This GSEB Class 6 Science Notes Chapter 14 પાણી covers all the important topics and concepts as mentioned in the chapter.
પાણી Class 6 GSEB Notes
→ પાણી દરેક સજીવને જીવન ટકાવી રાખવા માટેનો અગત્યનો ઘટક છે. પાણી છે તો જીવન છે.
→ પાણી પીવામાં, રસોઈમાં, આપણી દૈનિક ક્રિયાઓમાં, કપડાં ધોવામાં, વાસણ માંજવામાં, ઘરની સફાઈમાં, ખેતીમાં અને ઉદ્યોગોમાં ઉપયોગી છે.
→ પાણીના સ્ત્રોત (Sources of water) : પાણી જ્યાંથી પ્રાપ્ત થાય, તેને પાણીના સ્ત્રોત કહે છે. વરસાદ, કૂવા, બોર, તળાવ, નદી વગેરે પાણીના સ્રોત છે. વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
→ કોઈ પણ પ્રવાહીમાંથી બાષ્પ બનવાની ક્રિયાને બાષ્પીભવન (Evaporation) કહે છે. બાષ્પ ઠંડી પડી પ્રવાહીમાં ફેરવાય તે ક્રિયાને ઘનીભવન કે સંઘનન (Condensation) કહે છે.
→ પૃથ્વીનો ભાગ પાણીથી ઘેરાયેલો છે. પાણીનો મુખ્ય ભાગ સમુદ્રો (Seas) અને મહાસાગરો(Oceans)માં સંઘરાયેલો છે. આમ છતાં આપણે જે પાણી વાપરીએ છીએ તે પૂરું પાડવામાં મહાસાગરો મહત્ત્વનો ભાગ ભજવે છે.
→ દિવસે સૂર્યના તાપથી મહાસાગરો, નદીઓ, સરોવરો તથા તળાવોનાં પાણીનું બાષ્પીભવન દ્વારા વરાળમાં રૂપાંતરણ થતું રહે છે. વળી, વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા પાણી વરાળ સ્વરૂપે ગુમાવે છે.
→ પાણીની વરાળ હલકી હોવાથી વાતાવરણમાં ઊંચે ચઢે છે. ખૂબ ઊંચે જતાં વરાળ ઠંડી થતી જાય છે અને ઘનીભવન પામી પાણીનાં નાનાં નાનાં ટીપાં બને છે. આ નાની જળકણિકાઓ વાદળ સ્વરૂપે દેખાય છે. આ જળકણિકાઓ જોડાઈને પાણીનાં ટીપાં બને છે. જે વરસાદ સ્વરૂપે નીચે પડે છે. વરસાદનું પાણી જમીન પર વહી નદી દ્વારા મહાસાગરમાં જાય છે. આને જળચક્ર કહે છે.
→ વરસાદના પાણીનો કેટલોક ભાગ ભૂમિ દ્વારા શોષાય છે અને માટીમાં વિલુપ્ત થઈ જાય છે. ધીમે ધીમે ભૂમિમાં નીચેની તરફ ઊતરતું જાય છે. આ પાણીમાંથી મોટા ભાગનું પાણી આપણને ભૂગર્ભજળ (Ground water) સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કૂવાઓનું ભરણ ભૂમિ-જળ દ્વારા થાય છે. કેટલાંક સરોવરોનો પાણીનો સ્ત્રોત ભૂગર્ભજળ છે. હૅન્ડ-પપ તથા બોર-કૂવા દ્વારા ખેંચાયેલ પાણી ભૂગર્ભજળમાંથી જ આવે છે.
→ ભારે વરસાદથી નદીઓમાં પૂર આવે છે. પૂરથી પાકને, પ્રાણીઓને, માનવજીવનને તથા સંપત્તિને નુકસાન થાય છે.
→ ભારે વરસાદ લાંબો સમય પડે તો તેને અતિવૃષ્ટિ કહે છે.
→ એક વર્ષ કે તેથી વધુ સમય માટે વરસાદ ઓછો પડે કે ન પડે તો તેને અનાવૃષ્ટિ કહે છે. તેનાથી લોકોને તથા પ્રાણીઓને પીવા માટેના પાણીની અછત રહે છે. આને દુષ્કાળ કહે છે.
→ વસ્તીવધારો અને પાણીના બેફામ ઉપયોગને લીધે પાણીની અછત સર્વત્ર વરતાઈ રહી છે. આથી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો આવશ્યક છે. આ માટે વરસાદના પાણીનો સંગ્રહ કરવો અને તેનો ઉપયોગ કરવો આવશ્યક છે.