું બની નાના બરફ સ્વરૂપે જમીન પર પડે તેને કરા કહે છે.
પ્રશ્ન 10.
કઈ ક્રિયા દ્વારા વનસ્પતિ પાણીની વરાળ બહાર કાઢે છે?
ઉત્તરઃ
બાષ્પોત્સર્જન (ઉસ્વેદન) ક્રિયા દ્વારા વનસ્પતિ પાણીની વરાળ બહાર – કાઢે છે.
પ્રશ્ન 6.
વ્યાખ્યા આપો
- બાષ્પીભવન
- ઘનીભવન
- જળચક્ર
- ભૂગર્ભજળ
ઉત્તરઃ
- બાષ્પીભવનઃ પ્રવાહીમાંથી વરાળ બનવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.
- ઘનીભવનઃ પ્રવાહીની બાષ્પ ઠંડી પડી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય તે ક્રિયાને ઘનીભવન કહે છે.
- જળચક્ર: બાષ્પીભવન અને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પૃથ્વીની સપાટી પરનું પાણી વરાળ સ્વરૂપમાં ફેરવાય છે, તેમાંથી વાદળો બની અને વરસાદ સ્વરૂપે પાણી પુનઃ પૃથ્વી પર પાછું આવે છે. પાણીના આ પ્રકારના ચક્રને જળચક્ર કહે છે.
- ભૂગર્ભજળ: વરસાદના પાણીનો કેટલોક ભાગ ભૂમિ દ્વારા શોષાઈ જમીનના નીચેના ભાગે એકત્રિત થાય છે, તેને ભૂગર્ભજળ કહે છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો?
પ્રશ્ન 1.
આપણે પાણીનો કયા કયા કામમાં ઉપયોગ કરીએ છીએ?
ઉત્તરઃ
આપણે પાણી પીવામાં, દૈનિક ક્રિયાઓ કરવામાં, રાંધવામાં, ખેતીવાડીમાં, ઉદ્યોગોમાં, બાંધકામમાં, પશુપાલનમાં, વિદ્યુત-ઊર્જા ઉત્પન્ન કરવામાં તેમજ જળમાર્ગે મુસાફરી કરવામાં ઉપયોગ કરીએ છીએ.
પ્રશ્ન 2.
કોઈ કારણસર પાણીનો જથ્થો ખૂટી જાય તો આપણને શું મુશ્કેલી પડે?
ઉત્તર:
દરેક સજીવને જીવન ટકાવવા પાણી આવશ્યક છે. પાણી વિના આપણે જીવી શકીએ નહિ. કોઈ કારણસર પાણીનો જથ્થો ખૂટી જાય તો આપણને પાણી પીવા માટે મળે નહિ. રસોઈ કરવામાં, ઘરની સ્વચ્છતા જાળવવામાં, આપણી દૈનિક ક્રિયાઓમાં, ઉદ્યોગો ચલાવવામાં, ખેતીવાડીના કાર્યમાં મુશ્કેલી ઊભી થાય. જો પાણીનો જથ્થો લાંબા સમય માટે ખૂટી જાય તો આપણે તેમજ સમગ્ર સજીવસૃષ્ટિનું જીવવું મુશ્કેલ થઈ પડે.
પ્રશ્ન 3.
દરિયાનું પાણી ખારું હોવા છતાં તેમાંથી વરાળ બની વરસાદરૂપે મળતું પાણી ખારું હોતું નથી. સમજાવો.
ઉત્તરઃ
સૂર્યની ગરમીને કારણે દરિયાના ખારા પાણીની વરાળ બને છે ત્યારે ક્ષારો દરિયાના પાણીમાં જ રહી જાય છે. વરાળમાં ફક્ત શુદ્ધ પાણીનું વાયુ સ્વરૂપ હોય છે. આ વરાળ આકાશમાં ઠંડી પડી પાણીમાં ફેરવાતાં વરસાદરૂપે જમીન પર પડે છે. આથી વરસાદનું પાણી ખારું હોતું નથી. છે
પ્રશ્ન 4.
તમારા ઘરમાં પીવાનું પાણી ક્યાંથી અને કઈ રીતે આવે છે?
