This GSEB Class 7 Social Science Notes Chapter 9 અઢારમી સદીના રાજકીય શાસકો covers all the important topics and concepts as mentioned in the chapter.
અઢારમી સદીના રાજકીય શાસકો Class 7 GSEB Notes
→ ઈ. સ. 1707માં ઔરંગઝેબના અવસાન પછી ભારત નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું.
→ ઔરંગઝેબના અવસાન પછી બહાદુરશાહ મુઘલ ગાદી પર આવ્યો. બહાદુરશાહ પછી અનુક્રમે જહાંદરશાહ, ફર્ખસિયર, મહંમદશાહ, શાહઆલમ બીજો વગેરે મુઘલ ગાદી પર આવ્યા. તેઓ મુઘલ ગાદીને સાચવી શક્યા નહિ. અંગ્રેજોએ ઈ. સ. 1764ના બક્સરના યુદ્ધમાં શાહઆલમ બીજાને હરાવી તેને કિંપનીનો પેન્શનર બનાવી દીધો.
→ ઈ. સ. 1757માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ-ઉદ્દોલાને પ્લાસીના યુદ્ધમાં હરાવ્યો. આ યુદ્ધની જીતથી અંગ્રેજોને 24 પરગણાની જાગીર મળી. પ્લાસીના યુદ્ધ પછી નવાબ બનેલા મીરજાફરને હટાવીને મીરકાસીમને નવાબ બનાવવામાં આવ્યો. તેણે અવધના નવાબ અને મુઘલ શહેનશાહનો સાથે મેળવીને અંગ્રેજો સામે બક્સરનું યુદ્ધ કર્યું. એ યુદ્ધમાં તેની હાર થતાં બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો.
→ ઈ. સ. 1739માં ઈરાનના શાહ નાદીરશાહે ભારત પર આક્રમણ કર્યું હતું.
→ મુઘલ સામ્રાજ્યના પતન પછી રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરનું નિર્માણ કરાવ્યું હતું.
→ સવાઈ જયસિંહ કુશળ રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી હતા. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓ બંધાવી હતી. એ સમયે રાજસ્થાનમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી, શિરોહી વગેરે મુખ્ય રાજપૂત રાજ્યો હતાં.
→ 15મી સદીમાં ગુરુ નાનકે શીખધર્મની સ્થાપના કરી હતી. 10માં ગુરુ ગોવિંદસિંહે શીખ રાજ્યની સ્થાપના કરી હતી. એ પછી બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભારે વિદ્રોહ કર્યો હતો.
→ શીખો 12 સમૂહમાં વહેંચાયેલા હતા. સુકરચકિયા નામના સમૂહના નેતા રણજિતસિંહે શીખ સામ્રાજ્યનો ઘણો વિસ્તાર કર્યો હતો. તેમણે તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી. તેમણે તેમના સૈન્યને યુરોપના દેશોનાં સૈન્યોની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું.
→ રણજિતસિંહે લાહોરમાં તોપો બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા.
→ રણજિતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈ. સ. 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું.
→ છત્રપતિ શિવાજી 17મી સદીના મહાન શાસક હતા. તેમણે બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો : વગેરેને હંફાવીને એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી.
→ છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધપદ્ધતિ અપનાવી હતી. તેમણે ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ દ્વારા કુશળ, કાર્યક્ષમ અને પ્રજાકલ્યાણકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી.
→ ઔરંગઝેબે શિવાજી પછી શિવાજીના પૌત્ર શાહુને કેદ કર્યો હતો. ઈ. સ. 1707માં શાહુ કેદમાંથી છૂટીને પુણે પાછો ફર્યો ત્યારે તેમનાં કાકી તારાબાઈ સાથે વારસાવિગ્રહ થયો. એ વારસાવિગ્રહમાં બાલાજી વિશ્વનાથે શાહુને મદદ કરી જીત અપાવી હતી. પરિણામે બાલાજી વિશ્વનાથના સમયથી મરાઠા રાજ્યમાં પેશ્વા પ્રથા શરૂ થઈ.
→ બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશ્વા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિસ્તાર કરી રાજ્યની બધી સત્તા પોતાના હાથમાં લીધી હતી.
→ ઈ. સ. 1720માં બાલાજી વિશ્વનાથનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશ્વા બન્યા. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે મુઘલ વિસ્તારો, માળવા (માલવા), ગુજરાત અને બુંદેલખંડ જીતીને મરાઠા રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું.
→ ઈ. સ. 1740માં બાજીરાવ પહેલાના અવસાન પછી બાલાજી બાજીરાવ પેશ્વા બન્યા. તેમણે બંગાળથી છેક મૈસૂર સુધીના પ્રદેશો પર વિજય મેળવ્યા હતા.
→ ઈ. સ. 1761માં ઈરાનના શાહ એહમદશાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું. એ સાથે તેની અને મરાઠાઓ વચ્ચે પાણિપતનું ત્રીજું યુદ્ધ થયું. એ યુદ્ધમાં મરાઠાઓનો પરાજય થયો. મરાઠી સૈન્યના પરાજયના સમાચાર મળતાં પેશ્વા બાલાજી બાજીરાવને ખૂબ આઘાત લાગ્યો. એ આઘાતથી ટૂંક સમયમાં તેમનું અવસાન થયું.
→ પાણિપતના ત્રીજા યુદ્ધથી મરાઠી સત્તા નબળી પડી ગઈ. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો.