Loading [MathJax]/jax/output/HTML-CSS/config.js

GSEB Class 7 Social Science Notes Chapter 19 બજાર

This GSEB Class 7 Social Science Notes Chapter 19 બજાર covers all the important topics and concepts as mentioned in the chapter.

બજાર Class 7 GSEB Notes

→ બજાર એટલે ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતાં હોય એવું સ્થળ. બજારમાં મુખ્યત્વે શાકભાજી, ફળો, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક્સ, પેન-પેન્સિલ, બૂટ-મોજાં, મોબાઇલ ફોન, ટેલિવિઝન, સાઈકલ, ફ્રીઝ વગેરે ચીજવસ્તુઓ વેચાતી હોય છે.

→ બજારના પ્રકાર આ પ્રમાણે છે :

  • મહોલ્લા બજાર
  • સાપ્તાહિક કે ગુજરી બજાર
  • મોટાં શૉપિંગ કૉપ્લેક્સ
  • શૉપિંગ મોલ
  • નિયંત્રિત બજાર અને
  • ઑનલાઇન બજાર.

GSEB Class 7 Social Science Notes Chapter 19 બજાર

→ આપણે આપણી આસપાસની દુકાનોમાંથી આ વસ્તુઓ ખરીદીએ છીએ :

  • ડેરીમાંથી દૂધ, દહીં, છાશ વગેરે;
  • કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા, દાળ, ચોખા, ગોળ, ખાંડ અને ગૃહવપરાશની વસ્તુઓ;
  • સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક્સ, પુસ્તકો વગેરે;
  • દવાની દુકાનેથી દવાઓ.

→ મહોલ્લા બજારની વિશિષ્ટતાઓ આ પ્રમાણે છેઃ

  • મહોલ્લા બજારની દુકાનો આપણા ઘરની આસપાસ હોય છે.
  • એ દુકાનોમાં વિવિધ ચીજવસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે.
  • એ દુકાનોમાંથી ગ્રાહકો તેમના રોજિંદા વપરાશની વસ્તુઓ તેમની જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી શકે છે.
  • મહોલ્લા બજારનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વસ્તુઓ વેચે છે.

→ અઠવાડિયા દરમિયાન કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતા બજારને “સાપ્તાહિક બજાર’ કે “ગુજરી’ કહે છે. ઉદાહરણ : દર શનિવારે ભરાતી સાપ્તાહિક બજારને શનિવારી બજાર કહેવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં તેને ‘હાટ’ પણ કહેવામાં આવે છે.

→ સાપ્તાહિક કે ગુજરી બજારની વિશિષ્ટતાઓ આ પ્રમાણે છે :

  • સાપ્તાહિક કે ગુજરી બજાર સપ્તાહના કોઈ નિશ્ચિત દિવસે જ ભરાય છે.
  • આ બજારમાં વેપારીઓ દિવસ દરમિયાન તેમના વેચવા માટેની દુકાનો લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને ઘેર જતા રહે છે.
  • આ બજારમાં લોકોને એક જ જગ્યાએથી રોજિંદી જરૂરિયાતની અનેક વસ્તુઓ મળી રહે છે.
  • આ બજાર દ્વારા નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળે છે.
  • આ બજારમાં વેપારીને દુકાનનું ભાડું, વીજળી, મકાનવેરો, કર્મચારીનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી. તેથી તે ચીજવસ્તુઓ બજારભાવ કરતાં ઓછા ભાવે વેચી શકે છે.

→ એક જ બિલ્ડિંગમાં એકસાથે અનેક અલગ-અલગ પ્રકારની દુકાનો હોય છે તેને “શૉપિંગ કૉપ્લેક્સ’ કહે છે. તેમાં નાની-મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે છે.

→ શૉપિંગ કૉપ્લેક્સ અને મોલમાં ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એક્સાથે વેચાતી હોય છે, જેથી ગ્રાહકને પસંદગીની તક રહે છે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર મળે છે. ગ્રાહક કાઉન્ટર પર રોકડ નાણાં, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ તેમજ નેટ બૅન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે.

→ આઝાદી પછીના સમયમાં ભારતમાં ખેત-ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ(ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)ની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો પોતાના પાકોના વેચાણમાં ગેરરીતિઓનો ભોગ ન બને તેમજ તેમના પાકોના વાજબી ભાવો મળી રહે અને તેનાથી તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને એ હેતુથી ગુજરાતના દરેક તાલુકામથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના કરવામાં આવી છે.

→માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ખેતપેદાશોનું વેચાણ જાહેર હરાજીથી કરવામાં આવે છે, જેથી ખેડૂતોને ખેતપેદાશોના સારા ભાવ મળે છે. આ પદ્ધતિથી ભાવનિર્ધારણમાં પારદર્શિતા વધે છે. વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે. વેપારીઓને ચોખ્ખઓ અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી શકે છે. બૅન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ અને અન્ય સગવડોનું નિર્માણ વગેરે સેવાઓનો અસરકારક રીતે અમલ થાય છે. ખેડૂતોને ખેતપેદાશોના દૈનિક બજારભાવ રેડિયો, ટેલિવિઝન, દૈનિક વર્તમાનપત્રો, ઑનલાઇન મોબાઇલ ફોન વગેરે પરથી મળી રહે છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિરોકાણ માટે રહેવાની અને તેમના પાકોનો સંગ્રહ કરવા માટે ગોડાઉનની સગવડો મળી રહે છે.

→ઑનલાઇન શૉપિંગમાં બજારમાં ગયા વિના જ આપણે આપણાં કમ્યુટર, મોબાઈલ ફોન અને ટેલિવિઝન પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ.

→ ઑનલાઇન શૉપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધા વેચાણમાં વધુ વળતર આપીને બજારભાવ કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચે છે તેમજ ખરીદેલી ચીજવસ્તુઓ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચાડે છે. તેથી ઑનલાઇન શૉપિંગનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે.

→ જે વેપારી ખેતરો, કારખાનાં કે ઘરોમાં ઉત્પાદિત થતો માલસામાન – મોટા પ્રમાણમાં ખરીદે છે તેને “જથ્થાબંધ વેપારી’ કહે છે. આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી ચીજવસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી’ કહે છે.

→ મોટરકારમાં વપરાતા જુદા જુદા ભાગો (Parts) નાનાં કારખાનાંઓમાં બને છે. મોટરકારની કંપનીઓ એ ભાગો ખરીદીને તેને જોડીને મોટરકાર બનાવે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 19 બજાર

→ નાનો દુકાનદાર ઓછાં નાણાં રોકીને છૂટક વેપાર કરે છે અને તે વેપારમાં ખૂબ ઓછો નફો મેળવે છે; જ્યારે મોટો દુકાનદાર મોલ કે શૉપિંગ કૉપ્લેક્સમાં વધુ નાણાં રોકીને વેપાર કરે છે અને વધારે નફો મેળવે છે. ઘણા લોકો સસ્તામાં મળતો માલસામાન પણ ખરીદી શકતા નથી; જ્યારે ઘણા લોકો મોંઘી વસ્તુઓ પણ ખરીદી શકે છે.

→ કેટલાક વૃદ્ધ પુરુષો અને મહિલાઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આસપાસ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે.

→ કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી નાણાં ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક’ કહેવાય. ગ્રાહક પોતાની જરૂરિયાતની અને મોજશોખની

વસ્તુઓ વિવિધ પ્રકારની બજારોમાંથી ખરીદે છે. તેથી એક ગ્રાહક તરીકે વસ્તુની ગુણવત્તા અને કિંમત તપાસવી, વસ્તુની પસંદગી કરવી, નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવું વગેરે તેમના મુખ્ય અધિકારો છે.

→ ગ્રાહકને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મળી રહે તે માટે
સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કર્યા છે. જેમ કે, ઘરવપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ (ઇલેક્ટ્રોનિક્સ) માટે “આઈ.એસ.આઈ. (ISI)નો માર્કો (નિશાની); સોનાચાંદીના દાગીના માટે “હોલમાર્કનો માર્કો, ઊનની બનાવટો માટે વૂલમાર્કનો માક, ખાદ્યપદાર્થો માટે “એગમાર્ક (Agmark)નો અને “એફ.એસ.એસ.એ.આઈ. (fssai)નો માર્કોનો ઉપયોગ નિશાની તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત, શાકાહારી ખાદ્યસામગ્રી પર લીલા (Green) રંગની અને માંસાહારી સામગ્રી પર લાલ (Red) રંગની નિશાનીઓ કરવામાં
આવે છે.

→ વર્તમાન બજાર-વ્યવસ્થાને લીધે ગ્રાહક વસ્તુની ગુણવત્તા, વસ્તુનો જથ્થો, વસ્તુની કિંમત અને ખરીદીની પછીની સેવા વગેરે બાબતોમાં છેતરામણીનો ભોગ બનતો હોય છે.

→ સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ (કાયદો) ઈ. સ. 1986માં અમલમાં મૂક્યો. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે. આ અધિનિયમ મુજબ ગ્રાહકોને આ અધિકારો (હકો) આપવામાં આવ્યા છે :

  • સલામતીનો અધિકાર
  • માહિતી મેળવવાનો અધિકાર
  • પસંદગી કરવાનો અધિકાર
  • રજૂઆત કરવાનો અધિકાર
  • ફરિયાદ નિવારણનો અધિકાર
  • ગ્રાહકશિક્ષણ મેળવવાનો અધિકાર.

→ ગ્રાહકોની ફરજોઃ

  • ગ્રાહકે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે જી.એસ.ટી.વાળું અસલ બિલ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વિક્રેતા પાસેથી એ બિલ મેળવીને તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું.
  • મોટી ખરીદી. તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણો ‘આઈ.એસ. આઈ. (ISI)ના માર્કવાળાં ખરીદવાનો આગ્રહ રાખવો.
  • સોના અને ચાંદીના દાગીના “હોલમાર્ક વાળા જ ખરીદવા.
  • ખાદ્યપદાર્થો હંમેશાં “એગમાર્ક (Agmark) અને “fssai (FS.S.A.I.) લોગોવાળા – નિશાનીઓવાળા જ ખરીદવા.
  • દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવી. જેનરિક દવાઓ સુલભ હોય તો તેને જ ખરીદવાનો આગ્રહ રાખવો.
  • તૈયાર કપડાં ખરીદતી વખતે તેનું કાપડ, કલર, સિલાઈ, જરીભરત, માપ-સાઇઝ વગેરે તપાસવાં.
  • ગેસ સિલિન્ડરમાં સીલ અને વજન તપાસવાં, રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 0000 ઝીરો મીટર રીડિંગ જોઈ લેવું, તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો.
  • પોતાના સંતાનનો શાળામાં પ્રવેશ મેળવતી વખતે શાળામાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની શૈક્ષણિક લાયકાતની વિગતો મેળવી લેવી. શિક્ષણ ફી ભર્યાની પાકી રસીદ મેળવી લેવી.
  • જીવનવીમા પૉલિસી અને વાહન વીમાની પૉલિસીની શરતો સમજી પૉલિસીના અસલ દસ્તાવેજો અચૂક મેળવી લેવા અને સાચવવા.
  • ગ્રાહકે ભેટકૂપન, ઇનામી કે ડિસ્કાઉન્ટ જેવી લોભામણી જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી કે “સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ.

→ કાપડ ઉત્પાદનની પ્રક્રિયાઃ સૌપ્રથમ ખેતરમાં કપાસનું બિયારણ વાવવામાં આવે છે. ચારેક મહિનામાં કપાસના છોડ પર મોટાં જીડવાં આવી જાય છે. જીડવાંમાંથી સફેદ કપાસ વીણીને તેની ગાંસડીઓ બાંધીને કપાસને ઘરમાં સંઘરવામાં આવે છે. એ પછી કપાસનો બધો જથ્થો નજીકના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લઈ જવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડનો વેપારી કપાસને ખરીદીને તેને નજીકના જીનિંગ મિલના માલિકને વેચી દે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 19 બજાર

→ જીનમાં કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેને તેલ બનાવનાર વેપારીને વેચવામાં આવે છે. હવે જીનિંગ મિલનો માલિક રૂની એકસરખી ગાંસડીઓ તૈયાર કરીને તેને દોરા બનાવતી સ્પિનિંગ મિલના માલિકને વેચી દે છે. કાપડ મિલનો માલિક દોરામાંથી કાપડ બનાવીને તેને તાકા ડાઈંગ મિલમાં કલર કરવા માટે મોકલે છે. એ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ-અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરવામાં આવે છે. ખમીશ (શટ), પેન્ટ, બાળકોનાં કપડાં, છોકરા-છોકરીઓના પોશાક વગેરે તૈયાર થતાં તેના પર લેબલ લગાવી તેમને બૉક્સમાં પૅક કરવામાં આવે છે. પોશાકોનાં બૉક્સ જથ્થાબંધ વેપારીને વેચવામાં આવે છે. તે બૉક્સને છૂટક વેપારીને વેચે છે. છૂટક વેપારીના શો-રૂમમાંથી ગ્રાહકો મનગમતાં વસ્ત્રો ખરીદે છે. આ રીતે કાચા માલમાંથી કાપડ તૈયાર કરીને બજારમાં આવેલાં વસ્ત્રોનું વેચાણ થાય છે.

→ ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત, ઉત્પાદક, વેપારી અને પરિવહન સેવામાં જોડાયેલ દરેક વ્યક્તિ ઓછાવત્તા અંશે વળતર મેળવે છે.

→ સારા રસ્તાઓ, પરિવહન, બૅન્કિંગ અને સંદેશાવ્યવહારની સુવિધાઓને લીધે બજાર-વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે. વર્તમાન સમયમાં વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે. આ ઉપરાંત, આપણી આસપાસનાં બજારો અને ઑનલાઇન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આથી કહી શકાય કે, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *