GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Lekhan Kaushalya Nibandh Lekhan નિબંધલેખન Questions and Answers, Notes Pdf.

GSEB Std 11 Gujarati Lekhan Kaushalya Nibandh Lekhan

Std 11 Gujarati Lekhan Kaushalya Nibandh Lekhan Questions and Answers

નિબંધ એટલે કોઈ ચોક્કસ વિષય પર અંગત વિચારોની વ્યવસ્થિત રજૂઆત. તેમાં નિશ્ચિત વિષયને વર્ણનાત્મક રીતે રજૂ કરવામાં આવે છે.

નિબંધલેખન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • આપેલા બે નિબંધોમાંથી એવો નિબંધ પસંદ કરો કે જેને તમે યોગ્ય ન્યાય આપી શકો.
  • પસંદ કરેલા નિબંધની કાચી નોંધ તૈયાર કરો. નિબંધને પેટામુદ્દાઓમાં વિભાજિત કરો.
  • નિબંધની શરૂઆત અનેક રીતે થઈ શકે. નિબંધની શરૂઆતમાં વિષયને અનુરૂપ સુવાક્ય કે કંડિકા મૂકીને શરૂઆત કરી શકો.
  • શરૂઆતના મુખ્ય મુદ્દાના પેટામુદ્દાઓને ક્રમશઃ લખો. દરેક પેટામુદ્દાને લખતાં નીચેની બાબતો ધ્યાનમાં રાખો:
    1. વાક્યો ટૂંકા, સરળ, સચોટ અને તમારા મુદાને યથાર્થ રીતે અભિવ્યક્ત કરતાં હોવાં જોઈએ.
    2. લેખનરૂઢિ અને લેખનસજ્જતાના તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને કાળજી તેમજ ચોકસાઈથી લખો. વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરો.
    3. અક્ષરો સુઘડ, સ્વચ્છ ને સુવાચ્ય, છેકછાક વિનાના હોવા જોઈએ.
    4. યોગ્ય અલંકારોનો ઉપયોગ, સહજ રીતે થતો હોય તો કરવો.
  • એક મુદ્દો પૂરો થતાં પરિચ્છેદ પાડો.
  • તમારા મૌલિક વિચારો, યોગ્ય રીતે વ્યક્ત થાય તે માટે પ્રયત્નશીલ રહો.
  • એકના એક મુદ્દાનું કે વિચારનું પુનરાવર્તન ન થાય તે જોવું. ન સમજાય એવાં વાક્યો કે ન સમજાય એવા શબ્દોનો ઉપયોગ ન કરવો.
  • નિબંધ લખી લીધા પછી ફરીથી તેને વાંચી જાઓ. ભૂલ હોય ત્યાં સુધારી લો. એકાદ મુદ્દો પાછળથી સૂઝે તો ટૂંકમાં નોંધ કરવી.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

નીચે આપેલા પ્રત્યેક વિષય પર આપેલા મુદ્દાઓને આધારે આશરે 200 શબ્દોમાં નિબંધ લખો.

1. વસંતનો વૈભવ
મુદ્દાઃ પ્રાસ્તાવિક – ભારતનો ઋતુક્રમ – વસંતનું માદક વાતાવરણ – વસંત અને માનવજીવન – વસંત: એક અજોડ ઋતુ – ઉપસંહાર

“આ ડાળડાળ જાણે કે રસ્તા વસંતના;
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના.”

– મનોજ ખંડેરિયા

કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો, ઉનાળો ને ચોમાસું એ ત્રણ મુખ્ય ઋતુઓ અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ છ પેટાતુઓ. આ ઋતુઓ આપણા જીવનને વિવિધતાથી ભરી દે છે. પ્રત્યેક ઋતુને પોતાનું આગવું સૌંદર્ય હોય છે. તેમાં પણ વસંત તો ઋતુરાજ છે. બધી ઋતુઓમાં વસંતનો વૈભવ સૌથી નિરાળો છે.

શિશિરઋતુ પછી વસંતઋતુનું આગમન થાય છે. વસંતઋતુની શરૂઆતથી જ ધરતીના અંગેઅંગમાં અનેરી સ્કૂર્તિનો સંચાર થાય છે. પ્રકૃતિને માંડવે વસંતને વધાવવા જાણે ઉત્સવ જેવું વાતાવરણ જામે છે. વાસંતી વાયરાના સ્પર્શથી વૃક્ષો અને વેલાઓમાં નવું ચેતન રેલાય છે.

આમ્રઘટામાં મંજરીઓ મહોરી ઊઠે છે. ખાખરાનાં વૃક્ષો પર કેસૂડાનાં લાલચટક ફૂલો ખીલી ઊઠે છે. કમળનાં ફૂલોથી સરોવરો શોભી ઊઠે છે. આમ, વસંતઋતુમાં ભાતભાતનાં પુષ્પો ખીલે છે. તેમનાં મનમોહક રંગો અને સુગંધ વસંતના અનુપમ સૌંદર્યમાં ઉમેરો કરે છે.

ભમરા પોતાના મધુર ગુંજારવથી અને કોયલ તેના કર્ણપ્રિય ટહુકાથી વાતાવરણને ભરી દે છે. ખરેખર, વસંતઋતુમાં પ્રકૃતિનું કામણગારું યૌવન પૂર્ણપણે ખીલી ઊઠે છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

વસંતત્રતુ માનવહૃદય પર પણ અનેરું કામણ કરે છે. એની માદક અસરથી માનવમન આનંદવિભોર થઈ જાય છે. આ ઋતુમાં માનવી વિવિધ ઉત્સવો ઉજવીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. આપણા દેશમાં આ ઋતુમાં વસંતપંચમી, હોળી અને ધુળેટીના ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે.

આ તહેવારોમાં ચોમેર ઊછળતાં અબીલગુલાલમાં જીવનનો ઉલ્લાસ છલકે છે. ઢોલ, ત્રાંસા અને મૃદંગના તાલ સાથે ગવાતાં વસંતનાં ગીતોની મીઠી ધૂન વાતાવરણને અનોખા આનંદથી ભરી દે છે.

વસંતનો માદક વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારોની પીંછીને સર્જનની અવનવી કેડીઓ તરફ દોરી જાય છે. મનોજ ખંડેરિયાએ વસંતનું આબેહૂબ શબ્દચિત્ર આપ્યું છે :

“મલયાનિલોની પીંછીને રંગો ફૂલોના લે,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના.”

વસંતઋતુ સાથે અન્ય કોઈ ઋતુની કલ્પના થઈ શકે નહિ. શરદનું પોતાનું સૌંદર્ય છે એ ખરું, પરંતુ વસંતના પ્રાકૃતિક વૈભવ આગળ એ શીતળ સૌંદર્ય ફિક્કુ લાગે છે. વર્ષાઋતુના વૈભવ કરતાં પણ વસંતનું ઉન્માદક સૌંદર્ય વધારે આકર્ષક લાગે છે.

વસંતઋતુ સમગ્ર પ્રકૃતિને નવી તાજગી બક્ષે છે. ખરેખર, વસંત ઋતુરાજ છે.

2. ઉનાળાનો બપોર
મુદ્દા: પ્રાસ્તાવિક– ઉનાળાના બપોરનો વૈભવ –બપોરે વ્યાપતી નિર્જનતા – પશુપંખીઓ પર અસર – માણસો પર અસર – ઉનાળાના લાભ – ઉપસંહાર

“આવ્યો આવ્યો બળબળ થતો, દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગનઝાળો”

– ઉમાશંકર જોશી

ઉનાળાના ધોમધખતા બપોરે સૂર્ય અગનગોળા જેવો હોય છે. તેમાંથી અગ્નિની સેરો છૂટતી હોય તેવું લાગે છે. આકાશ સ્વચ્છ અને સ્તબ્ધ થઈ ગયેલું હોય છે. કોઈક વાર આકાશમાં એકાદ શ્વેત વાદળી કે ચકરાવો લેતી સમડી દેખાય છે; પણ તે સિવાય આકાશમાં શૂન્યતા જ નજરે પડે છે.

ઉનાળાના ધોમધખતા બપોરે સમગ્ર વાતાવરણ ધગધગતી ભઠ્ઠી જેવું બની જાય છે. ગામડાનાં ભાગોળ, ચૌટાં, ગલીઓ, શેરીઓ અને શહેરના રાજમાર્ગો સૂમસામ બની જાય છે. કામ સિવાય કોઈ પણ માણસ બહાર ફરકતો નથી. પશુપક્ષીઓ છાંયડાનો આશ્રય શોધે છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

ભેંસો તળાવના કાદવમાં પડી રહે છે તો ગાયો કોઈ ઘટાદાર વડલા કે લીમડાનો આશરો લે છે. કૂતરાં અને ઘેટાં-બકરાં પણ ખૂણે-ખાંચરે છાંયડો શોધીને લપાઈ જાય છે. જ્યારે રાની પશુઓ બોડમાં કે વૃક્ષોની છાયામાં પડ્યાં રહે છે.

આમ, ગ્રીષ્મની અસહ્ય ગરમીથી પ્રાણીમાત્ર ત્રાહિમામ્ પોકારી ઊઠે છે.

ગ્રીષ્મઋતુમાં તળાવો અને કૂવાઓ પર સૂનકાર છવાઈ જાય છે, ખેતરો નિર્જન બની જાય છે. વાહનવ્યવહાર અને ધાંધલ-ધમાલથી કાયમ ધમધમતાં રહેતાં શહેરો ઉનાળાના બપોરે નિષ્ક્રિય અને નીરવ થઈ જાય છે. સમગ્ર પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પર અસહ્ય ઉકળાટનું મોજું ફરી વળે છે.

આવા બળબળતા બપોરે લૂ લાગવાથી કેટલાય માણસો અને પશુપંખીઓ તરફડીને મૃત્યુ પામે છે. ધરતી પણ ઊના નિઃશ્વાસ નાખી રહી હોય એવું લાગે છે.

આકાશમાંથી આકરો તાપ વરસી રહ્યો હોય ત્યારે મનુષ્યની અવદશાનો પાર રહેતો નથી. વૈશાખના બળબળતા બપોરે તે પોતાની પ્રવૃત્તિઓ થંભાવી દે છે. વગડામાં ધણને ચરાવવા નીકળેલા ગોવાળિયાઓ વડ કે પીપળાના છાંયડામાં વિશ્રામ કરે છે.

કેટલાક લોકો માથે ભીનાં પોતાં મૂકે છે. બારીબારણાં પર ખસની ટટ્ટીઓ લટકાવવામાં આવે છે. લોકો વીજળીના પંખા, એરકૂલર અને ઍરકંડિશનર વડે ગરમી સામે રક્ષણ મેળવે છે. તાપ અને ઉકળાટથી બચવા માટે કેટલાક લોકો માથેરાન.

મહાબળેશ્વર કે માઉન્ટ આબુ જેવાં હવા ખાવાના સ્થળે (Hill Station) જાય છે. તન અને મનને ટાઢક આપવા માટે લોકો ઠંડાં પીણાંની તેમજ આઇસક્રીમની મોજ માણે છે.

ગ્રીષ્મઋતુને પોતાનું આગવું સૌંદર્ય પણ છે. ચારે બાજુ ગરમાળો, ગુલમહોર, કેસૂડો, નીમમંજરી અને આમ્ર-મંજરી મહોરી ઊઠે છે. જાંબુ, કેરી, કલિંગર, સક્કરટેટી જેવાં મધુર અને ઠંડાં ફળો ગ્રીષ્મઋતુ પાસેથી આપણને મળતી ઉત્તમ બક્ષિસ છે.

કાકાસાહેબ કાલેલકર જેવા પ્રકૃતિપ્રેમીએ ગ્રીષ્મના મધ્યાહ્નમાંય રસ, સૌંદર્ય અને કાવ્યનું દર્શન કર્યું છે.

૩. મારું પ્રિય પુસ્તક
મુદ્દા પ્રાસ્તાવિક– સત્યના પ્રયોગો – પ્રખ્યાતિ પહેલાનું ગાંધીજીનું જીવન- સ્વાતંત્ર્ય-ચળવળના સેનાની અને રાષ્ટ્રપિતા – અન્ય ક્ષેત્રોમાં પ્રદાન – ભાષાશૈલી – ઉપસંહાર

“दे दी हमें आज़ादी, बिना खड्ग, बिना ढाल,
साबरमती के सन्त, तूने कर दिया कमाल।”

સારાં પુસ્તકો માનવીના ઉત્તમ મિત્ર અને માર્ગદર્શક બની શકે છે. તેમાં વ્યક્ત થયેલા ઉમદા વિચારો આપણા જીવનને ઉન્નત બનાવે છે. શ્રેષ્ઠ પુસ્તકોના વાચનથી આપણને જીવન જીવવાની કલા, નવી દષ્ટિ અને સર્વાગીણ કેળવણી મળે છે. મને પણ ઉત્તમ પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

મેં વાંચેલા કેટલાંક ઉત્તમ પુસ્તકોમાં મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો’ મારું સૌથી પ્રિય પુસ્તક છે.

“સત્યના પ્રયોગોમાં મહાત્મા ગાંધીના જીવનની વાસ્તવિક પરિચય મળે છે. નાનપણમાં એક સામાન્ય અને શરમાળ વિદ્યાર્થી ગાંધીજી પછીથી ભારતના રાષ્ટ્રપિતા બન્યા. આ મહામાનવની જીવનયાત્રાનો આ જાણે આલેખ છે.

આફ્રિકામાં ગાંધીજીએ રંગભેદની નીતિના વિરોધમાં સત્યાગ્રહ કર્યો, ત્યારથી જગતની રાજકીય ક્ષિતિજ પર એક યુગપ્રવર્તક નેતા તરીકે તેમનો ઉદય થયો. ઈ. સ. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડીને કાયમ માટે સ્વદેશ પાછા ફર્યા. એમણે ભારતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.

ભારતીય પ્રજાને ગાંધીજીના સ્વરૂપે લોકોનાં દુઃખ-દર્દો નિવારવા માટે કટિબદ્ધ થયેલો પ્રખર લોકનેતા મળ્યો. આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાની પ્રજાની કંગાલ દશા જોઈને ગરીબોના બેલી એવા ગાંધીજીનું અંતર કકળી ઊઠ્યું. આથી તેમણે માત્ર એક પોતડી પહેરવાનું શરૂ કર્યું !

એટલે જ સાબરમતીના આ સંતને ભારતની કૃતજ્ઞ પ્રજાએ રાષ્ટ્રપિતાના ગૌરવશાળી પદે સ્થાપ્યો છે.

ગાંધીજીએ સત્ય અને અહિંસા જેવાં આગવાં શસ્ત્રો વડે બ્રિટિશ સલ્તનત જેવી મહાસત્તા સામે બાથ ભીડી હતી.

ગાંધીજીનું કાર્ય માત્ર રાજકીય ક્ષેત્ર પૂરતું સીમિત નહોતું. તેમણે ભારતના લોકજીવનમાં ઘર કરી ગયેલાં અનેક સામાજિક દૂષણો સામે પણ આજીવન લડત ચલાવી અને અસ્પૃશ્યતા-નિવારણની બાબતમાં તેમને નોંધપાત્ર સફળતા મળી.

હિંદુ-મુસ્લિમ એકતા અને સ્ત્રીશિક્ષણનાં ક્ષેત્રોમાં પણ તેમણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. “સત્યના પ્રયોગો એ ગાંધીજીની આવી બધી પ્રવૃત્તિઓનો દસ્તાવેજ છે.

‘સત્યના પ્રયોગો’ની ભાષા સાદી અને સરળ છે, છતાં એમાં ગાંધીજીએ કરેલું તેમના જીવનપ્રસંગોનું વર્ણન રોચક અને ચોટદાર છે. એમાં ગાંધીજી પહેલાં પોતાની નબળાઈઓનો એકરાર કરે છે અને પછી પોતે તેમના પર કેવી રીતે વિજય મેળવ્યો, તે વિસ્તારથી જણાવે છે.

ગાંધીજીના દેશપ્રેમ, સાદાઈ, સત્યનિષ્ઠા, અહિંસા માટેનો આગ્રહ, દઢ ઇચ્છાશક્તિ, વિનમ્રતા વગેરે ગુણો આપણને ઘણી પ્રેરણા આપે છે.

‘સત્યના પ્રયોગો’ એ ખરેખર એક મહાન પુસ્તક છે. આજે આ પુસ્તક સંસ્કૃત ભાષામાં પ્રકાશિત થઈ રહ્યું છે તે ગૌરવની વાત છે. આવા પુસ્તકના વાચનથી આપણા વિચારો ઉન્નત બને છે અને ઉચ્ચ વિચારો જ માનવીને મહાન બનાવી શકે છે. ગુજરાતી આત્મકથાસાહિત્યમાં “સત્યના પ્રયોગો’નું વિશિષ્ટ સ્થાન છે.

4. આપણા તહેવારો
મુદ્દાઃ પ્રાસ્તાવિક – ઉત્સવોના પ્રકારો, ઉદાહરણો અને તેમનું મહત્ત્વ – ઉપસંહાર

એકધારા જીવનથી આપણે કંટાળી જઈએ છીએ. આપણને જીવન શુષ્ક લાગવા માંડે છે. વર્ષ દરમિયાન અવારનવાર આવતા તહેવારો આપણા જીવનને તાજગી અને ઉમંગથી ભરી દે છે. તહેવારો ઊજવવાથી આપણા સામાજિક સંબંધો વધે છે. આપણી રાષ્ટ્રીય ભાવના પણ વિકસે છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

તહેવારોના ત્રણ પ્રકારો છેઃ

  • ધાર્મિક,
  • સામાજિક અને
  • રાષ્ટ્રીય.

દિવાળી, હોળી, શિવરાત્રિ, દશેરા, જન્માષ્ટમી, ગણેશચતુર્થી, રામનવમી, મહાવીર જયંતી, પર્યુષણ, બકરી ઈદ, રમજાન ઈદ, પતેતી, નાતાલ, મહોરમ વગેરે ધાર્મિક તહેવારો છે. ધાર્મિક તહેવારો આપણી ધર્મભાવનાને દઢ કરે છે. આપણા જીવનમાં ધાર્મિક તહેવારોનું મહત્ત્વ વિશેષ છે.

દા. ત., અંબાજી માતાએ મહિષાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું. દસમા દિવસે મહિષાસુર હણાયો. આ યુદ્ધમાં અસત્ સામે સત્નો વિજય થયો. તેની યાદમાં નવરાત્રિ અને વિજયાદશમીનો તહેવાર ઊજવાય છે. વિજયાદશમીને દિવસે શ્રીરામે રાવણનો વધ કર્યો હતો.

શ્રીરામે લંકા પર વિજય મેળવ્યા પછી જે દિવસે અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો, એ પ્રસંગે લોકોએ ઘેરઘેર દીવા પ્રગટાવીને પોતાનો આનંદ પ્રગટ કર્યો હતો. એ પ્રસંગની યાદમાં દિવાળીનો તહેવાર ઊજવાય છે. રામનવમી, જન્માષ્ટમી, મહાવીર જયંતી, ગણેશચતુર્થી વગેરે તહેવારો અવતારી પુરુષો અને દેવોની સ્મૃતિમાં ઊજવાય છે.

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીથી આપણી રાષ્ટ્રીય ભાવના વિકસે છે. ઈ. સ. 1947ની 15મી ઑગસ્ટે આપણો દેશ આઝાદ થયો. તેની યાદમાં 15મી ઑગસ્ટનો દિવસ “સ્વાતંત્ર્યદિન’ તરીકે ઊજવાય છે. ઈ. સ. 1950ની 26મી જાન્યુઆરીના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું.

તેથી 26મી જાન્યુઆરીના દિવસને “પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવામાં આવે છે. ગાંધીજયંતી, બાલદિન, શિક્ષકદિન વગેરે તહેવારો આપણને આપણા દેશના મહાન નેતાઓની યાદ આપે છે. આપણે તેમનાં જીવન અને કાર્યોમાંથી પ્રેરણા મેળવીએ છીએ.

કેટલાક તહેવારો ધાર્મિક તહેવારો હોવા છતાં બધા જ ધર્મોના લોકો તેને આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. તેથી તે સામાજિક તહેવારો બની રહે છે. રક્ષાબંધન, ઉત્તરાયણ, દિવાળી, ભાઈબીજ, હોળી, નવરાત્રિ વગેરે તહેવારો સમાજના બધાં જ ધર્મના લોકો ઉત્સાહપૂર્વક ઊજવે છે.

શરદપૂર્ણિમા એ એક અનોખો તહેવાર છે. ચોમાસું પૂરું થતાં નવરાત્રિ બાદ શરદપૂર્ણિમાનો તહેવાર ઊજવવામાં આવે છે.

તહેવારોમાં આપણે મંદિર જઈએ છીએ, નવાં કપડાં પહેરીએ છીએ, એકબીજાને મળવા જઈએ છીએ અને ભોજનમાં મીઠાઈ તથા સ્વાદિષ્ટ વાનગીઓ જમીએ છીએ. ભારતીય સંસ્કૃતિનું જતન કરવા માટે તેમજ આપણી રાષ્ટ્રીય અને ધાર્મિક ભાવનાને વિકસાવવા માટે પણ તહેવારો ઊજવવાનું આવશ્યક છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

5. વૃક્ષનું જતનઃ આબાદ વતન
મુદ્દાઃ પ્રાસ્તાવિક–વૃક્ષોની ઉપયોગિતા –વસ્તીવધારા સાથે ઊભા થયેલા પ્રદૂષણના પ્રશ્નો – પ્રદૂષણના પ્રશ્નોનો ઉકેલ – ઉપસંહાર

આઝાદી પછીનાં પચાસ વર્ષ દરમિયાન ભારતમાં વસ્તીવધારાને લીધે અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જંગલોનો વિનાશ થયો અને ત્યાં સિમેન્ટ, કોંક્રીટનાં જંગલો ઊભાં થયાં. આથી હવા, પાણી અને અવાજનાં પ્રદૂષણ વધ્યાં છે.

માનવજીવન ભયમાં મુકાઈ ગયું છે. પ્રદૂષણને નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્ત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ અને વૃક્ષોનો ઉછેર. વૃક્ષો વાવો, જીવન બચાવો.

વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પાંદડાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે તેમજ બાળકો રમે છે. વૃક્ષો ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવો ઉજ્જડ લાગે છે.

વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વૃક્ષો ઇમારતી લાકડું અને બળતણ આપે છે. કેટલાંય વૃક્ષોનાં મૂળિયાં અને પાંદડાં ઔષધિ તરીકે વપરાય છે.

કેટલાંક વર્ષો પૂર્વે આપણા દેશમાં જંગલોથી પશુઓનું અને એ પશુઓથી જંગલોનું રક્ષણ થતું, વાતાવરણમાં ઠંડક રહેતી. હવા શુદ્ધ રહેતી. પુષ્કળ વરસાદ વરસતો. આમ, જંગલો આપણા માટે આશીર્વાદરૂપ હતાં; પરંતુ આપણા દેશમાં વસ્તીવધારાને કારણે વસાહતો, કારખાનાં, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત વધતી ગઈ.

વળી, બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે લાકડાંની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતાં ગયાં. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટી ગયો. ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. જેટલાં વૃક્ષો કપાયાં તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં નહિ.

પરિણામે વરસાદનું પ્રમાણ પણ સતત ઘટતું રહ્યું. ભૂગર્ભજળનું સ્તર સતત નીચું જવા માંડ્યું. પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જ ગયું.

આજે આપણને વૃક્ષોનું મહત્ત્વ સમજાયું છે. આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યા છેઃ “વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, “એક બાળક, એક ઝાડ’, વગેરે. આ બધાં સૂત્રો દ્વારા વૃક્ષોનો મહિમા સૂચવાયો છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

5મી જૂન વિશ્વ પર્યાવરણદિનતરીકે ઊજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચાવિચારણા થાય છે. આપણા દેશમાં વર્ષાઋતુ દરમિયાન વનમહોત્સવ પણ ઊજવાય છે.

તે વખતે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનોમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેમનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમો યોજવાથી વૃક્ષોની સંખ્યામાં વધારો થયો છે.

એના લીધે સૃષ્ટિસૌંદર્યમાં પણ વધારો થયો છે. આ રીતે, આપણા આજના જટિલ પ્રશ્નો – હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણને પણ દૂર કરી શકાશે. વૃક્ષો આપણને સંતની જેમ પરોપકારી થવાનો બોધ આપે છે. આપણે વધુ ને વધુ વૃક્ષો ઉગાડીને પ્રદૂષણને ઘટાડવાનું કામ કરીએ. વૃક્ષો ઉગાડીને જ આપણી પૃથ્વીનું રક્ષણ કરીએ.

વૃક્ષો વાવો, વરસાદ લાવો.
વૃક્ષો ઉગાડો, સૃષ્ટિ બચાવો.

6. ધરતીનો છેડો… ઘર
મુદ્દા: પ્રાસ્તાવિક– ઘર એક આશ્રયસ્થાન – કોને ઘર ન કહી શકાય?– “ધરતીનો છેડો – ઘર” ઉક્તિનું રહસ્ય – ઉપસંહાર

દેશમાં કે પરદેશમાં ફરવા નીકળ્યા હોઈએ, ત્યારે અમુક સમયે આપણને ઘરની યાદ સતાવવા લાગે છે. આવું કેમ થતું હશે? આ પ્રશ્નનો એક જ ઉત્તર છે: સૌને પોતાનું ઘર વહાલું લાગે છે. આથી “ધરતીનો છેડો – ઘર’ એવી કહેવત પડી છે.

સવારે દાણા ચણવા બહાર ગયેલાં પંખીઓ સાંજે પોતાના માળામાં પાછાં ફરે છે. સવારે નોકરી-ધંધે ગયેલા લોકો સાંજે પોતાને ઘેર પાછા આવે છે. સવારે ખેતરમાં કામ કરવા ગયેલા ખેડૂતો સાંજે ઘેર પાછા ફરે છે. સવારે ચારાની શોધમાં ગાય-ભેંસનાં ધણ લઈ નીકળેલા ગોવાળિયા પણ સાંજે એમનાં ધણ સાથે ઘર ભણી પાછાં વળે છે. આમ, માનવી, પશુ અને પક્ષી – એ ત્રણેયને સાંજ પડ્યું, પોતપોતાના ઘરે પાછા ફરવાથી જ ચેન મળે છે.

ઘર એ માણસનું, માળો એ પક્ષીનું અને ગુફા કે બોડ એ હિંસક પશુઓનું આશ્રયસ્થાન છે. સાંજે આ સૌ પોતપોતાના આશ્રયસ્થાનમાં આવીને વિશ્રામ કરે છે. જીવમાત્રને પોતાના ઘરમાં જ નિરાંત અને શાંતિનો અનુભવ થાય છે.

સાંજે ઘરે આવેલો માણસ જમી પરવારીને નિરાંતે બેસે છે. તે પોતાનાં બાળકો અને પત્ની સાથે સુખદુઃખની વાતો કરે છે. શાળાએથી છૂટી સાંજે ઘેર આવેલાં બાળકો માતા-પિતા અને કુટુંબીજનોની સાથે મોકળા મનથી હળે મળે છે. ઘરના ઉષ્માભર્યા વાતાવરણમાં બાળકોને સારી તાલીમ મળે છે.

તેમનામાં માતા-પિતાના ઉત્તમ સંસ્કારો ઊતરે છે. આમ તો ઘર અને નિશાળ – બંને બાળકની તાલીમશાળા ગણાય છે; પણ બાળકનો મોટા ભાગનો વિકાસ તો તેના ઘરમાં જ થાય છે. જ્યારે ઘરની કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે તમામ કુટુંબીજનો તેની પ્રેમપૂર્વક સેવા કરે છે. સંયુક્ત કુટુંબમાં વડીલોની હાજરીથી બધાને હૂંફ મળે છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

પરંતુ, જે ઘરના સભ્યોમાં પરસ્પર માટે કોઈ લાગણીનો ભાવ કે માયામમતા ન હોય તેને ઘર ન કહી શકાય. કુટુંબની દરેક વ્યક્તિમાં એકમેકને મદદરૂપ થવાની ભાવના હોય તે ઘર જ સાચું ઘર કહેવાય.

“ખીલવું એમાં જરૂરી છે કમળ,
ફક્ત જળથી કોઈ સરવર ના બને.”

કવિશ્રી રિષભ મહેતાની આ ઉક્તિ ઘરને માટે પણ એટલી જ સાચી છે.

ઘર નાનું હોય કે મોટું, કાચું હોય કે પાકું, પણ માનવીને એ પ્રિય હોય છે. કોઈનો મહેલ જોઈને પોતાની ઝૂંપડી તોડી ન પડાય.” એ કહેવતમાં ઘરનો સાચો મહિમા સૂચવાયો છે. માનવીને પોતાના ઘરમાં જે સુખ અને શાંતિનો અનુભવ થાય છે, તે અનુભવ તેને અન્યત્ર ક્યાંય થઈ શકતો નથી.

વ્યક્તિ દુનિયાના ગમે તે ખૂણે જાય, છે ત્યાં ગમે તેટલી સારી સુખ-સગવડો ભોગવે, પણ આખરે તો એને કંઈક ખૂટતું લાગે છે. આ કંઈક’ એ જ એનું “ઘર’ છે.

માણસ ગમે ત્યાં જાય પણ પરત આવી પોતાના ઘરમાં પ્રવેશે ત્યારે જ તેને હાશ’નો અનુભવ થાય છે. ભાંગ્યું-તૂટ્યું પોતાનું ખોરડુંય માણસને અતિ વહાલું લાગે છે. તેથી જ ધરતીનો છેડો ઘર’ છે, એમ કહેવાયું છે.

વિશાળ અર્થમાં માણસનું વતન એ તેનું ઘર છે. વતનની ? માટીમાં આપણને જે આનંદ મળે તે વિદેશના મહાલયોમાંય ન મળે. વતનના ખોરડામાં આપણને જે સુખશાંતિ અને હૂંફનો અનુભવ થાય, એ જગતના કોઈ પણ સ્થાને ન થાય.

ઘરના રોટલા જેવી મીઠાશ ૨ પંચતારક હોટલના વૈભવશાળી ભોજનમાં પણ ન મળી શકે. તેથી જ કવિશ્રી આદિલ મનસૂરીએ લખ્યું છેઃ

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
ફરી આ ધૂળ ઉમ્રભર મળે, ન મળે.”

7. નારી તું નારાયણી
મુદ્દા : પ્રાસ્તાવિક – નારીનો મહિમા – આર્ય નારીની મહાનતા – આર્ય નારી પર પશ્ચિમની અસર – કુટુંબના કેન્દ્રસ્થાને નારી – ઉપસંહાર

નારી ખરેખર નારાયણી છે. એની સમર્પણભાવના વિશ્વમાં અજોડ છે.

મહાકવિ વાલ્મીકિએ સીતા જેવા પ્રેરક પાત્રનું સર્જન કર્યું. તેમણે ત્યાગ અને સહનશીલતાની મૂર્તિ સમી લક્ષ્મણની પત્ની ઊર્મિલાનું પાત્ર સર્યું. મહાભારતકાર વ્યાસે દ્રોપદીના પાત્ર દ્વારા નારીધર્મનો મહાન આદર્શ રજૂ કર્યો.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

અર્વાચીન સાહિત્યકારોએ પણ માનવીના જીવનમાં નારીના ગૌરવભર્યા અને મહત્ત્વપૂર્ણ સ્થાનને ઊમળકાભેર બિરદાવ્યું છે. નારીશક્તિ સભ્યતા અને સંસ્કૃતિનો સ્રોત છે. સમાજ અને દેશના નવનિર્માણમાં તેનો હિસ્સો ઘણો મોટો છે. આજે પ્રત્યેક ક્ષેત્રમાં નારીએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રાજકારણ, વિજ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રે સ્ત્રીઓ મહત્ત્વપૂર્ણ ફાળો આપી રહી છે.

નારીનું જીવન સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું 3 મહાકાવ્ય છે. ભારતીય નારીએ પતિ અને કુટુંબની સેવાને પોતાનો ધર્મ ગણ્યો છે. કુટુંબ, સમાજ કે દેશના હિત ખાતર ધૂપસળીની જેમ જલી જઈને સુવાસ ફેલાવવામાં તેણે ગૌરવ અનુભવ્યું છે.

જીવતરનાં ઝેર તેણે જાણી જાણીને પીધાં છે. ભારતની નારીએ પોતાના હક ખાતર ક્યારેય બંડ કે ક્રાંતિ કરી નથી. એણે પોતાના અધિકારોની પરવા કર્યા વિના પોતાની ફરજો ઉત્તમ રીતે બજાવી છે. નારી પોતાનો સંપૂર્ણ સ્નેહ કુટુંબને સમર્પી દે છે. માટે જ નારી એ “નારાયણી’ છે.

આજની નારી વિનમ્ર, વિવેકી અને ઉદારમના છે. એ અબળા નથી, પણ સાક્ષાત્ શક્તિસ્વરૂપા છે. કુટુંબના હિતમાં જીવનનું સમર્પણ કરતી નારી સમય આવ્યે રણચંડી પણ બની શકે છે. ભૂતકાળમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, અહલ્યાબાઈ હોલકર વગેરે વીરાંગનાઓએ ભારતને ગૌરવ અપાવ્યું હતું. મૅડમ ક્યૂરી, ફ્લોરેન્સ નાઇટિંગલ અને મધર ટેરેસા જેવી મહાન નારીઓનાં જીવન નારીમાં રહેલી મહાશક્તિની પ્રતીતિ કરાવે છે.

આધુનિક ભારતની નારી પર પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર પડી છે. પુરુષસમોવડી બનવાના ઉત્સાહમાં તે પોતાના ઘરના ચોકઠામાંથી બહાર નીકળી છે. આજે ભારતીય નારીએ સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને વ્યાવસાયિક, એમ દરેક ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ સાધી છે.

આમ છતાં, ભારતીય નારીએ પોતાની ઉચ્ચ સંસ્કારિતા જાળવી રાખી છે. ભવિષ્યમાં પણ ભારતીય નારી પોતાનાં ગૌરવ તથા આત્મસન્માનને ટકાવી રાખે અને જગતની નારીઓને ઉચ્ચ સંસ્કારિતાની પ્રેરણા આપે એ ઇચ્છવાયોગ્ય છે.

આદર્શ નારીનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. કુટુંબમાં તે કેન્દ્રસ્થાને છે. જ્યાં પુરુષને શિરે કુટુંબની આર્થિક જવાબદારી હોય છે ત્યાં કુળની મર્યાદા અને ઘરના વ્યવહારો સાચવવાની જવાબદારી નારી નિભાવે છે. આદર્શ કુળવધૂ,

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

પતિવ્રતા પત્ની અને વાત્સલ્યમયી માતા તરીકે નારી સંસારની વ્યવસ્થામાં પાયાનું યોગદાન આપે છે. આવી નારીને પ્રાચીનકાળની આ ઉક્તિ યથાર્થ રીતે લાગુ પાડી શકાય છે: “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત રમત્તે તત્ર દેવતા: I’ અર્થાત્ જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવોનો વાસ હોય છે.

8. માતૃપ્રેમ
મુદ્દા: પ્રાસ્તાવિક – માતાનાં અનન્ય ત્યાગ અને વાત્સલ્ય -નિઃસ્વાર્થ પ્રેમ –બાળકના ઘડતરમાં માતાનો ફાળો – જનનીની અજોડતા – માતાને ભવ્ય અંજલિ – પશુપક્ષીઓમાં માતૃપ્રેમ – ઉપસંહાર

“વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે,
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.”

ઉપરની પંક્તિઓમાં કવિશ્રી બોટાદકરે માતૃપ્રેમની અપાર મહત્તા ગાઈ છે. જગતના સૌ સ્નેહસંબંધોમાં માતાનું સ્થાન, સર્વોચ્ચ અને અનન્ય છે.

માતા પોતાના બાળકના સુખને ખાતર કેટલો બધો ભોગ આપે છે! તે દિવસરાત બાળકની સુખાકારીની ચિંતા કરતી રહે છે. બાળકની સંભાળ રાખવામાં તે જરાય ઊણપ રહેવા દેતી નથી. બાળકના ઉછેર, વિકાસ અને શિક્ષણની પાછળ તે પોતાની બધી શક્તિ ખર્ચી નાખે છે.

બીમાર કે અપંગ બાળક પ્રત્યે માતાનાં હૈયામાં વિશેષ પ્રેમ છલકાય છે. માતૃવાત્સલ્યની મીઠી વીરડી સંજોગોના ગમે તેવા સખત તાપમાંય સુકાતી નથી. ખરેખર, માતાનો ત્યાગ અને વાત્સલ્યને કોઈ સીમા નથી હોતી. એટલે જ કહેવાયું છે કે મા તે મા ! બીજા બધા વગડાના વા !

પોતાનાં સંતાનો પ્રત્યેનો માતાનો પ્રેમ નિઃસ્વાર્થ અને નિરપેક્ષ હોય છે. પુત્ર કદાચ કુપુત્ર નીવડે, પણ માતા કદી કુમાતા બનતી નથી. બાળક અપંગ હોય, કદરૂપું હોય કે મંદ બુદ્ધિનું હોય તોપણ માના વાત્સલ્યમાં જરાય ફરક પડતો નથી!

બાળકના માનસિક ઘડતરમાં માતાનો ફાળો સૌથી વિશેષ હોય છે. શિક્ષકો બાળકને માત્ર પુસ્તકની કેળવણી આપે છે, પરંતુ બાળકને જીવનોપયોગી કેળવણી તો માતા પાસેથી જ મળે છે. માતા બાળકના જીવનમાં ઉચ્ચ સંસ્કારો સીંચે છે.

માતાના વાત્સલ્યથી અને સંસ્કારસિંચનથી બાળકનું જીવન ઘડાય છે. તેથી જ એવું કહેવાય છે કે, એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.” છત્રપતિ શિવાજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોકમાન્ય ટિળક વગેરે મહાપુરુષોનાં જીવનઘડતરનું શ્રેય તેમની માતાઓને જ ફાળે જાય છે.

માતાની લાગણીની હૂંફ બાળકના જીવનની અણમોલ સંપદા છે. હાલપનાં અમીથી છલકાતી માતાની આંખોમાં અજબ સંજીવની હોય છે. ખરેખર, માતા તો સર્વોત્તમ તીર્થધામ છે. માતૃપ્રેમથી વંચિત રહેનાર બાળકના જીવનમાં કદી પૂરી ન શકાય એવી અપૂર્ણતા રહી જાય છે. કવિવર પ્રેમાનંદે યથાર્થ જ કહ્યું છે,

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર.”

માતાઓએ જગતને અસંખ્ય મહાપુરુષોની ભેટ આપી છે. જગત પર શાસન કરનારાઓનાં હૃદય પર માતાના નિર્મળ વાત્સલ્યનું શાસન પ્રવર્તતું હોય છે. એટલે જ કહેવાયું છેઃ જે કર ઝુલાવે પારણું, (The hand that rocks the cradle, rules the world). કવિશ્રી મલબારીએ ધરતીમાતાને જે ભવ્ય અંજલિ આપી છે તે દરેક માતાને પણ લાગુ પડે છે : “અપ દઉં સો જન્મ એવડું મા તુજ લહેણું !”

પશુપક્ષીઓમાં પણ માતૃપ્રેમનું તત્ત્વ જોઈ શકાય છે. ચકલી પોતાનાં બચ્ચાંને કેવી માવજતથી ઉછેરે છે! ગાય પોતાના વાછરડા પ્રત્યે કેવું વહાલ વરસાવે છે ! પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટે હરણી સિંહ સાથે બાથ ભીડતાં પણ અચકાતી નથી!

દેવોનેય દુર્લભ એવો નિઃસ્વાર્થ અને નિર્ચાજ માતૃપ્રેમ, એ મનુષ્યને ઈશ્વરે પ્રદાન કરેલું અમૂલ્ય વરદાન છે.

9. મંદિરના દેવ બોલે છે…
મુદ્દા : પ્રાસ્તાવિક– મંદિરમાં આવતા ભક્તોનો આડંબર – સાચા ભક્તો – ઉપસંહાર

ગઝલસમ્રાટ શયદાની આ પંક્તિઓ મને ઘણી વાર યાદ આવે છે:

મને એ જોઈને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે!”

માનવના સંદર્ભમાં આ વાત કેટલી યથાર્થ છે! થોડા સાચા ભક્તોને બાદ કરતાં, આજે વિશાળ માનવસમુદાય મને ખુલ્લેઆમ છેતરી રહ્યો હોય એમ લાગે છે.

માનવી એમ માની બેઠો છે કે મારા નિરંજન, નિરાકાર અને સર્વવ્યાપી રૂપને બદલે પાષાણની આ પ્રતિમાની પૂજા કરવાથી તેને ગમે તેમ વર્તવાનો પરવાનો મળી જાય છે. સૃષ્ટિના અણુએ અણુમાં ધબકતા મારા હૃદયને દિવસરાત દુભવ્યા પછી, માનવી અહીં આવીને મને રીઝવવા અનેક ઉપાયો કરે છે. મારી દિવ્ય જ્યોતિથી આખું જગત પ્રકાશિત થાય છે, છતાં અણસમજુ માનવ મને નાનકડા દીવાથી રીઝવવા મથે છે.

માનવી મેં જ સર્જેલાં સુકોમળ પુષ્પોને નિષ્ઠાણ બનાવીને મારી સામે ધરે છે. તે મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણો પહેરી મારી પાસે આવે છે ત્યારે તે મને ઝાંખો પાડવા પ્રયત્ન કરતો હોય એમ લાગે છે. મને બહેરો અને બેધ્યાન સમજીને, જાણે મને શુદ્ધિમાં લાવવા પ્રયત્ન કરતો હોય એમ, તે જોરશોરથી ઘંટ વગાડે છે. આ દેવાલયની બહાર ટળવળતાં દુઃખી માનવોનાં હૃદયના ચિત્કારો મારે કાને ન પડે તે માટે કદાચ તે આ ઘોંધાટ કરતો હશે!

આજે માનવી કેટકેટલા પ્રપંચમાં અટવાઈ ગયો છે! એ અહંકાર કરે છે, અપશબ્દો ઉચ્ચારે છે, ખોટું બોલે છે, બીજાને નુકસાન પહોંચાડવા હંમેશાં આતુર રહે છે, બીજાની નિંદા અને બૂરાઈ કરે છે, એ અણહકનું ઝૂંટવી લે છે, ધર્મના નામે ઝઘડા કરે છે, સંપ્રદાયના નામે એકબીજાનો દ્વેષ કરે છે, એ ઈર્ષાની આગમાં બળતો રહે છે, કપટ અને છળ એની ટેવ બની છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

આવું બધું કરવા છતાં એ માને છે કે મંદિરમાં જઈ દેવનાં દર્શન કરવાથી પવિત્ર થઈ જવાશે અને ઈશ્વર મારાં બધાં દુષ્કૃત્યો માફ કરી દેશે. માનવીની આવી અણસમજ જોઈ મને ખરેખર દુઃખ થાય છે.

આનો અર્થ એ નથી કે કેવળ પાખંડીઓ જ મારા મંદિરમાં આવે છે. જગતની જંજાળથી કંટાળેલા પરમ શાંતિના ઉપાસકો પણ અહીં આવે છે. તેઓ મને રીઝવીને દુન્યવી સિદ્ધિઓ મેળવવાની ઝંખના સેવતા નથી.

તેમને માનવજીવનની ક્ષણભંગુરતા અને સૃષ્ટિસંચાલન પાછળ રહેલી શક્તિની સમજ હોય છે. ઊંડું પાણી સપાટી પરથી શાંત અને સ્થિર જણાય છે, તેમ આવા ભક્તોનું બાહ્ય વર્તન આડંબર રહિત હોય છે. દુર્ભાગ્યે આવા સાધકો વિરલ હોય છે.

મેં સર્જેલા જીવોમાંથી ફક્ત માનવી જ પોતાના હૃદયની નિર્મળતા દ્વારા મારી સર્વોચ્ચ શક્તિનો સાક્ષાત્કાર કરી શકે છે. માનવીનું આત્મતત્ત્વ સમગ્ર સૃષ્ટિના આત્માથી અભિન્ન છે. એ આત્મતત્ત્વને અનુભવવા માટે માનવીએ નિરભિમાની અને નિષ્કામ બનવું જોઈએ.

પોતાના અહમ્ભાવને સદંતર ઓગાળી નાખનાર અને આજીવન નિઃસ્વાર્થ સમાજસેવા કરનાર માનવી મંદિરમાં ન આવતો હોય તોય હંમેશાં મારી સમીપ જ રહે છે.

10. પરિશ્રમ એ જ પારસમણિ
મુદ્દા : પ્રાસ્તાવિક – શ્રમ પ્રત્યે આપણા દેશમાં પ્રવર્તતી સૂગ – મહાપુરુષોનાં ઉદાહરણો – શ્રમ કરવાના ફાયદા – બદલાતો દષ્ટિકોણ – ઉપસંહાર

શ્રમ એ સફળતાની ગુરુચાવી છે. જીવનમાં ડગલે ને પગલે શ્રમની મહત્તાનાં દર્શન થયા કરે છે. તમામ મહાપુરુષોએ શ્રમ કરવાનો ઉપદેશ આપ્યો છે. બાઇબલમાં કહ્યું છે કે, “તું તારો પરસેવો પાડીને તારી રોટી કમાઈ ખાજે.” પરિશ્રમ કર્યા વિના બીજાએ કરેલા પરિશ્રમનું ફળ પડાવી લેનાર મનુષ્યને ગીતામાં “ચોર’ કહ્યો છે.

પરિશ્રમનો અર્થ થાય છે – “જાતમહેનત”. એમાં મજૂરી અથવા વૈતરું અભિપ્રેત નથી. માણસે માત્ર એશઆરામ કરવાને બદલે પોતાનાં કામો જાતે કરવાં જોઈએ. પોતાનાં કોઈ પણ કામ પ્રત્યે શરમ, ઉપેક્ષા કે ધૃણા ન રાખીએ તો જ શ્રમનું યથાર્થ ગૌરવ સમજી શકીએ.

કમનસીબે આપણો શિક્ષિત સમાજ શ્રમથી વેગળા રહેવાનું વલણ ધરાવે છે. લોકો કડિયા, સુથાર, દરજી કે ખેડૂત જેવા શ્રમજીવીઓ પ્રત્યે આદરની લાગણી ધરાવતા નથી. કારકુનો અને અન્ય અધિકારીઓ મોટા ભાગનાં કાર્યો બીજા પાસે કરાવવામાં જ પોતાની મહત્તા સમજે છે.

શ્રીમંત માણસો પોતાનું બધું કામ નોકરો પાસેથી કરાવવામાં ગૌરવ અને આનંદ અનુભવે છે. શારીરિક શ્રમ પ્રત્યેની આવી ઉપેક્ષાવૃત્તિ આપણા સમાજમાં સર્વત્ર જોવા મળે છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

ધર્મોમાં શ્રમને તપનો દરજ્જો આપવામાં આવ્યો છે. જગતના મહાપુરુષોની મહત્તાના મૂળમાં શ્રમ રહેલાં છે. આપણા રાષ્ટ્રપિતાનું જીવન શ્રમના મહાકાવ્ય જેવું હતું. તેમના આશ્રમમાં રહેનારા તમામ લોકો માટે સ્વાવલંબન અને શ્રમ એ બે મુખ્ય શરતો હતી.

“આરામ હરામ હૈ’નું સૂત્ર આપનાર નેહરુજી શ્રમના અનન્ય ઉપાસક હતા. પશ્ચિમના દેશોમાં નાનામોટા બધા માણસો પોતાનાં બધાં કામો જાતે કરે છે. જાપાન અને જર્મની જેવા દેશોની પ્રજાએ શ્રમ અને સ્વાશ્રય વડે થોડા જ વર્ષોમાં અદ્ભુત પ્રગતિ સાધી છે.

જાતમહેનતથી જ મનુષ્યનું શરીર ઘડાય છે અને મન પ્રફુલ્લિત રહે છે. શ્રમથી વ્યવસ્થાશક્તિ ખીલે છે અને મનોબળ દઢ બને છે. શ્રમ કરનાર માણસ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક અને સમયસર કરી શકે છે. એને કદી પારકી આશ સદા નિરાશનો કટુ અનુભવ કરવો પડતો નથી. વળી શ્રમથી પ્રાપ્ત કરેલી વસ્તુ વધુ પ્રિય લાગે છે.

જાતે શ્રમ કરનાર માણસ સમય અને નાણાંની કરકસર કરી શકે છે અને બહોળો અનુભવ મેળવી શકે છે. શ્રમ કરનાર માણસ તેના ઘરમાં, કુટુંબમાં અને સમાજમાં માન પામે છે. સખત પરિશ્રમ કરનાર વ્યક્તિ ઉજ્વળ અને નિશ્ચિત ભાવિનું ઘડતર કરી શકે છે.

જે દેશના લોકો પરિશ્રમનું ગૌરવ કરે છે, તે દેશ ઝડપી પ્રગતિ સાધી શકે છે. પરિશ્રમરૂપી પારસમણિ દુ:ખને સુખમાં, નિરાશાને આશામાં અને નિષ્ફળતાને સફળતામાં ફેરવી શકે છે! પરિશ્રમ અને પુરુષાર્થના બળ વડે જ મનુષ્ય વિકાસની ક્ષિતિજો સર કરી છે.

સસીબે હવે આપણા દેશવાસીઓને પણ શ્રમનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. આપણી હાલની શિક્ષણપદ્ધતિમાં પણ શ્રમને સાંકળી લેવાની તાતી જરૂરિયાત છે.

એક કવિએ ખરું જ ગાયું છે, “સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે હાય.” ખરેખર, શ્રમના સાધકો દ્વારા જ નૂતન ભારતનું નિર્માણ થઈ શકશે.

11. મારા દાદાજી
મુદ્દા : પ્રાસ્તાવિક – દાદાજીનું વ્યક્તિત્વ- કુટુંબ પર દાદાજીનો પ્રભાવ – એમની પ્રવૃત્તિઓ – સુખદ-મધુર સંસ્મરણો – ઉપસંહાર

કોઈ પણ વ્યક્તિને મુદ્દલ કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે, એ ન્યાયે હું મારા દાદાજીને ખૂબ જ વહાલો હતો. મને મારાં મમ્મી-પપ્પા પ્રત્યે પ્રેમ અને આદર હોય એ સહજ છે; પણ દાદાજી પ્રત્યેનાં મારાં સ્નેહ અને આદર તો અસીમ હતાં.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

અમારા કુટુંબને માટે વટવૃક્ષ સમા મારા દાદાજી આજે તો હયાત નથી. પણ એમની સાથે સંકળાયેલાં કેટલાંક મધુર અને સુખદ સંસ્મરણો મારા સ્મૃતિપટ પર સચવાઈ રહ્યાં છે. જ્યારે એ સંસ્મરણોને વાગોળું છું, ત્યારે દાદાજી મારી સામે જ હોય, એવી અનુભૂતિ થાય છે.

દાદાજીના સંપર્કમાં આવનાર કોઈ પણ વ્યક્તિ તેમના ચુંબકીય વ્યક્તિત્વથી પ્રભાવિત થયા વગર રહેતી નહિ. લાંબા અને વાંકડિયા વાળ, ભરાવદાર મૂછો, વિશાળ ભાલપ્રદેશ, અણિયાળું નાક, જીવનના ગાઢ અને ઊંડા અનુભવની ઝાંખી કરાવતી પાણીદાર આંખો, ઘાટીલી ડોક, વિશાળ બાહુઓ, પડછંદ કાયા અને સાવજ જેવી છટાદાર ચાલ – આવું હતું મારા દાદાજીનું બાહ્ય વ્યક્તિત્વ.

જીન્સનું પેન્ટ અને ટી-શર્ટ એ એમનો મનગમતો પોષાક. હા, સામાજિક પ્રસંગોએ તે લેંઘો-ઝભ્ભો પણ પહેરતા. ઘેરા અને ગંભીર અવાજે પોતાની યુવાવસ્થાની રોમાંચક વાતો કહેતા દાદાજી મને હંમેશાં એક આધુનિક પુરુષ જેવા લાગ્યા છે.

અમારા પરિવારને માટે દાદાજી એક ઘેઘૂર વડલા જેવા હતા. અમારા કુટુંબ, પરિવાર તેમજ સ્વજનોના સારામાઠા તમામ પ્રસંગોમાં દાદાજી અવશ્ય હાજર હોય જ. દાદાજીની ઉપસ્થિતિમાં અમારા નાનકડા સંસારનો મોટામાં મોટો અને જટિલમાં જટિલ પ્રસંગ પણ એકદમ સહજ રીતે પૂરો થતો.

અમારા વિશાળ પરિવારમાં સંસારના ક્રમ મુજબ કંઈ ને કંઈ ઉપાધિ આવ્યા કરતી હતી. ક્યારેક કોઈ સાજું-માંદુ થયું હોય તો ક્યારેક કોઈ બુઝુર્ગ દિવંગત થયા હોય. આવા બનાવોમાં દાદાજી પૂરેપૂરી સ્વસ્થતા જાળવતા. ગમે તેટલી વિપરીત પરિસ્થિતિ પણ દાદાજીની સ્વસ્થતાને ચલિત કરી શકતી નહિ. અમારા પરિવારમાં અવારનવાર નાનામોટા મતભેદો ઊભા થતા.

દાદાજીએ એવા મતભેદોમાંથી સર્વસ્વીકાર્ય એવો માર્ગ શોધી આપીને અમારા પરિવારને હંમેશાં અકબંધ રાખ્યો હતો. અમારા કુટુંબમાં નાનાંમોટાં સૌ તેમની આમન્યા રાખતાં.

અમારા જ્ઞાતિ-સમાજમાં પણ એમનું ભારે વર્ચસ્વ હતું. જ્ઞાતિની મીટિંગોમાં, સભાઓ અને મેળાવડાઓમાં દાદાજીનો શબ્દ આખરી ગણાતો. સૌ જ્ઞાતિજનો એમને સારી પેઠે ઓળખતા અને એમને પુષ્કળ માન આપતા. ઘણી બધી સામાજિક સંસ્થાઓમાં દાદાજી ઉદારતાપૂર્વક દાન આપતા અને પોતાની સેવાઓ પણ આપતા. નિષ્કામ કર્મ એ દાદાજીનો જીવનમંત્ર હતો.

હું નાનો હતો ત્યારે રોજ સવારે અને સાંજે દાદાજી મને ફરવા લઈ જતા. રસ્તામાં મને તેમની પાસેથી જ્ઞાન-વિજ્ઞાનની અનેક વાતો સાંભળવા મળતી, જે આજેય મારા જીવનનું અમૂલ્ય ભાથું બની રહી છે. અનેક જાહેર સમારંભોમાં દાદાજીની સાથે સામેલ થવાની મને તક મળી હતી.

દાદાજી બપોરના સમયમાં થોડોક આરામ કરતા. એ સિવાયનો તેમનો સઘળો સમય વાંચન, લેખન, મીટિંગો અને સમારંભોમાં પસાર થતો. કામ કરવાની એમની ધગશ તો યુવાનોનેય શરમાવે તેવી હતી. તેથી જ અમારામાંથી કોઈ જરા જેટલી પણ આળસ દાખવે તો તેને દાદાજી ઠપકો આપતા.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

આમ છતાં, તેમના હૃદયમાં તો અમારા સૌ પ્રત્યે અપાર વાત્સલ્ય જ હતું. અમારામાંથી કોઈ સહેજ માંદુ પડે ત્યારે તેઓ ખૂબ બેચેન અને ચિંતાતુર થઈ જતા. એક વખત મારા પગે નાનું ફ્રેક્ટર થયું હતું ત્યારે દાદાજી આખી રાત મારી પથારી પાસે જાગતા બેસી રહ્યા હતા.

મારા દાદાજી વજથી પણ કઠોર અને ફૂલથીય કોમળ હતા. જ્ઞાન, ઉદ્યમ અને સ્વાર્પણની સાક્ષાત્ મૂર્તિ સમા દાદાજી મારા માટે ખરેખર આદર્શ પ્રેરણામૂર્તિ હતા. હું સમજણો થયો ત્યારથી મેં દાદાજીને કોઈ દિવસ શિથિલ થઈને પથારીમાં સૂતેલા જોયા ન હતા.

એટલે જ એક દિવસ અચાનક હાર્ટફેઇલ થઈ જવાથી એ અમારી વચ્ચેથી ચાલ્યા ગયા, ત્યારે મને ખૂબ આઘાત લાગ્યો હતો. તેમણે કરેલા સત્કાર્યોની આજે પણ લોકો પ્રશંસા કરે છે.

12. ગાર પ્રવાસ
મુદ્દાઃ પ્રાસ્તાવિક – પાવાગઢ પ્રતિ પ્રયાણ – પાવાગઢના માર્ગે -પાવાગઢનું વર્ણન – પાછાં વળતાં– ઉપસંહાર).

આજના યુગમાં પગપાળા પ્રવાસ કરવાની વાત જરા નવાઈ ભરેલી જરૂર લાગે, પણ આવા પ્રવાસનો પ્રત્યક્ષ અનુભવ કર્યા વિના એના આનંદની કલ્પના ન આવી શકે. – પગપાળા પ્રવાસ કરવાનો મને પહેલેથી જ શોખ છે. એમાં પણ ‘કાકાસાહેબ કાલેલકરનાં પ્રવાસવર્ણનનાં પુસ્તકો વાંચ્યા પછી પગપાળા પ્રવાસ કરવાની મને બરાબરની ચાનક ચડી હતી.

આથી શરદઋતુની એક સુંદર સવારે મેં બગલથેલો અને એક લાકડી લઈને પાવાગઢ તરફ પ્રયાણ કર્યું. તે વખતે સર્વત્ર આનંદમય અને તાજગીભર્યું વાતાવરણ હતું. પક્ષીઓ મધુર કલરવ કરતાં હતાં, વૃક્ષો અને લતાઓ પવનમાં ડોલી રહ્યાં હતાં.

“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર યોવન માંડે આંખ.”

એ પંક્તિઓ ગાતાં ગાતાં હું મારો પંથ કાપી રહ્યો હતો. ચારે બાજુ ઘટાદાર વનશ્રી છવાયેલી હતી. પુષ્પોના પમરાટથી વાતાવરણ મઘમઘી રહ્યું હતું. માર્ગમાં મારી જેમ બીજા અનેક પ્રવાસીઓ પગપાળા ચાલી રહ્યા હતા. “પ્રાણિયા ભજી લેને કિરતાર, આ તો સપનું છે સંસાર” જેવાં ભજનો, ગીતો અને દુહાઓની રમઝટ વચ્ચે પાવાગઢનો ખડકાળ માર્ગ ઝડપથી કપાઈ રહ્યો હતો.

મા તું પાવાની પટરાણી,
ભવાની મા, કાળકા રે લોલ.”

આ ગરબો મેં નવરાત્રિમાં સાંભળ્યો હતો, પણ આજે તો હું માતાજીની એ મૂર્તિનાં સાક્ષાત્ દર્શન કરવા જઈ રહ્યો હતો. પાવાગઢ દૂરથી જાણે અમારું સ્વાગત કરી રહ્યો હતો. કોઈ વાર મોરનું નૃત્ય જોવા મળતું તો ક્યારેક કોયલનો ટહૂકો સાંભળવા મળતો. એક જગ્યાએ થોડો વિશ્રામ કરવા રોકાયો. તાજાં ફળ ખાઈ એક ઝરણાનું પાણી પી હું આગળ ચાલ્યો.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

પાવાગઢની તળેટીમાં મેં ચાંપાનેરનાં ખંડેરો જોયાં. ઐતિહાસિક નવલકથાઓમાં વાંચેલી ચાર ચોટાં અને બાવન બજારની ભૂતકાલીન ભવ્યતા મારાં મનઃચક્ષુ સામે તરવરી રહી. ત્યારપછી મેં પાવાગઢના પહાડ પર ચડવાનું શરૂ કર્યું. રસ્તે “માસી” પર થોડો આરામ કરી હું આગળ વધ્યો.

પાવાગઢની આસપાસના પ્રાકૃતિક સૌંદર્યને જોઈને હું ધન્ય થઈ ગયો. પ્રાચીન ગઢ અને વિશાળ દરવાજો પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યા હતા. પછી આવ્યું દૂધિયું તળાવ. તેનું પાણી, ખરેખર, દૂધ જેવું જ સફેદ છે. ત્યાં નાહવાનું ખૂબ માહાભ્ય હોવાથી મેં એમાં સ્નાન કર્યું.

સ્નાન કર્યા પછી મારા શરીરમાં અજબ સ્કૂર્તિ આવી ગઈ. હું સડસડાટ પગથિયાં ચડી, મહાકાળી માતાના મંદિરે પહોંચ્યો. ત્યાંના પવિત્ર વાતાવરણમાં મને અપૂર્વ શાંતિનો અનુભવ થયો.

પર્વત ઉપર પવનના ભારે સુસવાટાનો અનુભવ થઈ રહ્યો હતો. મને થયું કે પાવાગઢ નામ કદાચ પવનગઢ ઉપરથી જ પડ્યું હશે. ધીમે ધીમે સૂર્ય પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો હતો. માતાજીની પૂજાઅર્ચના કર્યા પછી પ્રકૃતિના સૌંદર્યને ધરાઈને જોતાં જોતાં હું નીચે ઊતર્યો.

આજે પણ પાવાગઢના એ પગપાળા પ્રવાસની સ્મૃતિથી મારું મન પ્રસન્ન થઈ જાય છે.

13. પુસ્તકોની મૈત્રી
મુદ્દા: પ્રાસ્તાવિક – પુસ્તકોની મૈત્રીના લાભ-નરસાં પુસ્તકો – ઉપસંહાર

“સંગ તેવો રંગ” એ કહેવત માણસોની જેમ પુસ્તકોની બાબતમાં પણ સાચી છે. મિત્રોની જેમ પુસ્તકો પણ માનવીના ઘડતરમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સારા મિત્રની જેમ સારું પુસ્તક માનવીને સુખદુઃખમાં સાથ, સહારો અને સાંત્વના આપે છે. અંગ્રેજીમાં એક ઉક્તિ ખૂબ જાણીતી છે કે, “A good book is man’s friend, philosopher and guide.”

કેટલાય લોકોના જીવનમાં પુસ્તકોને લીધે મહાન પરિવર્તન આવ્યું છે. રસ્કિનના “Unto The Last” નામના પ્રસિદ્ધ પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી હતી. ગીતા અને બાઇબલ જેવાં ધાર્મિક પુસ્તકોએ અસંખ્ય લોકોને ઉમદા માર્ગદર્શન આપ્યું છે.

ઉત્તમ પુસ્તકોની મૈત્રી કરનાર માણસ પ્રતિકૂળ સંજોગોમાં પણ મૂંઝવણ કે દુઃખ અનુભવતો નથી. ગ્રંથસ્થ થયેલું મહાન પુરુષોનું જીવનદર્શન દુઃખ કે વિપત્તિમાં ધીરજ અને શાંતિ આપે છે. તે માનવીના અસહ્ય દુખને પણ હળવું બનાવે છે.

શ્રેષ્ઠ પુસ્તકો મનુષ્યનાં વહેમ, અજ્ઞાન અને અંધશ્રદ્ધાને દૂર કરે છે. ઉત્તમ પુસ્તકોના વાંચનથી જગત અને જીવનને જોવાની મનુષ્યની દૃષ્ટિ સમૃદ્ધ અને વિશાળ બને છે. સારાં પુસ્તકો કદી આપણને છેહ દેતાં નથી, એ હંમેશાં આપણો સાથ નિભાવે છે. માટે જ રૉબર્ટ સધે નામના અંગ્રેજ કવિએ પુસ્તકોની મૈત્રી વિશે લખ્યું છે :

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

“My never failing friends are they
With whom I converse day by day.”

અર્થાત્, “કદી છેહ ન દે એવાં પુસ્તકો મારા મિત્રો છે, જેમની સાથે હું દરરોજ ચર્ચા-વિચારણા કરું છું.”

પુસ્તકોની મૈત્રી રાખનાર માનવીને કદી એકલતા સાલતી નથી. પુસ્તકોનાં પાને પાને અક્ષરદેહે અમર થઈ ગયેલા મહાપુરુષો બિરાજે છે. જગતના મહાન દાર્શનિકો, કવિઓ, મહાપુરુષો વગેરે ઉત્તમ પુસ્તકો દ્વારા એમના વાચકને પ્રસંગોચિત માર્ગદર્શન આપે છે. ગાંધીજી કહેતા,

જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે, ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું.” ઉત્તમ પુસ્તકની ઉપકારક મૈત્રીનું આ જ્વલંત ઉદાહરણ છે. રામાયણ અને મહાભારત જેવાં ઉચ્ચ કોટિનાં પુસ્તકો વિશાળ જનસમાજને સદીઓ સુધી દોરવણી આપતાં રહ્યાં છે. ‘સરસ્વતીચંદ્ર’ અને “માનવીની ભવાઈ’ જેવાં પુસ્તકો સમાજજીવનનું અને માનવભાવોનું ઊંડું દર્શન કરાવે છે.

જોકે બધાં પુસ્તકો એકસરખાં ઉપકારક હોતાં નથી. છીછરાં અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે દોરાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે. આથી પુસ્તકોની પસંદગીમાં ઉચિત વિવેક દાખવવો જોઈએ.

સમૃદ્ધ જીવનદષ્ટિ કેળવવા અને જીવનને સુખમય બનાવવા માટે ઉત્તમ પુસ્તકોની મૈત્રી કરવી એ જ શ્રેયસ્કર માર્ગ છે.

Leave a Comment

Your email address will not be published.