Gujarat Board GSEB Textbook Solutions Class 10 Social Science Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો Textbook Exercise and Answers.
ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો Class 10 GSEB Solutions Social Science Chapter 6
GSEB Class 10 Social Science ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:
પ્રશ્ન 1.
તાજમહાલની સ્થાપત્ય કલાનો પરિચય આપો.
અથવા
ભારતનાં સ્મારકો પૈકી તાજમહાલની વિશેષતાઓ જણાવો.
અથવા ભારતનાં સ્મારકો પૈકી તાજમહાલ વિશે માહિતી આપો.
અથવા
“સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.” આ વિધાન ભારતના કયા રાષ્ટ્રીય સ્મારક પર અંકિત થયેલું છે? તેની વિશેષતાઓ જણાવો.
અથવા
તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક અજાયબી છે. શાથી?
અથવા
નીચે દર્શાવેલ ચિત્રને ઓળખી, તેના વિશે ટૂંકમાં માહિતી આપો. (August 20)
ઉત્તર:
પ્રશ્નની નીચે આપેલ ચિત્ર તાજમહાલનું છે. તેની માહિતી નીચે પ્રમાણે છે:
પ્રશ્નમાં આપેલું વિધાન તાજમહાલની એક મહેરાબ (દીવાલ) પર અંકિત થયેલું છે.
- ઈ. સ. 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલ(અર્જુમંદબાનુ)ની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહાલ બંધાવ્યો.
- તે આગરામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે.
- ઈ. સ. 1631માં તાજમહાલનું બાંધકામ શરૂ થયું હતું તે 22 વર્ષ પછી ઈ. સ. 1653માં પૂર્ણ થયું.
- શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું.
- દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે.
- એ સમયમાં તેના બાંધકામમાં રૂપિયા સાડા ચાર કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો.
તાજમહાલની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે:
- તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે.
- તાજમહાલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે.
- તાજમહાલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે.
- તાજમહાલનું પ્રવેશદ્વાર આકર્ષક છે. તેની મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે. તેમજ તેના ચાર ખૂણા પર નાના ઘુમ્મટ છે.
- તાજમહાલની મધ્યમાં મુમતાજની કબર છે. કબરની આજુબાજુ 5 ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે. ?
- તાજમહાલની એક મહરાબ (દીવાલ) પર આ વિધાન અંકિત થયેલું છે : “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”
- અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહાલ ભારતની સ્થાપત્યકલાના વારસાનું ગૌરવ છે.
- તાજમહાલ દેશ-વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે.
(વિશેષ: વિવેચકો તાજમહાલને ‘સંગેમરમરમાં કંડારેલું પ્રેમકાવ્ય’ કહે છે.]
પ્રશ્ન 2.
ગુજરાતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો વિશે નોંધ લખો.
ઉત્તર:
ગુજરાતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો નીચે પ્રમાણે છે:
1. ધોળાવીરા અને લોથલ : આ બંને સ્થળો સિંધુખીણની સભ્યતાનાં નગરો હતાં.
- ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે.
- તે તેની આદર્શ નગરરચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે.
- આજથી આશરે 5000 વર્ષ પહેલાં અહીં ઘરેણાં અને મણકા બનાવવાનાં કારખાનાં હતાં.
- લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં, અમદાવાદ – ભાવનગર હાઈ-વે નજીક આવેલું પુરાતત્ત્વીય સ્થળ છે.
- તે પ્રાચીન સમયમાં વેપાર-વાણિજ્યથી ધમધમતું અને સગવડોવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું.
2. જૂનાગઢઃ જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, ખાપરાકોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈનમંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, બહાઉદ્દીન વઝીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાનાં જોવાલાયક સ્થળો છે.
દર વર્ષે મહાશિવરાત્રિએ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે.
3. અમદાવાદઃ અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે. તે ગુજરાતનું પાટનગર હતું.
- અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતિની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ (હોજેકુતુબ), ઝૂલતા મિનારા, હઠીસિંગનાં દેરાં, સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થાપત્યો છે.
- ઝૂલતા મિનારા સારંગપુર દરવાજા બહાર રાજપુર-ગોમતીપુરમાં આવેલા છે. તે તેની ધ્રુજારીના વણઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે.
- સીદી સૈયદની જાળી તેની અત્યંત બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક કોતરણીને કારણે પ્રખ્યાત છે.
4. પાટણ: સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની (રાણકી) વાવ પાટણનાં પ્રખ્યાત સ્થાપત્યો છે.
- ઈ. સ. 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું.
- ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતિએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની (રાણકી) વાવના નામે પ્રસિદ્ધ છે. ઈ. સ. 2014માં યુનેસ્કોએ રાણીની (રાણકી) વાવને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કરી છે.
5. સિદ્ધપુર પાટણથી 26 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુરમાં રુદ્રમહાલય એક જોવાલાયક સ્થાપત્ય છે. આજે જોવા મળતા રુદ્રમહાલયના ભગ્ન અવશેષો તેની ભવ્યતાની ઝાંખી કરાવે છે.
સાંસ્કૃતિક વારસાનાં અન્ય સ્થળોઃ
- વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિતોરણ જોવાલાયક સ્થાપત્યો છે.
- અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રાધામ છે.
- જૂનાગઢ જિલ્લામાં બોરદેવી, શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ-ગિરનારમાં ઈટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો મળ્યા છે.
- બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા-કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુરીઝર, કેડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા-સ્થાપત્યો આવેલાં છે.
- ગાંધીનગર પાસે અડાલજની વાવ, અમદાવાદમાં અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ તેમજ નડિયાદ, મહેમદાવાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વરી (મહીસાગર જિલ્લો) વગેરે સ્થળોએ વાવો આવેલી છે.
- ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલાં છે. તેમાંના કેટલાંક દેરાસરોનું નિર્માણ 11મી સદીમાં થયેલું છે.
- મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ અને તારામાતાનું મંદિર આવેલાં છે.
- ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલાં છે. આ બંને મંદિરો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે.
પ્રશ્ન 3.
દિલ્લીના લાલ કિલ્લા વિશે નોંધ લખો.
અથવા
ટૂંક નોંધ લખો લાલ કિલ્લો (દિલ્લી)
અથવા
સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા પાંચસોની નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે, તેનો પરિચય આપો. (March 20)
ઉત્તર:
સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા પાંચસોની નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે, તે દિલ્લીમાં આવેલા લાલ કિલ્લાનું છે. મુઘલ બાદશાહ શાહજહાંએ ઈ. સ. 1638માં દિલ્લીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો.
- મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે.
- તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
- લાલ કિલ્લાને કમાન આકારનાં બે પ્રવેશદ્વારો અને આરસના ઘુમ્મટો છે.
- શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી ‘શાહજહાંનાબાદ’ નામનું નગર વસાવ્યું હતું.
- તેમાં દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ, મુમતાજનો – શીશમહલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીનાબજાર, મુઘલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે.
- દીવાન-એ-ખાસની ઇમારતને સોના-ચાંદી અને કીમતી પથ્થરોથી સજાવવામાં આવી છે.
- અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગાર છે.
- શાહજહાંએ દીવાન-એ-ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક ‘મયૂરાસન’ બનાવડાવ્યું હતું.
- ઈરાનના નાદિરશાહે દિલ્લી પર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયૂરાસનને પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો.
- દિલ્લીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યકલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે.
- દર વર્ષે 15 ઑગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:
પ્રશ્ન 1.
હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો.
ઉત્તર:
હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે.
- 14મી સદીમાં તે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું.
- વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના શાસનકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલી વિકસી હતી.
- કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન એ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.
- વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલ ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશિષ્ટતા છે.
- સ્તંભાવલીઓ પર દેવો, મનુષ્યો, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેનાં સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યાં છે.
- કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન હમ્પીમાં અનેક ભવ્ય સ્થાપત્યોનું નિર્માણ થયું. તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામમંદિર મુખ્ય છે.
- વિજયનગરના શાસકોએ બંધાવેલાં વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણનું મંદિર, અયુતરાયનું મંદિર વગેરે મંદિરો હમ્પી નગરની સ્થાપત્યકલાનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.
પ્રશ્ન 2.
ખજૂરાહોનાં મંદિરોનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ખજૂરાહોનાં મંદિરો
ઉત્તર:
ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજૂરાહો નામના સ્થળે (ગામમાં) આવેલાં છે.
- ખજૂરાહો બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું.
- ચંદેલ રાજાઓએ અહીં કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી આજે માત્ર 25 મંદિરો જ હયાત છે.
- આ મંદિરો ઉત્તર ભારતની નાગર શેલીના ઉત્તમ નમૂના છે.
- તે પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્રસમૂહોમાં વિભાજિત થયેલાં છે.
- આ મંદિરોમાં મોટા ભાગનાં શેવ મંદિરો છે. કેટલાંક મંદિરો વેષ્ણવ છે, જ્યારે કેટલાંક જૈનમંદિરો છે.
- બધાં મંદિરોની રચનાપદ્ધતિ અને શિલ્પવિધાન લગભગ એકસમાન છે.
- શરૂઆતના સમયનાં બધાં જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરોનાં બનાવેલાં છે.
- તેમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે.
- આ મંદિરની તોરણની આલંકારિક સ્થાપત્ય શૈલી કલાકારીગરીનું ઉત્તમ દષ્ટાંત છે.
- દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ખજૂરાહોનાં મંદિરોમાં મૂર્તિ થયેલી વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તિકલાનાં શિલ્પો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.
[વિશેષ: અહીંનાં કામાસન શિલ્પો માટે ખજૂરાહો જગપ્રસિદ્ધ છે.]
પ્રશ્ન 3.
કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો.
ઉત્તર:
કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળાના અખાતના દરિયાકિનારે આવેલું છે.
- 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું.
- તે કાળા પથ્થરનું બનાવેલું હોવાથી કાળા પેગોડા’ના નામે ઓળખાય છે.
- સમગ્ર મંદિરને સાત અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
- આ રથને મંદિરના આધારને સૌંદર્ય બક્ષતાં 12 મોટાં પૈડાં છે. તે વર્ષના બાર મહિનાનાં પ્રતીકો છે. દરેક પૈડાને આઠ આરા છે. તે દિવસના આઠ પ્રહર દર્શાવે છે.
- રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની દષ્ટિએ કોણાર્કનું સૂર્યમંદિર અજોડ અને અનુપમ છે.
- મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારનાં શિલ્પો છે. એ શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનાં દર્શન થાય છે.
- શિલ્પકલાની દષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
પ્રશ્ન 4.
બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો.
ઉત્તર:
બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યનાં તાંજોર(થંજાવુર)માં આવેલું છે.
- આ મંદિર ઈ. સ. 1003થી 1010ના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.
- આ મંદિર રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને ‘રાજરાજેશ્વર મંદિર’ના નામે પણ ઓળખવામાં આવે છે.
- આ મંદિર દેવાધિદેવ શિવનું છે.
- શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિરને ‘બૃહદેશ્વરનું મંદિર’ કહે છે.
- આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે.
- આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. તેની આસપાસ કોટ બનાવેલો છે. તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. તે સમયે બૃહદેશ્વર મંદિરની ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી.
- ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્યકલાનો અદ્વિતીય વારસો ધરાવે છે.
- બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતનાં ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે.
પ્રશ્ન 5.
ફતેહપુર સિકરી વિશે નોંધ લખો.
અથવા
ફતેહપુર સિકરીનો પરિચય આપો.
ઉત્તર:
મુઘલ બાદશાહ અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગરાની પશ્ચિમે 26 માઈલ દૂર ‘ફતેહપુર સિકરી’ છે નામનું નવું નગર વસાવ્યું હતું.
- તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી.
- સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્નો, કલાકારો, વિદ્વાનો, તત્ત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો.
- ઈ. સ. 1569માં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું. ઈ. સ. 1572 સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી.
- અહીંની ઇમારતોમાં બીરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે.
- બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે.
- તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે.
- અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો (કબર), દીવાન-એ-આમ, દીવાનએ-ખાસ, જ્યોતિષ મહેલ વગેરેનો સમાવેશ થાય છે.
[વિશેષઃ આ નગરનું મૂળ નામ સિકરી હતું. ઈ. સ. 1572માં અકબરે ગુજરાતના માળવા પર વિજય મેળવ્યો હતો. એ પછી તેણે સિકરીની આગળ ફતેહપુર નામ જોડ્યું હતું. ફતેહપુરનો અર્થ ‘વિજયનું નગર’ એવો થાય છે.]
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:
પ્રશ્ન 1.
ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર:
કૈલાસ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે.
- કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું.
- એક જ મોટા ખડકમાંથી આ અદ્ભુત મંદિરને કંડારવામાં આવ્યું છે. તે અનેક સુંદર શિલ્પોથી સુશોભિત છે.
- તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે.
- દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિરનું સૌંદર્ય અવર્ણનીય છે.
- કેટલાક કલાવિવેચકો કેલાસ મંદિરને પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય’ કહે છે.
પ્રશ્ન 2.
ઍલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
ઍલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાથી ઉત્તર-પૂર્વ દિશામાં લગભગ 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે.
- પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ (ઍલિફન્ટાની ગુફાઓ) પર સૌપ્રથમ આવ્યા ત્યારે ત્યાં હાથીની પથ્થરનિર્મિત એક વિશાળ આકૃતિ હતી.
- એ આકૃતિ જોઈને તેમણે આ દ્વીપનું નામ ‘ઍલિફન્ટા’ આપ્યું.
- અહીંના સ્થાનિક માછીમારો આ સ્થળને “ધારાપુરી” કહે છે.
- ઍલિફન્ટાની 7. ગુફાઓ પૈકી ગુફા નંબર 1 સૌથી ભવ્ય છે.
- તેમાં ભગવાન શિવનાં ત્રણ સ્વરૂપો દર્શાવતી ભવ્ય ‘ત્રિમૂર્તિ’ છે. તેની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે.
- ઍલિફન્ટાની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પરચનાઓ છે. તેની અનુપમ શિલ્પકલાને ધ્યાનમાં લઈ સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ની સંસ્થા યુનેસ્કોએ ઈ. સ. 1987માં વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ઍલિફન્ટાની ગુફાઓનો સમાવેશ કર્યો છે.
પ્રશ્ન 3.
કુતુબમિનાર વિશે નોંધ લખો.
અથવા
કુતુબમિનારનો પરિચય આપો.
અથવા
ભારતના પ્રસિદ્ધ સ્મારક કુતુબમિનારની વિગતે માહિતી લખો.
ઉત્તર:
કુતુબમિનાર દિલ્લીમાં આવેલો છે. તે સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે.
- 12મી સદીના અંત ભાગમાં દિલ્લીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતબુદ્દીન ઐબકે કુતુબમિનારનું બાંધકામ શરૂ કર્યું હતું.
- કુતબુદીનનું આકસ્મિક અવસાન થતાં તેના જમાઈ અને ઉત્તરાધિકારી સુલતાન ઇસ્તુત્મિશે તેનું બાંધકામ ઈ. સ. 1210માં પૂર્ણ કરાવ્યું હતું.
- કુતુબમિનાર પાંચ માળનો છે. તેની ઊંચાઈ 72.5 મીટર છે.
- તે ભારતનો સૌથી ઊંચો મિનારો (સ્તંભ) છે.
- આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ પથ્થર અને આરસપહાણનો ઉપયોગ થયેલો છે.
- તેનો ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે, ઊંચાઈ પર જતાં તેનો ઘેરાવો 2.75 મીટર જેટલો થાય છે.
- તેની પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે.
- કુતુબમિનાર તેના રચના-કૌશલને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં સ્થાન પામ્યો છે.
પ્રશ્ન 4.
ગોવાનાં દેવળો વિશે નોંધ લખો.
અથવા
ગોવાનાં દેવળોનો પરિચય આપો.
ઉત્તર:
16મી સદી દરમિયાન પોર્ટુગીઝો(ફિરંગીઓ)એ ભારતમાં સ્થાપેલી કોઠીઓ પૈકી એક કોઠી ગોવામાં સ્થાપી હતી. તેમણે ગોવાને પોતાની રાજધાની બનાવી હતી.
- પોર્ટુગીઝોની સાથે ભારતમાં ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ છે આવ્યા હતા.
- તેથી ગોવામાં નાનાં-મોટાં અનેક ખ્રિસ્તી દેવળો સ્થપાયાં.
- પોર્ટુગીઝોના શાસન દરમિયાન કૅથલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવ્યા હતા. તેમણે ગોવાને પોતાની પ્રવૃત્તિઓનું વડું મથક બનાવ્યું હતું.
- ભારતમાં તેમના અવસાન બાદ તેમનો પાર્થિવ દેહ આ દેવળમાં શબપેટીમાં રાખવામાં આવ્યો હતો. ઘણાં વર્ષો પછી પણ તેમનું શબ વિકૃત થયું નથી.
- જૂના ગોવામાં બેસાલીકા ઑફ બોમ જીસસ (બેસાલીકા ઑફ ગુડ જીસસ) નામનું દેવળ આવેલું છે.
- ગોવાનો દરિયાકિનારો રમણીય છે, તેથી તે સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
[વિશેષઃ ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવામાં અને દીનદુખિયાની સેવા કરવામાં સંત ફ્રાન્સિસનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. મુંબઈ, અમદાવાદ વગેરે શહેરોમાં ચાલતી સેંટ ઝેવિયર્સ શાળાઓ અને કૉલેજો સંત ફ્રાન્સિસની યાદ આપે છે.]
પ્રશ્ન 5.
અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાનાં સ્થળોની યાદી બનાવો.
અથવા
અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય? શા માટે? (August 20)
ઉત્તર:
હા, અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય એ માટેનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો નીચે મુજબ છે:
- ભદ્રનો કિલ્લો,
- જામા મસ્જિદ,
- રાણી સિપ્રીની મસ્જિદ (મસ્જિદ-એ-નગીના),
- સરખેજનો રોજો,
- કાંકરિયું તળાવ (હોજે-કુતુબ),
- સારંગપુર અને ગોમતીપુરના ઝૂલતા મિનારા,
- સીદી સૈયદની જાળી (લાલ દરવાજા),
- હઠીસિંગનાં દેરાં (દિલ્લી દરવાજા),
- રાણી રૂપમતીની મસ્જિદ,
- દાદા હરિની વાવ,
- સૂફી સંત શાહઆલમનો રોજો,
- દરિયાખાનનો ઘુમ્મટ,
- ગાયકવાડની હવેલી,
- બાદશાહનો હજીરો,
- રાણીનો હજીરો,
- આઝમખાનનો રોજો,
- ઝકરિયા મસ્જિદ અને
- અહમદશાહની મસ્જિદ.
પ્રશ્ન 6.
પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. સ્પષ્ટ કરો.
અથવા
ભારતમાં આવેલ તીર્થસ્થાનોનો પરિચય આપો. (કોઈ પણ છ વિશે) (March 20)
ઉત્તર:
પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતમાં ચાર ધામની અને બાર જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્ત્વની ગણાય છે.
- ચાર મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), રામેશ્વરમ્ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત) અને જગન્નાથપુરી (ઓડિશા) આ પવિત્ર તીર્થસ્થાનોનો સમાવેશ થાય છે.
- આ ઉપરાંત, 51 શક્તિપીઠોની અને જમ્મુ-કશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ મહત્ત્વની મનાય છે.
- ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે.
- આમ, ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનાં સ્થળોને સમાવિષ્ટ કર્યો છે.
આથી કહી શકાય કે, પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે.
4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1.
અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે?
A. મધ્ય પ્રદેશ
B. મહારાષ્ટ્ર
C. ઓડિશા
D. ગુજરાત
ઉત્તરઃ
B. મહારાષ્ટ્ર
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે.
B. ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે.
C. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિંદુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું.
D. ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.
ઉત્તરઃ
D. ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.
પ્રશ્ન 3.
જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો:
મંદિર | રાજ્ય |
1. કોણાર્કનું સૂર્યમંદિર | a. મધ્ય પ્રદેશ |
2. વિરૂપાક્ષનું મંદિર – પટ્ટદકલ | b. તમિલનાડુ |
3. બૃહદેશ્વર મંદિર | c. કર્ણાટક |
4. ખજૂરાહોનાં મંદિર | d. ઓડિશા |
A. (1 – d), (2 – c), (3 – b), (4 – a).
B. (1 – c), (2 – d), (3 – a), (4 – b).
C. (1 – c), (2 – d), (3 – b), (4 – a).
D. (1 – c), (2 – b), (3 – d), (4 – a).
ઉત્તરઃ
A.
મંદિર | રાજ્ય |
1. કોણાર્કનું સૂર્યમંદિર | d. ઓડિશા |
2. વિરૂપાક્ષનું મંદિર – પટ્ટદકલ | c. કર્ણાટક |
3. બૃહદેશ્વર મંદિર | b. તમિલનાડુ |
4. ખજૂરાહોનાં મંદિર | a. મધ્ય પ્રદેશ |
પ્રશ્ન 4.
તાજમહાલ : શાહજહાં ! હુમાયુનો મકબરોઃ
A. જહાંગીર
B. હુમાયુ
C. હમીદા બેગમ
D. શાહજહાં
ઉત્તરઃ
C. હમીદા બેગમ
પ્રશ્ન 5.
ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી?
A. હુમાયુએ
B. શાહજહાંએ
C. બાબરે
D. અકબરે
ઉત્તરઃ
D. અકબરે
પ્રશ્ન 6.
ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતાં કયો ક્રમ સાચો ગણાય?
A. તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર, ઇલોરાની ગુફાઓ
B. ઇલોરાની ગુફાઓ, તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર
C. તાજમહાલ, બૃહદેશ્વર મંદિર, ખજૂરાહોનાં મંદિર, ઇલોરાની ગુફાઓ
D. તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, ઇલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર
ઉત્તરઃ
D. તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, ઇલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર
પ્રશ્ન 7.
નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરોઃ
‘અ’ | ‘બ’ |
1. ઉપરકોટ | a. અમદાવાદ |
2. સીદી સૈયદની જાળી | b. પાટણ |
3. રાણીની વાવ | c. ખદીર બેટ |
4. ધોળાવીરા | d. જૂનાગઢ |
A. (1 – d), (2 – c), (3 – b), (4 – a).
B. (1 – d), (2 – a), (3 – b), (4 – c).
C. (1 – c), (2 – d), (3 – b), (4 – a).
D. (1 – c), (2 – b), (3 – d), (4 – a).
ઉત્તરઃ
B.
‘અ’ | ‘બ’ |
1. ઉપરકોટ | d. જૂનાગઢ |
2. સીદી સૈયદની જાળી | a. અમદાવાદ |
3. રાણીની વાવ | b. પાટણ |
4. ધોળાવીરા | c. ખદીર બેટ |
પ્રશ્ન 8.
નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી?
A. નંદા
B. ભદ્રા
C. તદા
D. વિજયા
ઉત્તરઃ
C. તદા