ઉત્તર:
ઘરમાં પીવાનું પાણી ગામ કે શહેરની મોટી ટાંકીમાંથી પાઈપલાઈન દ્વારા આવે છે. કૂવા કે બોર-કૂવામાં રહેલ પાણીને ઇલેક્ટ્રિક પંપ દ્વારા મોટી ટાંકીઓમાં ભરવામાં આવે છે. કેટલાંક સ્થળે નદી, સરોવર કે તળાવના પાણીને ઇલેક્ટ્રિક પંપ દ્વારા મોટી ટાંકીઓમાં ભરવામાં આવે છે. આ પાણીને શુદ્ધ કરીને પાઈપ દ્વારા આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે છે.
પ્રશ્ન 5.
કૂવામાં કે બોર-કૂવામાં પાણી ક્યાંથી આવે છે?
ઉત્તરઃ
વરસાદ વરસે ત્યારે કેટલુંક પાણી જમીન પર વહે છે, જ્યારે કેટલુંક પાણી જમીનની અંદર ઊતરી જાય છે. જમીનમાં ઊતરેલા પાણીનો જમીનની અંદર સંગ્રહ થાય છે. આને ભૂગર્ભજળ કહે છે. કૂવો ખોદતાં આ પાણી આપણને મળે છે. જમીનમાં ઘણે ઊંડે ઊતરી ગયેલું પાણી જમીનમાં બોર-કૂવા કરી કાઢવામાં આવે છે. .
પ્રશ્ન 6.
સાદો કૂવો અને બોર-કૂવો આ બંનેમાં શો ફેર છે?
ઉત્તરઃ
- સાદો કૂવો પહોળો અને ખુલ્લો હોય છે, જ્યારે બોર-કૂવો સાંકડો અને બંધ હોય છે.
- સાદા કૂવાના ખુલ્લા અંદરના ભાગમાં ઈંટોનું ચણતરકામ કરેલું હોય છે, જ્યારે બોર-કૂવામાં લોખંડની પાઇપ ઉતારેલી હોય છે.
- સાદા કૂવામાંથી પાણી ખેંચવા માટે ગરગડીની ગોઠવણ કરેલી હોય છે, જ્યારે બોર-કૂવામાંથી પાણી ખેંચવા માટે સબમર્શીબલ પંપ કે હૅન્ડ-પંપની ગોઠવણ કરેલી હોય છે.
પ્રશ્ન 7.
વાદળમાંથી વરસાદ કેવી રીતે પડે છે?
ઉત્તરઃ
વાદળમાં નાની જલકણિકાઓ હોય છે. પવન અને વાદળના ખસવાથી ઘણીબધી જલકણિકાઓ એકબીજા સાથે જોડાઈ પાણીનાં મોટાં ટીપાં બને છે. પાણીનાં મોટાં ટીપાં વજનમાં ભારે હોવાથી નીચેની તરફ પડવા લાગે છે. આ નીચેની તરફ એકીસાથે પડતાં પાણીનાં ટીપાંઓને વરસાદ કહે છે.
પ્રશ્ન 8.
વરસાદ સ્વરૂપે જમીન પર આટલું બધું પાણી ક્યાંથી આવે છે?
ઉત્તરઃ
મહાસાગરમાં પુષ્કળ પાણી હોય છે. ઉનાળામાં વધુ ગરમી પડવાથી મહાસાગરના પાણીમાંથી મોટા જથ્થામાં પાણીની વરાળ બને છે. આ ઉપરાંત નદી, સરોવરો, તળાવોમાં ભરેલા પાણીની વરાળ બને છે. આ વરાળ હલકી હોવાથી આકાશમાં ઊંચે જઈ ઠંડી પડતાં વાદળ બને છે અને વાદળમાંથી વરસાદરૂપે પાણી પૃથ્વી પર પાછું ફરે છે. આમ, મોટા જથ્થાના પાણીનું બાષ્પીભવન થાય છે અને તેટલો જ જથ્થો વરસાદરૂપે પૃથ્વી પર પડે છે.
2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
કાચના પ્યાલામાં બરફ ભરેલો હોય ત્યારે તેની બહારની સપાટી પર પાણીનાં ટીપાં બાઝે છે.
