Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Lekhan Kaushalya Vichar Vistar વિચારવિસ્તાર Questions and Answers, Notes Pdf.
GSEB Std 9 Gujarati Lekhan Kaushalya Vichar Vistar
Std 9 Gujarati Lekhan Kaushalya Vichar Vistar Questions and Answers
વિચારવિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોઃ
- આપેલી પંક્તિ ઉક્તિનો અર્થ બરાબર સમજી લો.
- જરૂરી મુદા નક્કી કરો અને તેનો આઠ-દસ લીટીઓમાં વિસ્તાર કરો.
- જરૂર જણાય ત્યાં દષ્ટાંતો આપો. કહેવતો કાવ્યપંક્તિઓનો ઉલ્લેખ પણ કરી શકાય.
- મહત્ત્વની હોય તેવી એક પણ બાબત રહી ન જાય તેની ચીવટ રાખો.
- લખાણની ભાષા શુદ્ધ અને સરળ હોવી જોઈએ.
- જોડણી, વિરામચિહ્નો કે વાક્યરચનાની ભૂલ ન રહી જાય એનું ધ્યાન રાખો.
- વિચારવિસ્તાર કર્યા પછી એ સમગ્ર લખાણ એક વાર ધ્યાનપૂર્વક વાંચી જાઓ અને જરૂર જણાય ત્યાં સુધારો.
પ્રશ્ન. નીચેની દરેક પંક્તિ/ઉક્તિનો વિચારવિસ્તાર કરો:
પ્રશ્ન 1.
મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે;
બળતો બળતો ધુપ સુવાસિત બધું કરે.
ઉત્તર :
આ પંક્તિઓમાં કવિએ સંતોના સ્વભાવનો પરિચય કરાવ્યો છે. સંતો ધૂપસળી જેવા હોય છે. ધૂપસળી જાતે બળે છે પણ બીજાને સુવાસ આપે છે. સંતો પણ જીવનના અંત સુધી પોતે દુઃખ સહન કરીને બીજાને સુખી કરે છે.
સંતોએ સેવાધર્મ સ્વીકારેલો હોય છે. તેઓ આજીવન નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે. રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, મધર ટેરેસા વગેરેએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ નિઃસ્વાર્થભાવે લોકોની સેવા કરી છે.
આપણે પણ કેવળ સ્વાર્થી ન બનતાં બીજા માટે જીવતા શીખીએ.
પ્રશ્ન 2.
વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય;
વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.
ઉત્તર :
આ પંક્તિઓમાં કવિ કહે છે કે આફત આવી પડે ત્યારે વલખાં મારવાં ન જોઈએ. લાચાર થઈ વલખાં મારવાથી આપણી મુશ્કેલી દૂર થતી નથી. આફત આવી પડે ત્યારે મહેનત કરવી જોઈએ. મહેનત કરવાથી જ આફત દૂર થાય છે.
કેટલાક લોકો દુઃખ આવી પડે ત્યારે માથે હાથ રાખીને બેસી રહે છે. કેટલાક લોકો બીજાઓની આગળ દુઃખનાં રોદણાં રડે છે. પરંતુ તેમ કરવાથી તેઓ હાંસીપાત્ર બને છે. આપણે નિરાશ થયા વિના મહેનત શરૂ કરીએ તો દુઃખ દૂર થઈ જાય છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પરીક્ષામાં નિષ્ફળતા મળતાં, ધંધામાં ખોટ જતાં હતાશ થયા વિના ઉદ્યમ કરવો જોઈએ.
પ્રશ્ન 3.
આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે.
ઉત્તર :
કોઈ પણ ઉપદેશ તેના આચરણ વિના અસર કરતો નથી.
ઉપદેશ આપવો સહેલો છે પરંતુ તેને આચરણમાં મૂકવો અઘરો છે. જ્યાં સુધી કોઈ બાબત આચરણમાં ન મુકાય ત્યાં સુધી તેની બીજા પર ધારી અસર થતી નથી. દરરોજ મોડા ઊઠનાર બીજાને વહેલા ઊઠવાનો બોધ આપે તો તેની અસર થતી નથી. આથી બુદ્ધ ભગવાને પોતે ગોળ ખાવાનું છોડી દીધા પછી બાળકને ગોળ ખાવાનો બોધ આપ્યો. ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે’ એ કહેવતમાં પણ પ્રથમ કોઈ બાબત આચરણમાં જ મૂકવાની શિખામણ છે.
આપણે સારી બાબતો આચરણમાં મૂકીએ. પછી ઉપદેશ આપવાની જરૂર રહેશે નહિ. આપણા સંપર્કમાં આવતા લોકો આપણું અનુકરણ કરતા થશે.
પ્રશ્ન 4.
ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ;
ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ.