ઉત્તર:
કાચના પ્યાલામાં બરફ ભરવાથી પ્યાલાની બહારની સપાટી ઠંડી પડે છે. હવામાં પાણીની વરાળ રહેલી છે. હવામાંની પાણીની વરાળ કાચના પ્યાલાની બહારની ઠંડી સપાટીને અડકે છે ત્યારે વરાળ ઠંડી પડે છે. ઠંડી વરાળ ઘનીભવન પામી તેનું પાણીનાં નાનાં ટીપાંમાં રૂપાંતર થાય છે. તેથી કાચના પ્યાલામાં બરફ ભરેલો હોય ત્યારે તેની બહારની સપાટી પર પાણીનાં ટીપાં બાઝે છે.
પ્રશ્ન 2.
પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
ઉત્તરઃ
વરસાદ ઓછો પડવાને લીધે ભૂગર્ભજળનું સ્તર વધારે ઘટી રહ્યું છે. આને લીધે ભૂગર્ભજળનો વધુ ઉપયોગ કરી શકાય તેમ નથી. વસ્તીવધારા સાથે પાણીનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થાય છે. પાણીની માંગ પ્રતિદિન વધી રહી છે. ઉદ્યોગો વધતાં પાણીના વધારે જથ્થાનો ઉપયોગ થઈ રહ્યો છે. હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે અને વધારે વપરાશના કારણે ઘટતો જાય છે. આથી પાણીનો કરકસરપૂર્વક સાવચેતી રાખી ઉપયોગ થાય તે આવશ્યક છે. તેથી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
પ્રશ્ન 3.
જોડકાં જોડોઃ
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) પાણીની બાષ્પનું પાણીમાં રૂપાંતર | (a) ઉસ્વેદન |
(2) પાણીનું બાષ્પમાં રૂપાંતર | (b) ભૂગર્ભજળ |
(3) વનસ્પતિનાં પર્ણો દ્વારા પાણીનો નિકાલ | (c) બાષ્પીભવન |
(4) કૂવો | (d) ઘનીભવન |
ઉત્તરઃ
(1) → (d), (2) → (c), (3) → (a), (4) → (b).
(C) વિસ્તૃત પ્રશ્નો:
1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
વરસાદ સ્વરૂપે પડેલું પાણી મહાસાગર તરફ કેવી રીતે પહોંચે છે તે સમજાવો.
ઉત્તરઃ
વરસાદ જમીન પર, પર્વતો પર અને નદીઓ, સરોવરો તથા મહાસાગરોમાં પડે છે. પર્વતો પર તે બરફ તરીકે જમા થાય છે. પર્વતો પર રહેલો બરફ પીગળીને પાણી બને છે. આ પાણી ઝરણાં તથા નદીઓ સ્વરૂપે નીચે આવે છે. કેટલુંક પાણી જે વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે તે પણ ઝરણાં અને નદીઓના સ્વરૂપે વહી જાય છે. મોટા ભાગની નદીઓ ભૂમિ પર લાંબું અંતર કાપીને અંતમાં મહાસાગરમાં ભળી જાય છે. આમ, વરસાદ સ્વરૂપે પડેલું પાણી મહાસાગર સુધી પહોંચે છે.
પ્રશ્ન 2.
ભૂગર્ભજળની ઉપલબ્ધતા ઓછી થવાનાં કારણો જણાવો.
ઉત્તરઃ
ભૂગર્ભજળની ઉપલબ્ધતા ઓછી થવાનાં કારણો નીચે મુજબ છે :
- હેન્ડ-પપ, કૂવા અને બોર-કૂવા દ્વારા ખેંચવામાં આવતું પાણી ભૂગર્ભજળમાંથી આવે છે. જે વિસ્તારમાં વધારે હેન્ડપંપ અને બોર-કૂવા હોય છે ત્યાં ભૂગર્ભજળનું સ્તર નીચે જાય છે. આથી ત્યાં ભૂગર્ભજળ પ્રાપ્ત કરવા વધારે ઊંડાઈ સુધી ખોદકામ કરવું પડે છે. વધારે પડતા ઉપયોગથી ભૂગર્ભજળમાં થતો ઘટાડો ચિંતાનો વિષય છે.