ઉત્તરઃ
આ પંક્તિઓમાં કવિ કહે છે કે સંપત્તિ ચાલી જાય તો ફરી મેળવી શકાય છે. દરિયાની સફરે ગયેલાં વહાણ ભૂલા પડે કે તોફાનમાં સપડાઈ જાય તો કદાચ બચીને પાછાં આવી શકે છે. પરંતુ જીવનમાં આવેલી તક અને શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ પાછા આવતા નથી.’
કવિએ જીવનમાં આવતી તકનું અને શરીરમાં રહેલા પ્રાણનું મહત્ત્વ સમજાવ્યું છે. જીવનમાં આવતી તક ઝડપી લેવી જોઈએ. તેમ કરવાથી આપણે વિકાસના પંથે આગળ વધી શકીએ છીએ. એ જ રીતે આપણું જીવન ખૂબ મૂલ્યવાન છે. તેથી પ્રાણની રક્ષા કરવી જોઈએ. શરીરની તંદુરસ્તી જાળવવી જોઈએ.
(5) પીપળ પાન ખરંતાં, હસતી કૂંપળિયાં
મુજ વીતી તુજ વીતશે, ઘીરી બાપુડિયાં.
ઉત્તરઃ
આ પંક્તિઓમાં કવિ કહે છે કે પીપળાનાં પીળાં અને પાકાં પાન ખરે છે ત્યારે કૂંપળો હસે છે. તે વખતે ખરતાં પાન કૂંપળોને ધીરજ રાખવાનું કહે છે. તેઓ કહે છે કે એક દિવસ તમારી દશા પણ અમારા જેવી જ થવાની છે.
કેટલાક લોકો લાંબો વિચાર કરતા નથી. તેઓ ઘરડાં, અપંગ 3 અને ગરીબ માણસોની મશ્કરી કરે છે. તેઓ તે વાત ભૂલી જાય છે કે ક્યારેક એમની પણ એવી દશા થવાની છે. કોઈના બધા દિવસો હું ક્યારેય એકસરખા હોતા નથી.
આથી આપણે કોઈની હાંસી ન ઉડાવીએ. કોઈની મશ્કરી ન કરીએ. વૃદ્ધો અને અશક્તો તેમજ ગરીબો માટે દયાની લાગણી રાખીએ. આપણે તેમને શક્ય હોય તે મદદ કરીએ.
પ્રશ્ન 6.
સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
ઉત્તર :
આ વાક્યમાં વીરતાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. સિંહને કદી પણ શસ્ત્રની જરૂર પડતી નથી. તે જ રીતે વીરને મૃત્યુનો ડર હોતો નથી.
સિંહ પોતાની શક્તિને લીધે જ વનનો રાજા ગણાય છે. તે છે બીજાની શક્તિ પર ક્યારેય આધાર રાખતો નથી. વળી તેને શસ્ત્રોની જરૂર પડતી નથી. તે પોતાની શક્તિ વડે ગમે તેવા હિંસક પ્રાણીને હું પરાસ્ત કરી શકે છે. એ જ રીતે વીરપુરુષ મૃત્યુનો ડર રાખ્યા વિના યુદ્ધમાં ઝંપલાવે છે અને બહાદુરીપૂર્વક લડે છે. તે મરવાનું પસંદ કરે છે પણ રણ છોડીને ભાગી જતો નથી.
આપણે આપણી શક્તિ પર જ આધાર રાખવો જોઈએ. આપણે આપણી તાકાત વધારવી જોઈએ. આપણે મૃત્યુનો ડર રાખ્યા વિના વીરતાપૂર્વક અને ખુમારીથી જીવવું જોઈએ.
પ્રશ્ન 7.
મન મેલાં તન ઊજળાં, બગલા કપટી અંગ;
તેથી તો કાગા ભલા, તન મન એક જ રંગ.
ઉત્તર :
આ પંક્તિઓમાં કવિએ બગભગત પર આકરો કટાક્ષ કર્યો છે.
બગલો ધોળો હોય છે. તે પાણીમાં ઊભો હોય ત્યારે તે જાણે ધ્યાનમગ્ન હોય તેવો ડોળ કરે છે. પરંતુ તેનું ધ્યાન માછલીમાં હોય છે. પાણીમાં માછલી દેખાતાં જ તેને તે ચાંચમાં પકડી લે છે. આપણે તેના ઉજળા તનથી તેની લુચ્ચાઈ પારખી શકતા નથી. એના કરતાં કાગડો સારો. તેનું તન કાળું અને તેનાં કર્મો પણ કાળાં. તેનામાં કોઈ ઢોંગ કે કપટ હોતાં નથી.
સમાજમાં અસંખ્ય માણસો બગલા જેવા હોય છે. તેમના મનની મેલી મુરાદ જાણી શકાતી નથી. તક મળતાં તેઓ સ્વાર્થ સાધી લે છે. આપણે એવા લોકોથી ચેતીએ. એના કરતાં કાગડા જેવા દુર્જનો સારા. એનાથી આપણે ક્યારેય, કદી છેતરાઈએ તો નહિ!
પ્રશ્ન 8.
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે;
પાપી તેમાં ડુબકી દઈને, પુણ્યશાળી બને છે.
ઉત્તરઃ
આ પંક્તિઓમાં કવિએ પસ્તાવાનો મહિમા વર્ણવ્યો છે.
પસ્તાવારૂપી વિશાળ ઝરણું સ્વર્ગમાંથી ઊતરીને પૃથ્વી પર વહી રહ્યું છે. આ ઝરણામાં પાપી માણસ સ્નાન કરીને પુણ્યશાળી બને છે.
આપણે આપણાં રોજિંદા કામોમાં ક્યારેક ભૂલ કરી બેસીએ છીએ. આપણને જ્યારે આપણી ભૂલ સમજાય છે ત્યારે આપણે તેનો નિખાલસતાથી સ્વીકાર કરવો જોઈએ. આમ કરવાથી આપણું મન પાપમાંથી છૂટી પુણ્યશાળી બને છે. ભૂલ કરવી એ પાપ નથી, પરંતુ કરેલી ભૂલને છુપાવી રાખવી એ પાપ છે. ગાંધીજીએ તેમના જીવનમાં અનેક ભૂલો કરી હતી. પરંતુ જ્યારે જ્યારે તેમને તેમની ભૂલો સમજાઈ ત્યારે ત્યારે તેમણે તેનો નિખાલસ સ્વીકાર પણ કર્યો છે. ત્યારપછી એવી ભૂલો એમણે જીવનમાં ક્યારેય કરી ન હતી. આપણે ભૂલ ન થાય તેની કાળજી રાખીએ. આમ છતાં ભૂલ થઈ જાય ત્યારે – તેનો પસ્તાવો કરીએ. એમ કરતાં આપણી ભૂલોનું પ્રમાણ ઘટતું જશે. આપણું જીવન સુખી બનશે.
પ્રશ્ન 9.
મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો.
ઉત્તરઃ
મૂર્ખ મિત્ર કરતાં સમજદાર દુશ્મન સારો ગણાય. આપણે – મૂર્ખ મિત્રનો વિશ્વાસ રાખી શકીએ નહિ. તે ક્યારે ગાંડપણમાં આપણને નુકસાન કરી બેસે તે કહી ન શકાય. સમજદાર દુશ્મન ક્યારેય આપણને દગો ન દે. તે ક્યારેય આપણા પર પીઠ પાછળથી ઘા ન કરે. તે આપણને ચેતવે પછી જ ઘા કરવા તૈયાર થાય.
રાજાએ મૂર્ખ વાંદરાની મિત્રતા કરી હતી. મૂર્ખ વાંદરો રાજા જ્યારે ઊંઘતા હતા ત્યારે તેમની ચોકી કરતો હતો. ઊંઘતા રાજાના શરીર પર માખી બેઠી. આ જોઈ મૂર્ખ વાંદરો આવેશમાં આવી ગયો. તેણે માખી પર તલવારનો ઘા કર્યો. માખી ઊડી ગઈ અને રાજાને તલવાર વાગતાં તેણે પ્રાણ ગુમાવ્યા.
આપણે મૂર્ખ વ્યક્તિની મિત્રતા ન કરવી જોઈએ.
પ્રશ્ન 10.
ઋણ, અગ્નિ તથા વ્યાધિ લેશમાત્ર રહી જતાં;
વધે ફરી ફરી, તેથી કદી ન બાકી રાખવાં.
ઉત્તર :
આ પંક્તિઓમાં કવિએ જીવનનું વ્યાવહારિક સત્ય સમજાવ્યું છે. ઋણ (દવું), અગ્નિ અને વ્યાધિ (રોગ) – એ ત્રણેયનો સમૂળગો નાશ કરી દેવો જોઈએ. એનો એકાદ અંશ પણ રહી જાય તો તે ધીરે ધીરે વધીને આપણને ભારે નુકસાન કરે છે.
જો દેવું ચૂકવવાનું બાકી રહી જાય, તો તેનું વ્યાજ વધ્યા કરે છે. આ વ્યાજ ક્યારેક મૂડી કરતાં પણ વધી જાય છે. અગ્નિ બુઝાવતાં એકાદ તણખો પણ જો રહી જાય તો તેમાંથી નવેસરથી આગ ભભૂકી ઊઠે છે. રોગને પણ જો ઊગતો બરાબર ડામવામાં ન આવે તો તે વકરી બેસે અને ક્યારેક કાબૂ બહાર જતો રહે.
આપણે ઋણ, અગ્નિ અને વ્યાધિની બાબતમાં જરા પણ બેદરકાર રહ્યા વિના તેનો જડમૂળથી નાશ કરવો જોઈએ.