- વળી જે વિસ્તારોમાં વનસ્પતિઓની સંખ્યા ઘણી ઓછી છે તેવા વિસ્તારોમાં વરસાદનું પાણી ઝડપથી વહી જાય છે અને જમીનમાં ઊતરતું નથી. કે.
- જ્યાં જમીન કોંક્રિટથી ઢંકાયેલી હોય છે એવી જમીનમાં વરસાદના પાણીનું ઊતરણ ઘણું ઓછું થાય છે. આથી ભૂગર્ભજળની ઉપલબ્ધતા ઓછી થાય છે.
પ્રશ્ન 3.
ભારે વરસાદ પડવાને લીધે ક્યા પ્રકારના નુકસાન થાય છે તે જણાવો.
ઉત્તર:
ભારે વરસાદ પડવાને લીધે નદીઓ, સરોવરો અને તળાવોના જળસ્તર વધી જાય છે. પૂર આવવાથી બધે જળબંબાકાર થઈ જાય છે. ખેતરોમાં, રહેણાંક વિસ્તારોમાં અને વાહનવ્યવહારના માર્ગોમાં પાણી ભરાઈ જાય છે. આને પરિણામે ખેતરમાં પાક તણાઈ જાય છે, ઘરવખરી અને ઢોર-ઢાંખર તણાઈ જાય છે. આથી ખેડૂતોને, ઘરોને, પશુઓને, ઉદ્યોગોને અને માર્ગોને મોટું નુકસાન થાય છે. લોકો પારાવાર મુશ્કેલીમાં મૂકાય છે. લોકોને પીવા પાણી તેમજ ખાદ્યસામગ્રી મેળવવી મુશ્કેલ થઈ પડે છે. પાણીમાં ફસાયેલા માણસોને તેમાંથી ઉગારવા મુશ્કેલ બને છે. રાહત-છાવણીનો આશરો લેવો પડે છે. આમ, ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યવસ્ત થઈ જાય છે.
પ્રશ્ન 4.
લાંબા સમય સુધી વરસાદ ન પડે તો કેવી પરિસ્થિતિ સર્જાય?
ઉત્તરઃ
લાંબા સમય સુધી વરસાદ ન પડે તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય. વરસાદને અભાવે ખેતરમાં પાક સુકાઈ જાય. ખેડૂતોને આર્થિક નુકસાન થાય. અનાજની અછત રહે. તેથી અન્ય લોકોને પણ મુશ્કેલી પડે. આપણે પાણી-કાપ સહન કરવો પડે. પશુઓને ઘાસચારો અને પાણી ન મળે. પશુઓ મૃત્યુ પણ પામે. વરસાદના અભાવે ભૂગર્ભજળમાં ઘટાડો થાય. વનસ્પતિને પાણી ન મળવાથી સુકાઈ જાય. ઉદ્યોગો અને કારખાનાને પણ અસર થાય. મોંઘવારી વધે. વિકાસ દર ઘટે. આર્થિક સંકળામણ અનુભવતા લોકોમાં આપઘાતનું પ્રમાણ વધે.
2. ટૂંક નોંધ લખોઃ
પ્રશ્ન 1.
જલચક્ર
ઉત્તરઃ
સમુદ્ર અને મહાસાગર, નદી, સરોવર તથા અન્ય જળાશયોમાં રહેલા પાણીનું સૂર્યની ગરમીથી બાષ્પીભવન થાય છે અને પાણીની બાષ્પ બને છે. વનસ્પતિનાં પાન દ્વારા બહાર ફેંકાયેલું પાણી બાષ્પરૂપે વાતાવરણમાં ભળે છે. પાણીની બાષ્પ વાતાવરણમાં ઊંચે ચઢે છે. પર્યાપ્ત ઊંચાઈએ બાષ્પ એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘનીભવન પામી પાણીનાં નાનાં નાનાં ટીપાં (જળકણિકાઓ) બને છે. જળકણિકાઓના સમૂહ હવામાં તરે છે અને તેનાં વાદળાં બને છે. પવનને કારણે વાદળો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. વાદળો આકાશમાં ઊંચે જતાં ‘ઠંડાં પડે છે. ઠંડાં વાતાવરણમાં વાદળમાં રહેલાં પાણીનાં સૂક્ષ્મ બુંદ મોટાં બને છે અને તેમના વજનથી વરસાદરૂપે પાણી પૃથ્વી પર આવે છે. આ પાણી જમીનના નીચાણવાળા ભાગોમાં વહી છેવટે નદી, સરોવર અને સમુદ્રમાં આવે છે. આમ, કુદરતમાં જળચક્ર ચાલ્યા કરે છે.
પ્રશ્ન 2.
વરસાદી પાણીનો સંગ્રહ
ઉત્તરઃ
વરસાદના પાણીનો સંગ્રહ કરવો તથા તેનો સંચય કરીને પછી તેનો જરૂર પડે ઉપયોગ કરવો તે પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવાનો એક સારો ઉપાય છે. આ ઉપાયથી વરસાદના પાણીને એકત્રિત કરવાને વરસાદી પાણીનો સંગ્રહ કહે છે. – વરસાદી પાણીના સંગ્રહનો મુખ્ય હેતુ એ છે કે, પાણી જ્યાં પડે ત્યાં જ એકત્રિત કરો અને તેનો ઉપયોગ કરો. આથી દરેકને વરસાદી પાણીનો ઉપયોગ કરવા મળે છે અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા અપાતા પાણીનો થોડોક ભાગ ઓછો વાપરવો પડે છે.
વરસાદના પાણીના સંગ્રહની બે રીતો નીચે મુજબ છે:
(1) છત પરના વરસાદી પાણીનો સંગ્રહઃ આ રીતમાં મકાનોની છત પર એકત્રિત વરસાદી પાણી પાઈપ દ્વારા સંગ્રાહક ટેંકમાં પહોંચાડવામાં આવે છે. આ પાણી જરૂરિયાતના સમયે વાપરી શકાય છે. (આ પાણીનો ઉપયોગ પીવા માટે કરવો હોય તો તેને સ્વચ્છ કરી પીવાલાયક બનાવવું પડે.)
આ પાણીનો સંગ્રહ ટૅકમાં કરવાના બદલે સીધું જ પાઇપો દ્વારા જમીનમાં બનાવેલ કોઈ ખાડા સુધી લઈ જઈ શકાય. ત્યાં તે માટીમાં ઊતરી ભૂગર્ભજળમાં વધારો કરી શકે છે.
(2) બીજી રીત છે: રસ્તાની બાજુ પર બનાવેલ નાળામાંથી પાણી સીધું જ જમીનમાં ઉતારી દેવામાં આવે છે. આને કૂવા રીચાર્જ પદ્ધતિ કહે છે. આમ કરવાથી ભૂગર્ભજળમાં વધારો કરી શકાય છે.
HOTs પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો:
પ્રશ્ન 1.
ભારે વરસાદ લાંબો સમય ચાલુ રહે તેને શું કહે છે?
A. અતિવૃષ્ટિ
B. અનાવૃષ્ટિ
C. જળચક્ર
D. ઘોડાપુર
ઉત્તરઃ
A. અતિવૃષ્ટિ
પ્રશ્ન 2.
શિયાળામાં વહેલી સવારે ઘાસ પર પાણીનાં બિંદુઓ જોવા મળે છે તેને શું કહે છે?
A. કરા
B. ધુમ્મસ
C. ઝાકળ
D. સ્નો
ઉત્તરઃ
C. ઝાકળ
પ્રશ્ન 3.
પાણીના બાષ્પીભવનની ઝડપનો આધાર શાના પર છે?
A. તાપમાન
B પવન
C. પાત્રની ખુલ્લી સપાટી
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ
પ્રશ્ન 4.
પર્વતો પરના બરફનું પાણી થવું એ કઈ ક્રિયા છે?
A. બાષ્પીભવન
B. ઘનીભવન
C. બાષ્પોત્સર્જન
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
D. આપેલ પૈકી એકેય નહિ
પ્રશ્ન 5.
રીચાર્જ પદ્ધતિથી જમીનમાં પાણી ઊતારવાથી નીચેનામાંથી શામાં પાણીનું સ્તર ઊંચું લાવી શકાય છે?
A. નદી
B. સરોવર
C. કૂવો
D. તળાવ
ઉત્તરઃ
C. કૂવો